આંતરનિહારિકા માધ્યમ : બ્રહ્માંડમાં મંદાકિની વિશ્વ જેવાં અસંખ્ય વિશ્વો વચ્ચેના અવકાશમાં આવેલા અણુ-પરમાણુના ભગ્નકણો.

બ્રહ્માંડમાં ક્યાંક વિશ્વો તૂટીને નવાં વિશ્વો રચાય છે, તો ક્યાંક નાનાં વિશ્વોને હડપી મોટાં વિશ્વ બનવાનું પણ ચાલે છે. આ પ્રક્રિયામાં અનેક વાયુકણો છૂટા પડી અવકાશમાં ફેલાય છે. સ્વતંત્ર વિહરતા કણોમાં ન્યૂટ્રિનો મુખ્ય છે. પ્રકાશના વેગથી ગતિ કરતા આ કણોનું દળ (mass) શૂન્યવત્ છે. ન્યૂટ્રિનોના હરીફ જેવું ઠંડું શ્યામ દ્રવ્ય પણ છે, જે અતિ મંદ ગતિથી અવકાશમાં સરકે છે.

બ્રહ્માંડીય અવકાશમાં વૈશ્વિક રજ્જુ (cosmic strings) અસ્તિત્વ ધરાવતી માનવામાં આવે છે. આ પદાર્થ પરમાણુની નાભિના હિસાબે લાખગણો પાતળો છે, પણ વજનની ર્દષ્ટિએ તે કલ્પનાતીત ભારે છે. વૈશ્વિક રજ્જુ ઉપરાંત બ્રહ્માંડનો અવકાશ અતિ શક્તિસંપન્ન વિદ્યુતપ્રવાહથી તેમજ વિસ્તૃત વિરાટ વાતચક્રથી ભરપૂર હોવાનું મનાય છે.

અવકાશમાં વ્યાપી રહેલા પ્લાઝ્મામાંથી ઉત્પન્ન થનારાં ઉપર્યુક્ત બંને બળ અમળાઈ વણાઈને તારાવિશ્વો રચતાં હોવાનું કલ્પવામાં આવે છે.

છોટુભાઈ સુથાર