આંતરરાષ્ટ્રીય કરારો

January, 2002

આંતરરાષ્ટ્રીય કરારો : સાર્વભૌમ રાજ્યો વચ્ચેના કરારો. તે સંધિની વ્યાખ્યામાં આવે છે અને એવા કરારોને આંતરરાષ્ટ્રીય કાયદો લાગુ પડે છે; પરંતુ જ્યારે એક પક્ષકાર રાજ્ય હોય અને બીજો પક્ષકાર કોઈ પરદેશી વ્યક્તિ, સંસ્થા કે પેઢી હોય ત્યારે જાહેર આંતરરાષ્ટ્રીય કાયદાના કેટલાક નિયમો તથા ખાનગી આંતરરાષ્ટ્રીય કાયદાના નિયમો લાગુ પડે છે. આવા કરારનો ભંગ જ્યારે રાજ્ય કરે ત્યારે આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ રાજ્ય સામે પગલાં લઈ શકાતાં નથી. જોકે એક રાજ્ય બીજા રાજ્યને તેના નાગરિક સાથેના કરારોના પાલનની બાંયધરી આપે ત્યારે ઍંગ્લોઈરાનિયન ઑઇલ કંપનીના કેસમાં આંતરરાષ્ટ્રીય અદાલતે ઠરાવ્યા મુજબ તે ગર્ભિત સંધિ કે કરાર ગણાય. આવી બાબતમાં રાજ્યો ‘કાલ્વો ક્લૉઝ’ મુજબ પરદેશીઓ સાથે શરત કરે છે કે કરારભંગની બાબતમાં તેઓ તેમના રાજ્યની મદદ કે રક્ષણ માગશે નહિ. રાજ્યોના સાર્વભૌમ અધિકારોને પડકારતી આવી શરતની કાયદેસરતા બાબત ન્યાયવિદોમાં મતભેદ છે. વળી આર્જેન્ટિનાના મુત્સદ્દી લુઈ મારિયા ડ્રેગો (1859-1921) દ્વારા રજૂ કરેલ અને તેના નામથી જાણીતા બનેલા આ સિદ્ધાંતને 19૦7માં હેગ પરિષદે થોડાક ફેરફારો સાથે સ્વીકૃતિ આપી હતી. ‘ડ્રેગો સિદ્ધાંત’ મુજબ કોઈ રાજ્ય પોતાના નાગરિકનું લેણું વસૂલ કરવા અન્ય રાજ્ય સામે લશ્કરી પગલાં લઈ શકે નહિ.

જ્યાં રાજ્ય અને પરદેશી વ્યક્તિ કે સંસ્થા વચ્ચે કરાર હોય ત્યાં ખાનગી આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ અદાલત કરારનો ‘યોગ્ય કાયદો’ લાગુ પાડશે. ‘યોગ્ય કાયદો’ નક્કી કરવા માટે ડાઈસીની ‘ઇરાદાના સિદ્ધાંત’ની વ્યક્તિનિષ્ઠ વિચારસરણી મુજબ અથવા વેસ્ટલેઇકની ‘સૌથી વધુ સાચા સંબંધ’ની વસ્તુનિષ્ઠ વિચારસરણી મુજબ અથવા બંને વિચારસરણીઓનો સમન્વય કરીને જે તે દેશનો કાયદો લાગુ પડાય છે. આવો દેશ પક્ષકારોએ સ્વીકારેલો હોય કે પછી જ્યાં દાવાનું કારણ ઉત્પન્ન થયું હોય કે જ્યાં કરારપાલન થવાનું હોય તે હોઈ શકે. વીટા ફૂડ પ્રોડક્ટસ વિ. યૂનુસ શિપિંગ કંપનીના મુકદ્દમામાં પ્રિવી કાઉન્સિલે ‘ઇરાદાનો સિદ્ધાંત’ અપનાવ્યો હતો. જ્યારે બોઇસવેઇન વિ. વેલના મુકદ્દમામાં લૉર્ડ ડેનિંગના મત મુજબ જે દેશ સાથે કરારને સૌથી વધુ તાત્વિક સંબંધ હોય તેનો જ કાયદો લાગુ પાડવો જોઈએ.

છોટાલાલ છગનલાલ ત્રિવેદી