આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર

January, 2002

આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર : સાર્વભૌમ દેશો વચ્ચેના વસ્તુઓ, સેવાઓ અને મૂડીના આંતરરાષ્ટ્રીય સોદાઓને લીધે ઉદભવતા પ્રશ્નોનો અભ્યાસ દર્શાવતી અર્થશાસ્ત્રની શાખા. આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને આંતરિક વ્યાપાર વચ્ચે ઘણું સામ્ય હોવા છતાં અનેક બાબતોમાં તે જુદા પડે છે; તેથી આંતરરાષ્ટ્રીય વ્યાપારનો એક શાખા તરીકે અલગ અભ્યાસ જરૂરી માનવામાં આવે છે. બર્ટિલ ઓહલીન નામના સ્વીડનના અર્થશાસ્ત્રીએ આંતરપ્રાદેશિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર વચ્ચે કોઈ તાત્વિક ભેદ નથી એવું લગભગ સાબિત કર્યું હોવા છતાં, આંતરરાષ્ટ્રીય વ્યાપારનો અલગ શાખા તરીકેનો અભ્યાસ પરંપરાગત રીતે ચાલુ જ રહ્યો છે. કેટલીક વાર આંતરરાષ્ટ્રીય આર્થિક વિનિમયોને લીધે ઊભા થતા પ્રશ્નોની સમજ આર્થિક સમસ્યાઓને સમગ્ર સંદર્ભમાં મૂલવવા માટે ઉપયોગી બને છે.

આંતરિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર વચ્ચે કેટલાક નોંધપાત્ર તફાવતો છે. દેશના જ વિવિધ પ્રદેશો વચ્ચે સાધનોની ગતિશીલતા વિશેષ હોવાથી સાધનોના ભાવો લગભગ સરખા બનવાનું વલણ સર્જાય છે. ઉપભોક્તાઓની રુચિઓ, રૂઢિઓ અને ટેવો અનુસાર રાષ્ટ્રીય બજારો વિકસે છે. આ બજારો અન્ય દેશોનાં બજારોથી ભાષા, રિવાજો, તોલમાપ વગેરેની બાબતમાં અલગ પડે છે. ચલણોની ભિન્નતા કેટલાક વિશિષ્ટ પ્રશ્નો સર્જે છે, જે આંતરિક વ્યાપારમાં ઉદભવતા નથી. જુદા જુદા દેશોનાં ચલણો ભિન્ન હોય છે; એટલું જ નહિ, તેમની ચલણવ્યવસ્થા અંગેની નીતિઓમાં પણ વ્યાપક તફાવત હોય છે. આને લીધે ઉત્પાદનનાં સાધનોની ગતિશીલતા પર પણ અસરો પડે છે. કોઈ એક દેશના  આંતરિક બજારની સરખામણીમાં અન્ય દેશોનાં બજારોનું સ્વરૂપ ભિન્ન હોઈ શકે. ઉપરાંત, ઉત્પાદનનાં સાધનો કોઈ એક દેશમાં જેટલાં ગતિશીલ હોય છે તેટલાં તે આંતરરાષ્ટ્રીય સ્તર પર હોતાં નથી. વિવિધ દેશોની સરકારો સાર્વભૌમ હોવાથી સ્વતંત્ર આર્થિક નીતિઓ અનુસરે છે. કોઈ એક દેશમાં આર્થિક નીતિની એકરૂપતા હોય છે, જ્યારે વિવિધ દેશો જુદી જુદી આર્થિક નીતિઓ અનુસરતા હોવાથી તેમનાં અર્થતંત્રો એકમેકથી અલગ પડે છે. કેટલીક વાર, રાષ્ટ્રીય ભાવનાને લીધે એક દેશની સરકાર પોતાની પ્રજાનું આર્થિક હિત વધારવા માટે અન્ય દેશની પ્રજાના આર્થિક હિતને નુકસાન થાય તેવી નીતિઓ પણ અનુસરે છે. આમ, વિવિધ કારણોસર આંતરરાષ્ટ્રીય વ્યાપાર આંતરપ્રાદેશિક કે આંતરિક વ્યાપારથી અલગ પડે છે અને તેનો અભ્યાસ ‘આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર’માં કરવામાં આવે છે.

‘આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર’માં વ્યાપારના શુદ્ધ (pure) સિદ્ધાંત, વ્યાપારનીતિ અને વ્યાપારનાં નાણાકીય પાસાંઓનો મુખ્યત્વે સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારનો શુદ્ધ સિદ્ધાંત ઍડમ સ્મિથથી શરૂ કરી રિકોર્ડો, મિલ, ટૉસીગ, વાઇનર, હૅબરલર, લિયૉન્તિફ, હૅરડ, ભગવતી વગેરે અર્થશાસ્ત્રીઓ દ્વારા સતત વિકસતો રહ્યો છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારને લગતા સિદ્ધાંતોમાં તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત અને હૅકસર ઓહલીન પ્રમેય વધુ જાણીતાં છે. તુલનાત્મક ખર્ચના સિદ્ધાંત દ્વારા ડેવિડ રિકોર્ડોએ એવું પ્રતિપાદિત કર્યું કે કોઈ એક દેશ બધી વસ્તુઓના ઉત્પાદનમાં અન્ય દેશ કરતાં નિરપેક્ષ સરસાઈ ભોગવતો હોય (એટલે કે, અન્ય દેશ પહેલા દેશ કરતાં બધી વસ્તુઓના ઉત્પાદનમાં ઓછી કાર્યક્ષમતાની કક્ષા ધરાવતો હોય) છતાં જ્યાં સુધી બંને દેશોમાં જુદી જુદી વસ્તુઓ ઉત્પન્ન કરવાની કાર્યક્ષમતામાં સાપેક્ષ તફાવત હશે ત્યાં સુધી બંને દેશોને વિશિષ્ટીકરણ કરી, વ્યાપાર કરવાથી લાભ થશે. હૅક્સર-ઓહલીન મૉડલ એવી ધારણા પર રચાયું છે કે ઉત્પાદનનાં સાધનો દુનિયાના દેશોમાં અસમાન રીતે વહેંચાયેલાં હોવાથી સાધનોના સાપેક્ષ ભાવોમાં તફાવતો સર્જાય છે; દા.ત., ભારતમાં સાપેક્ષ રીતે શ્રમની વિપુલતા અને મૂડીની અછત છે. અમેરિકામાં તેનાથી ઊલટી પરિસ્થિતિ છે. આ તફાવતો ચીજવસ્તુઓના ઉત્પાદનખર્ચમાં પણ તફાવતો ઊભા કરે છે, જે આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેની પૂર્વભૂમિકા પૂરી પાડે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારના લાભો અને તેમની વહેંચણીના સંદર્ભમાં વિનિમયની શરતોના વિવિધ ખ્યાલો પણ વિકસાવવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય વ્યાપારનીતિ અંગે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની વિચારસરણી ‘મુક્ત વ્યાપાર’ની તરફેણમાં હતી. વિશિષ્ટીકરણ અને વ્યાપારના લાભો શક્ય તેટલી મહત્તમ સપાટીએ પહોંચાડવા માટે મુક્ત વ્યાપારના માર્ગમાં આવતા અવરોધો દૂર કરવાની અને નિયંત્રણો ઘટાડવાની તેમણે હિમાયત કરી હતી. આમ છતાં, વ્યવહારમાં અનેક કારણોસર આયાતોને નિયંત્રિત કરતાં વિવિધ પગલાં સરકારો દ્વારા લેવાય છે. સંરક્ષણનીતિની તરફેણમાં કેટલીક દલીલો થઈ છે, જેમાં બાલ્યાવસ્થાના ઉદ્યોગો(infant industries)ની દલીલ સૌથી વધુ મહત્વની છે. આ દલીલ દ્વારા હૅમિલ્ટન, ફ્રેડરિક લિસ્ટ વગેરે અર્થશાસ્ત્રીઓએ ભવિષ્યમાં પગભર થવાની ક્ષમતા ધરાવતા હોય તેવા ઉદ્યોગોને શરૂઆતના તબક્કામાં ટૂંકા ગાળા માટે સંરક્ષણ આપવાની હિમાયત કરી હતી. સંરક્ષણને લીધે આવા ઉદ્યોગોની કાર્યક્ષમતા વધે અને તેમને મોટા પાયાના ઉત્પાદનના કેટલાક લાભો પ્રાપ્ત થાય. અલબત્ત, બાલઉદ્યોગની દલીલમાં કોઈ ઉદ્યોગને કાયમી ધોરણે સંરક્ષણ આપવાનું અભિપ્રેત નથી; પરંતુ વાસ્તવમાં સંરક્ષણ એક વાર અપાયા પછી લાભ મેળવતાં હિતોના દબાણને લીધે તે કાયમી બનવાનું વલણ ધરાવે છે. બાલઉદ્યોગ સિવાયની અન્ય દલીલો પણ સંરક્ષણની તરફેણમાં થઈ છે; પરંતુ તે પૈકીની લગભગ બધી જ દલીલો કાર્યક્ષમતાની કસોટીએ ટકી શકે તેવી નથી. વળી, સંરક્ષણને લીધે મુક્ત વ્યાપારમાં અવરોધ સર્જાતો હોવાથી સાધનબજારો અને વસ્તુબજારો વિક્ષેપ પામે છે. કાર્યક્ષમતાની કસોટીથી જોતાં, આ પ્રકારના વિક્ષેપોને લીધે અર્થતંત્રને કેટલીક ‘કિંમત’ ચૂકવવી પડે છે. ભગવતી, જૉન્સન, બેલા બલાસા વગેરે અર્થશાસ્ત્રીઓએ આ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે.

‘આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર’માં વિવિધ દેશો વચ્ચે થતા આર્થિક સોદાઓને લીધે કરવી પડતી ચુકવણીઓનો અભ્યાસ પણ મહત્વનું સ્થાન ધરાવે છે. લેણદેણની તુલા (કે ચુકવણીનું સરવૈયું), હૂંડિયામણનું બજાર અને હૂંડિયામણ(વિનિમય)દરો, સરવૈયામાં અસમતુલા, અસમતુલા ઘટાડવાના ઉપાયો, ચલણનું અવમૂલ્યન, વિનિમય અંકુશો, ટૂંકા ગાળા અને લાંબા ગાળાની મૂડીની હેરફેર, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ – તેમનું કાર્યક્ષેત્ર અને કાર્યપદ્ધતિ, વિશ્વની અર્થવ્યવસ્થામાં થયેલા ફેરફારો અને સુધારા માટેના પ્રસ્તાવો વગેરેનું પૃથક્કરણ આધુનિક આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રમાં ધ્યાન ખેંચે તેટલી કક્ષાએ વિકસ્યું છે. વિકાસશીલ દેશો નૂતન આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાની માંગ કરી રહ્યા છે. વિકસિત દેશો પાસે તે આર્થિક સહાય ઉપરાંત વધુ ઉદાર આયાતનીતિ અને ટૅકનૉલૉજીના હસ્તાંતર માટેની અનુકૂળ શરતોની અપેક્ષા સેવે છે. ટૂંકા ગાળા અને લાંબા ગાળાની મૂડીની હેરફેર માટે અનુકૂળ તંત્ર વિકસાવવા અને વિકાસ માટેની મૂડી વિકાસશીલ દેશોનાં ઉત્પાદક ક્ષેત્રોમાં વધુ સરળતાથી વહી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. પ્રાદેશિક ધોરણે આર્થિક સંગઠનો સફળ થયાં છે; ખાસ કરીને યુરોપિયન સમાન બજારની સફળતાથી પ્રેરાઈને વિકાસશીલ દેશો પણ આર્થિક સંગઠન રચવા લાગ્યા છે. આ સંગઠનો મર્યાદિત ક્ષેત્રમાં મુક્ત વ્યાપારના સિદ્ધાંતનો સ્વીકાર કરી, આંતરરાષ્ટ્રીય વ્યાપારના લાભો મેળવવા પ્રયાસ કરે છે.

અર્થશાસ્ત્રની એક શાખા તરીકે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રનો વિકાસ આમ અનેક રીતે નોંધપાત્ર બન્યો છે.

હસમુખરાય કેશવલાલ ત્રિવેદી