આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળપરિવહન કાયદો : સફરી વહાણોના ઉપયોગના તથા વહાણવટાયોગ્ય સંકલિત જળવિસ્તારને લગતા નિયમોનો બનેલો આંતરરાષ્ટ્રીય કાયદો. તે જળવિસ્તાર પર ઊડતાં વિમાનો તથા પાણીમાંની ડૂબક કિશ્તીઓ(submarines)ને પણ લાગુ પડે છે. તેને મધ્યયુગમાં પશ્ચિમ યુરોપનાં રાજ્યોએ વિકસાવ્યો. મધ્યયુગમાં પોર્ટુગલે આખા હિંદી મહાસાગર પર સાર્વભૌમત્વનો દાવો કરેલો. વિખ્યાત ડચ ન્યાયવિદ ગ્રોશિયસ(1583-1645)ના મતે દરિયો કોઈ રાષ્ટ્રની માલિકીનો હોઈ શકે નહિ. ખુલ્લા સમુદ્ર પરના અસરકારક કબજાના અભાવે તેના પર કોઈનું સાર્વભૌમત્વ હોય નહિ. સમયાંતરે ‘ખુલ્લા દરિયાના સ્વાતંત્ર્ય’(freedom of the high seas)ના અને વહાણો પરની ‘ધ્વજ-રાજ્ય(flag-state)ની હકૂમત’ના સિદ્ધાંતો સ્થપાયા. 18મી સદીની શરૂઆતથી તોપગોળાના અંતરના ‘દરિયાઈ પટા’ (maritime belt) પર તટરાજ્યનું સાર્વભૌમત્વ સ્વીકારાયું અને 19મી સદીના અંતભાગમાં ‘જલદ પીછા’(hot-pursuit)નો હક્ક સ્વીકારાયો. 1884માં સમુદ્રતળનાં તારનાં દોરડાંના રક્ષણ માટેનું તથા 189૦માં ગુલામોના વેપારના પ્રતિબંધ માટેનું સંધિનામું (convention) થયું. બીજા વિશ્વયુદ્ધ (1939-1945) પછી રાજ્યોએ ‘ખંડીય છાજલી’ (continetntal shelf) પર હકૂમતના દાવા કર્યા છે. ઉત્તર સમુદ્ર ખંડીય છાજલી મુકદ્દમા(1969)માં ખંડીય છાજલી અને ઢોળાવ વગેરે તટપ્રદેશનું વિસ્તરણ હોવાનું અને તેમાં તટરાજ્યના સંપત્તિવિષયક હકો હોવાનું આંતરરાષ્ટ્રીય ન્યાયની અદાલતે ઠરાવ્યું છે. દરિયાઈ કાયદા પરના 1958ના જિનીવા સંમેલનના પરિણામે (1) ખુલ્લા દરિયાનું (1962), (2) પ્રાદેશિક સમુદ્ર અને સળંગ વિસ્તારનું (1965), (3) ખુલ્લા દરિયામાં મચ્છીમારી અંગેનું તથા દરિયાઈ જીવન સંપત્તિની સાચવણીનું (1966) તથા (4) ખંડીય છાજલીનું (1979) એમ ચાર સંધિનામાં સ્વીકારાયાં. 1982માં સંયુક્ત રાષ્ટ્રોનું દરિયાઈ કાયદા પરનું સંધિનામું ઘડાયું. જેનાથી મુખ્યત્વે નીચેના વિષયોના નિયમો સ્વીકારાયા :
પ્રાદેશિક સમુદ્ર (territorial sea) : તટરાજ્ય કે દ્વીપસમૂહનું સાર્વભૌમત્વ ઓટના કિનારાથી 12 દરિયાઈ માઈલ (1 દરિયાઈ માઈલ = 1,852 મીટર) સુધીના જળવિસ્તારમાં આકાશથી પાતાળ સુધી વિસ્તરે છે. નજીકનાં સામસામેનાં તટરાજ્યો માટે તે કરાર પ્રમાણેનું કે તેમની વચ્ચેની મધ્યરેખા સુધીનું સાર્વભૌમત્વ રહેશે. તેમાં અન્ય રાજ્યોને વહાણોની ‘નિર્દોષ સફર’નો હક્ક છે.
સળંગ વિસ્તાર (contiguous zone) : તે કિનારાથી 24 દરિયાઈ માઈલ સુધીનો ગણાશે. તેમાં આર્થિક, રાજ્યપ્રવેશ (immigration) તથા આરોગ્યવિષયક કાયદાઓના અમલ માટે તટરાજ્યની હકૂમત રહેશે.
આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પરનું આધિપત્ય તટરાજ્યનું રહેશે. તેમાંથી અવરજવરનો બીજાં રાજ્યોનો હક્ક તટરાજ્યના નિયમોને કે કરારોને અધીન રહેશે.
આગવો આર્થિક વિસ્તાર (exclusive economic zone) : તે કિનારાથી 2૦૦ દરિયાઈ માઈલ સુધીનો ગણાય છે. તેની ઉપર તટરાજ્યનું સાર્વભૌમત્વ નથી; પણ તટરાજ્ય તેમાં સંપત્તિવિષયક તમામ હક્કો ધરાવે છે.
જલદ પીછો (hot-pursuit) : તટરાજ્ય તેના પ્રાદેશિક સમુદ્રમાં કે આગવા આર્થિક વિસ્તારમાં તેના કાયદા કે સલામતીનો ભંગ કરનાર વહાણનો ભરદરિયે સતત પીછો કરીને દંડાત્મક કાર્યવહી કરી શકે છે.
ખુલ્લો સમુદ્ર (high seas) : આ પ્રાદેશિક સમુદ્રની બહારનો દરિયાનો તમામ વિસ્તાર છે. તમામ રાજ્યો માટે તેના ‘ક્ષેત્ર’(જલસ્તર, સાગરતળ તથા તટભૂમિ)નો શાંતિમય ઉપભોગ આંતરરાષ્ટ્રીય જલસ્તર સત્તામંડળ(International Sea Authority)ને અધીન રહેશે. તેના પરથી સફર તથા ઉડ્ડયનનો, તેમાં તારનાં દોરડાં વગેરે નાખવાનો, સંશોધન કરવાનો, નશાકારક પદાર્થો તથા ગુલામોની હેરફેર અને ચાંચિયાગીરી તથા હાનિકારક ર્દશ્ય-શ્રાવ્ય પ્રસારણો અટકાવવાનો બધા દેશોનો હક્ક છે. રાજ્યોને કોઈ પણ વહાણની નોંધણી કરીને રાષ્ટ્રીયતા કે ધ્વજ અર્પવાનો હક્ક છે. ભૂ-બદ્ધ (landlocked) રાજ્યોને વચ્ચેના દેશો સાથેના કરારોને અધીન દરિયા તરફની અવરજવર તથા વેપારનો હક્ક હોય છે. સંઘર્ષ-નિવારણાર્થે દરિયાઈ કાયદાના આંતરરાષ્ટ્રીય પંચની જોગવાઈ છે.
દરિયાઈ કાયદાના ભંગ માટે રાજ્યો નીચેની એક કે વધુ સંસ્થાઓ મારફતે ઉપાયો યોજી શકશે :
ખાસ લવાદપંચ
(1) દરિયાઈ કાયદાનું આંતરરાષ્ટ્રીય પંચ
(2) આંતરરાષ્ટ્રીય ન્યાયની અદાલત
(3) લવાદપંચ (પરિશિષ્ટ 7)
(4) મચ્છીમારી, વાતાવરણ, સંશોધન વગેરે માટેનું
1982નું સંધિનામું દરિયાઈ કાયદાની સંપૂર્ણ સંહિતા નથી, પરંતુ તે મહદ્અંશે તેને આવરી લે છે.
છોટાલાલ છગનલાલ ત્રિવેદી