અહલુવાલિયા, એચ. પી. એસ.

January, 2001

અહલુવાલિયા, એચ. પી. એસ. (જ. 6 નવેમ્બર 1936, સિયાલકોટ, પાકિસ્તાન) : ભારતના જાણીતા પર્વતારોહી. બાળપણ સિમલાની ટેકરીઓમાં વીત્યું અને તેના ઢોળાવ પર રમતાં રમતાં પર્વતનું તીવ્ર આકર્ષણ થયેલું. 196૦ના જાન્યુઆરીમાં સિકંદરાબાદમાં હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ બ્રિગેડિયર જ્ઞાનસિંઘનું પર્વતારોહણ વિશે પ્રવચન સાંભળીને પર્વતારોહક થવાની ઇચ્છા જાગી. 1961માં દાર્જિલિંગમાં બેઝિક માઉન્ટેનિયરિંગનું શિક્ષણ લીધું. એ જ વર્ષે ફ્રે પીક (5,852 મીટર) પર તાલીમાર્થી તરીકે આરોહણ કર્યું. 1962માં ઑલ આર્મી ટીમના સભ્ય તરીકે 6,૦96 મીટર ઊંચું કોકથાંગ પીક સર કર્યું. 1964માં ભારતીય એવરેસ્ટ આરોહણની ટીમમાં સામેલ થવા માટેની પસંદગીની યોગ્યતા મેળવવા 6,679 મી. ઊંચું માઉન્ટ રેથૉંગ શિખર સર કર્યું. 1965ની 29મી મેએ 27 વર્ષની વયે ભારતીય આરોહક ટીમના સભ્ય તરીકે એવરેસ્ટ પર વિજય મેળવ્યો. આ જ વર્ષે ૩૦મી સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાનના યુદ્ધ બાદ કાશ્મીરના એક અંધારિયા રસ્તા પર ઊભેલા અહલુવાલિયા પર કોઈએ બંદૂકની ગોળી છોડી, જેને પરિણામે તેમનો કમરની નીચેનો ભાગ પક્ષાઘાત પામ્યો. પ્રારંભિક સારવાર ભારતમાં લીધા પછી બ્રિટનની સ્ટોક મેડેવિલે હૉસ્પિટલના પુનર્નિવાસન કેન્દ્રમાં નવ મહિના વિશેષ સારવાર લીધી. વ્હીલચેરથી જ ચાલતા હોવા છતાં મક્કમ મનોબળથી ભારત આવીને પોતાના રસના વિષય પર્વતારોહણમાં કાર્ય શરૂ કર્યું. ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ઑવ્ સ્પૉર્ટ્સ અને ઇન્ડિયન માઉન્ટેનિયરિંગ ફાઉન્ડેશનના સભ્ય તથા દિલ્હી માઉન્ટેનિયરિંગ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે કામગીરી બજાવી. આર્જેન્ટીનાની સરકારે પર્વતારોહકને અપાતું સર્વોચ્ચ માન ‘કોન્દોર-દ-ઓરો’ (condor-de-oro) આપ્યું. પર્વતારોહણ વિશે તેમણે ‘ફેઇસિઝ ઑવ્ એવરેસ્ટ’, ‘હાયર ધેન એવરેસ્ટ’, ‘ક્લાઇમ્બિંગ એવરેસ્ટ’, ‘ત્રિશૂલ સ્કી એક્સ્પીડિશન’, ‘હર્મિટ કિંગડમ’ જેવાં પુસ્તકો લખ્યાં. નવી દિલ્હીના સંરક્ષણ ખાતામાં તેમણે ઑર્ડનન્સ ફૅક્ટરિઝના વડા નિયામકની કચેરીમાં કર્મચારી તરીકે કામગીરી કરી હતી.  1965માં અર્જુન ઍવૉર્ડ તેમજ 1965 પદ્મશ્રી અને 2002માં પદ્મભૂષણથી તેઓ સન્માનીત થયા હતા.

Maj. Haripal Singh Ahluwalia

હરિપાલસિંઘ, અહલુવાલિયા

સૌ. "Maj. Haripal Singh Ahluwalia" | CC BY-SA 3.0

કુમારપાળ દેસાઈ