અહૂરમઝ્દ : જરથોસ્તી ધર્મ અનુસાર પરમેશ્વર નામ. ‘અહૂર’ શબ્દનો અર્થ થાય છે ‘નિયંતા’, ‘સ્વામી’. ‘મજ્’ શબ્દનો અર્થ થાય છે ‘મહાન’ અને ‘દ’નો અર્થ થાય છે ‘જ્ઞાન’. તે ઉપરથી અહૂરમઝ્દ એટલે ‘જ્ઞાન આપનાર મહાન નિયંતા’. જરથોસ્તી ધર્મ પ્રમાણે અહૂરમઝ્દ સર્વશક્તિમાન, સર્વવ્યાપી અને મહાન જ્ઞાની છે. સમગ્ર સૃષ્ટિ તેમાંથી પેદા થઈ છે અને તેમાં જ લય પામશે. અહૂમરઝ્દની બે શક્તિઓ છે : સ્પેઇન્તમઇન્યુ અને અંગ્રમઇન્યુ. સ્પેઇન્તમઇન્યુ એ ભલાઈ અને વિકાસની શક્તિ છે, જ્યારે અંગ્રમઇન્યુ બૂરાઈ અને વિનાશની શક્તિ છે. સૃષ્ટિની ઉત્પત્તિના સમયથી આ બે શક્તિઓ વચ્ચે સંઘર્ષ ચાલતો આવ્યો છે, પરંતુ મનુષ્યની પવિત્ર ફરજ એ છે કે સ્પેઇન્તમઇન્યુનો પક્ષ કરી અંગ્રમઇન્યુ – અહરીમાન સામે કમર કસવી. જરથોસ્તી ધર્મમાં અહૂરમઝ્દના છ ગુણો વર્ણવવામાં આવ્યા છે : અષ વહિશ્ત, વોહુમન, ક્ષથ્રવઇર્ય, સ્પેન્ત આરમઇતિ, ખોરદાદ અને અમરદાદ.

Ahura Mazda

અહૂરમઝ્દ

સૌ. "Ahura Mazda" | CC BY 2.0

ચીનુભાઈ નાયક