આંતરરાષ્ટ્રીય તિથિરેખા

January, 2002

આંતરરાષ્ટ્રીય તિથિરેખા  (દિનાન્તર-રેખા, International Dateline) : મુખ્યત્વે 18૦0 રેખાંશવૃત્ત ઉપર આવેલી દિનાન્તર-રેખા. આંતરરાષ્ટ્રીય વ્યવહારમાં સુગમતા ખાતર જેમ બધા દેશોએ ગ્રીનિચ રેખાંશવૃત્ત (૦0 રેખાંશ Prime Meridian) ઉપરના સ્થાનિક સમયને સાર્વત્રિક સમય (Universal Time UT) તરીકે સ્વીકાર્યો છે; તેવી જ રીતે સાર્વત્રિક સમજૂતીથી 18૦0 રેખાંશવૃત્તથી પશ્ચિમે આવેલા વિસ્તારમાં નવા દિવસનો આરંભ અને તેનાથી પૂર્વે આવેલા વિસ્તારમાં ચાલુ દિવસનો અંત ગણવાની રૂઢિ પ્રચલિત છે. ઉદાહરણ તરીકે 18૦0 રેખાંશવૃત્તથી પશ્ચિમે આવેલા સાઇબિરિયા (રશિયા), જાપાન, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, ફિજી ટાપુઓ વગેરેમાં જ્યારે 15મી જૂન અને સોમવાર શરૂ થતો હોય ત્યારે આંતરરાષ્ટ્રીય તિથિરેખાની પૂર્વે આવેલા કૅનેડા, અલાસ્કા (અમેરિકા) અને હવાઈ ટાપુઓ, કૂક ટાપુઓ વગેરેમાં 14મી જૂન અને રવિવારની શરૂઆત થઈ હોય, સામાન્ય વ્યવહારની સગવડ ખાતર આંતરરાષ્ટ્રીય તિથિરેખાને પૂર્વ દિશામાંથી પશ્ચિમ દિશા તરફ ઓળંગતી વખતે એક દિવસ વધારવાનો અને પશ્ચિમથી પૂર્વ તરફ ઓળંગતી વખતે એક દિવસ ઘટાડવાનો રિવાજ છે.

આંતરરાષ્ટ્રીય તિથિરેખા

આકૃતિ ૨: આંતરરાષ્ટ્રીય તિથિરેખા

પ્રશાંત (Pacific) મહાસાગરની લગભગ અધવચ આવેલી આંતરરાષ્ટ્રીય તિથિરેખા (જુઓ આકૃતિ) મુખ્યત્વે નિર્જન જળવિસ્તારમાંથી પસાર થાય છે, એટલે માનવવસ્તીના સામાન્ય વ્યવહારમાં ખાસ અડચણ થતી નથી. પરંતુ કેટલાક પ્રદેશ (દા.ત., સાઇબિરિયા) કે ટાપુસમૂહો (એલ્યુશિયન ટાપુઓ, ફિજી ટાપુઓ) ઉપરથી પસાર થવાથી આ રેખા દ્વારા તેમનું ભૌગોલિક ર્દષ્ટિએ વિભાજન થાય છે. પરંતુ પ્રાદેશિક એકસૂત્રતા ધરાવનારા આવા પ્રદેશોના રહેવાસીઓની, પ્રવાસીઓની સગવડ જાળવવા આંતરરાષ્ટ્રીય તિથિરેખાને આંતરરાષ્ટ્રીય સમજૂતી અનુસાર આવા વિસ્તારોમાં 18૦0 રેખાંશવૃત્તથી થોડી વિચલિત કરવામાં આવી છે.

પ્ર. દી. અંગ્રેજી