આંતરરાષ્ટ્રીય કાયદાશાસ્ત્રીઓનું પંચ

January, 2002

આંતરરાષ્ટ્રીય કાયદાશાસ્ત્રીઓનું પંચ :  સંયુક્ત રાષ્ટ્ર સંઘે (UN) 1952માં માનવહક્કો અંગે ભલામણ કરવા સ્થાપેલું પંચ. આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે મુખ્યત્વે સાર્વભૌમ રાજ્યો જ આંતરરાષ્ટ્રીય કાયદાના વિષયો ગણાય છે. વ્યક્તિઓ કે લઘુમતી જૂથો પોતાને થયેલા અન્યાય બાબતમાં આંતરરાષ્ટ્રીય અદાલત કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આગળ સીધી ફરિયાદ કરી શકતાં નથી, પરંતુ કોઈ રાજ્ય કે આંતરરાષ્ટ્રીય સંસ્થા મારફતે તેમ કરી શકે છે. વ્યક્તિઓ કે જૂથો પર ધાર્મિક, વંશીય, ભૌગોલિક વગેરે કારણોસર ગુજારાતા ત્રાસ, વંશનિકંદન તેમજ બીજા માનવીય હક્કોના ભંગ બાબતે વિશ્વનું ધ્યાન ખેંચવા તેમજ તેમના નિવારણની ભલામણો કરવા માટે 1952માં આંતરરાષ્ટ્રીય કાયદાશાસ્ત્રીઓના પંચની સ્થાપના થઈ છે. આ પંચને સંયુક્ત રાષ્ટ્રસંઘ, સંયુક્ત રાષ્ટ્રસંઘની આર્થિક તેમજ સામાજિક સમિતિ તથા કાઉન્સિલ ઑવ્ યુરોપની સાથે પરામર્શનાત્મક (consultative) દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે ઉપરની સંસ્થાઓ તેને જગતના જુદા જુદા ભાગોમાં થયેલા માનવીય હકોના ગંભીર ભંગની તપાસ કરવાનું તથા ભલામણો કરવાનું કાર્ય સોંપે છે. પંચનો આદર્શ ‘કાયદાનું શાસન’ છે અને જ્યાં જ્યાં કાયદાના રાજ્યની ભાવનાનો ભંગ થાય ત્યાં ત્યાં પંચ જાતે પણ તપાસ કરે છે, અને તે પરનો પોતાનો હેવાલ તથા ભલામણો સંયુક્ત રાષ્ટ્રોની આર્થિક તથા સામાજિક સમિતિને મોકલે છે.

પંચનું મુખ્ય મથક જિનીવામાં છે. તેની સાથે જુદા જુદા દેશોનાં પ્રાદેશિક પંચો જોડાયેલાં હોય છે. પંચ વખતોવખત સભાઓ, સંમેલનો તથા અભ્યાસસત્રો યોજે છે અને નિરીક્ષકો નીમે છે.

પંચે તેની રૌપ્ય જયંતી નિમિત્તે માનવહકો માટે કરેલી ભલામણોમાં આ ભલામણો મુખ્ય હતી : (1) કેદીઓને સંયુક્ત રાષ્ટ્રોના સેક્રેટરી જનરલને સીધી ફરિયાદ કરવાનો અધિકાર આપવો. (2) સંયુક્ત રાષ્ટ્રોએ પોતાનો માનવીય હક્કો માટેનો હાઇકમિશનર નીમવો. (3) રાજ્યોની અદાલતો આંતરરાષ્ટ્રીય માનવહક્કોના કાયદાનું પાલન કરાવે. (4) ન્યાયતંત્રની સ્વતંત્રતા તથા વકીલોના અધિકારો માટે એક આંતરરાષ્ટ્રીય સચિવાલય ખોલવું. (5) અણુશસ્ત્રો અને અણુઊર્જાથી થતા નુકસાન બાબત રાજ્યોનું ધ્યાન દોરવું અને તેમનો જવાબ લેવો. (6) લેખકોના હક્કો સંરક્ષવા. (7) અમાનુષી ત્રાસ(torture)ને આંતરરાષ્ટ્રીય ગુનો ગણવો અને તેનો ન્યાય કરવાની હકૂમત જે તે રાજ્યને આપવી. (8) બાળકોને માનવહક્કોનું શિક્ષણ આપવું.

પંચે દક્ષિણ આફ્રિકાના રંગભેદ તથા અશ્વેત નિવાસીઓ પરના જુલમો, શ્રીલંકાના તમિલો પરના જુલમો, કટોકટી વખતે ભારતમાં થયેલા અત્યાચારો, તથા બીજા અનેક દેશોના નાગરિકો પરના જુલમોની તપાસ કરીને ભલામણો કરી છે. તાજેતરમાં ઇઝરાયલે જૉર્ડનના પશ્ચિમ કિનારાના આરબો પર કરેલા અત્યાચારોની વિચારણા કરવા પોતાની ખાસ સભા બોલાવી હતી.

ભારતના પુરુષોત્તમદાસ ત્રિકમદાસ તેમના મૃત્યુ પર્યંત આ પંચની શરૂઆતથી તેના સભ્યપદે રહ્યા હતા અને ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ વિવિયન બોઝ ભારતીય ન્યાયવિદોના પંચના મંત્રીપદે રહ્યા હતા.

છોટાલાલ છગનલાલ ત્રિવેદી