અહમદશાહ મૌલવી : અવધ રાજ્યના ફૈઝાબાદનો જમીનદાર. અંગ્રેજ સરકારે તેની જાગીર જપ્ત કરતાં તે 1857ના વિપ્લવમાં જોડાયો હતો. તે અંગ્રેજ સરકાર સામે નફરત ફેલાય તેવો પ્રચાર કરતો હતો, આથી અંગ્રેજ સરકારે તેની ધરપકડ કરીને તેને ફાંસીની સજા ફરમાવી હતી, પરંતુ તેનો અમલ થાય તે પહેલાં વિપ્લવકારીઓ તેને છોડાવી ગયેલા. અવધના નવાબ પદભ્રષ્ટ થયા બાદ અહમદશાહ મૌલવી નવાબની બેગમ હઝરતમહાલનો ખાસ સહાયક બનેલો. અવધના ઘણા પ્રદેશો તથા લખનૌનો વિપ્લવકારીઓએ કબજો લીધો તેમાં મુખ્ય ફાળો તેનો હતો. તે નિર્દોષ વ્યક્તિઓની હત્યા, આગ, લૂંટફાટ વગેરે અપકૃત્યોથી દૂર રહેવા સિપાઈઓને સમજાવતો હતો. તેણે કેટલાંક અંગ્રેજ સ્ત્રીબાળકોને સિપાઈઓના ઝનૂનનો ભોગ બનતાં બચાવી લીધેલાં. તેણે અંગ્રેજ લશ્કરોને સતત લડાઈ આપેલી તથા અવધના પ્રદેશો પુન: કબજે કરતાં તેમને રોકેલા. તેણે કુશળ અંગ્રેજ સેનાપતિ કૅમ્પબેલને યુદ્ધમાં બે વખત પરાજિત કરેલો. આથી અંગ્રેજોએ તેને જીવતો કે મૃત પકડી લાવનારને રૂ. 5૦,૦૦૦નું ઇનામ આપવાનું જાહેર કરેલું. અંગ્રેજો વિરુદ્ધની લડાઈમાં અવધની બાજુમાં આવેલ પવનગઢના રાજા જગન્નાથની સહાય મેળવવા મૌલવી અહમદશાહ પવનગઢ પહોંચ્યો, પરંતુ રાજાએ ઇનામની લાલચમાં તેને મારી નાખ્યો.

રમણલાલ ક. ધારૈયા