આંતરરાષ્ટ્રીય કાયદાપંચ : આંતરરાષ્ટ્રીય કાયદાનાં ક્રમિક વિકાસ અને સંહિતાકરણ માટે ભલામણ કરતું પંચ. 1947ના નવેમ્બરમાં ‘સંયુક્ત રાષ્ટ્રો’ની સામાન્ય સભાએ તેની સ્થાપના કરી હતી. તેમાં 15 સભ્યો નિયુક્ત થયા હતા. પંચનું કાર્યક્ષેત્ર (codification) આંતરરાષ્ટ્રીય કાયદાના ક્રમિક વિકાસ તથા સંહિતાકરણ માટે ભલામણો કરવાનું છે. સંયુક્ત રાષ્ટ્રની પ્રથમ ‘સામાન્ય સભા’એ પંચને નાઝી યુદ્ધ-ગુનેગારો માટેના ન્યૂરેમ્બર્ગ મુકદ્દમાઓમાં સ્વીકારાયેલા આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતો નિશ્ચિત કરવાનું તથા માનવજાતની શાંતિ અને સલામતી વિરુદ્ધના અપરાધોના સંહિતાકરણનો મુસદ્દો (draft code) તૈયાર કરવાનું કાર્ય સોંપ્યું હતું. 195૦માં પંચે ન્યૂરેમ્બર્ગ સિદ્ધાંતોનું સૂત્રીકરણ (formulation) રજૂ કર્યું, જેમાં યુદ્ધગુનાઓ તથા શાંતિ અને માનવતા વિરુદ્ધના ગુનાઓનો સમાવેશ થયો છે. 1951માં પંચે ‘સામાન્ય સભા’ સમક્ષ માનવજાતની શાંતિ અને સલામતી વિરુદ્ધના ગુનાઓની કલમોનો મુસદ્દો રજૂ કર્યો, જેમાં આંતરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધના, આક્રમણનું કૃત્ય તથા તૈયારી, પ્રદેશની જપ્તી (annexation) અને જાતિનિકંદન (genocide) જેવા 12 અપરાધો ગણાવ્યા છે. ઉપરાંત રાજ્યોના હક્કો અને ફરજોના ઘોષણાપત્રનો મુસદ્દો પણ રજૂ કર્યો હતો.
પંચે રાજ્યવિહીનતા, આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનું શાંતિમય નિરાકરણ, રાજદ્વારી તથા વાણિજ્યદૂત સંબંધો, દરિયાનો કાયદો અને સંધિવિષયક કાયદાના કોલકરારોના મુસદ્દા તૈયાર કર્યા છે. કોલકરારનો મુસદ્દો તૈયાર કરીને પંચ તેને ‘સામાન્ય સભા’ સમક્ષ રજૂ કરે છે, જે તે મુસદ્દા પર આધારિત વિધિસરના કોલકરાર કરવા માટે આંતરરાષ્ટ્રીય સંમેલન બોલાવે કે રાજ્યોને તે મુસદ્દાની સીધી જ ભલામણ કરે. 1961 અને 1963માં વિયેનામાં મળેલાં સંમેલનોએ રાજદ્વારી અને વાણિજ્ય-સંબંધો, રાષ્ટ્રીયત્વની વૈકલ્પિક સમજૂતી તથા વિવાદોના ફરજિયાત સમાધાનના કોલકરારો પૂર્ણ કર્યા 1966માં પંચે સંધિઓના કાયદાના, જળવ્યવહારના તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને રાજ્યો વચ્ચેના સંબંધોના કોલકરારના મુસદ્દા તૈયાર કર્યા છે. 1974માં ‘સામાન્ય સભા’એ પંચે આપેલી આક્રમણની વ્યાખ્યાને સર્વાનુમતે સંમતિ આપી છે.
છોટાલાલ છગનલાલ ત્રિવેદી