અહલયે : પુ. તિ. શ્રીકંઠૈયાનું કન્નડ ગીતનાટક. તે રામાયણની અભિશપ્તા અહલ્યાની પ્રકરી પર આધારિત છે. નાટકમાં સંવાદ પણ ગીતોમાં જ છે. નાટકકાર રામાયણની અહલ્યાની કથાને યથાતથ વળગી રહ્યા નથી. મૂળ કથામાં અહલ્યા નિર્દોષ છે. ઇન્દ્ર ગૌતમનું રૂપ ધારીને એના સતીત્વને કલંક લગાડે છે, જ્યારે આ નાટક અનુસાર અહલ્યાને ખબર છે કે ગૌતમનું રૂપ ધારણ કરીને આવનાર કોણ છે, કારણ ગૌતમ અહલ્યાની અભિલાષાઓ તરફ દુર્લક્ષ કરીને આંખ મીંચીને તપશ્ચર્યા જ કર્યા કરે છે એટલે પોતાની બધી ઇચ્છાઓ એણે જબરદસ્તીથી દબાવી દેવી પડે છે, એની ઉદ્દીપ્ત કામવાસના સંતોષાતી નથી. એટલે ઇન્દ્રને જોતાં જ એની બધી વાસનાઓ જાગ્રત થાય છે અને એ જાણી જોઈને પોતાની જાતને ઇન્દ્રને સોંપી દે છે. પછી પોતાની ક્ષણિક નબળાઈને માટે પશ્ચાત્તાપ કરે છે. પછી જ્યારે આત્મા પુન: પવિત્ર બને છે ત્યારે રામ આવીને એનો ઉદ્ધાર કરે છે. આ રીતે અહલ્યાનું ચિત્રણ એમણે મનોવૈજ્ઞાનિક રીતે કર્યું છે. લેખકને આ નાટકના માધ્યમ દ્વારા એ પ્રતિપાદિત કરવું છે કે સતીત્વ એ જબરદસ્તીથી પળાવવાની ચીજ નથી. જો પ્રાકૃતિક વૃત્તિનું દમન કરવામાં આવે તો ક્યારેક તો બંધન તૂટવાનાં જ. બમણા જોરથી એ વૃત્તિ ઊછળીને પરિતૃપ્તિ મેળવે એવું બને છે.
એચ. એસ. પાર્વતી