અહમદશાહ અબ્દાલી (દુરાની) (જ. 1722, અફઘાનિસ્તાન; અ. 4 જૂન 1772, અફઘાનિસ્તાન) : અફઘાનિસ્તાનનો એક સમર્થ શાસક. 1747માં ઈરાનના રાજા નાદિરશાહનું ખૂન થતાં અફઘાનિસ્તાનમાં અફઘાનોની અબ્દાલી અથવા દુરાની ટોળીનો નેતા અહમદશાહ સ્વતંત્ર શાસક બન્યો. તેણે કંદહાર, કાબુલ અને પેશાવર જીત્યા બાદ, 1748માં પંજાબ પર ચડાઈ કરી. માનપુરની લડાઈમાં મુઘલ શાહજાદા અહમદશાહે તેને હરાવ્યો. અબ્દાલીએ 175૦માં બીજી ચડાઈ કરી પંજાબ જીતી લીધું. ડિસેમ્બર 1751માં તેણે કાશ્મીર જીત્યું અને સરહિંદ સુધીનો પ્રદેશ મુઘલો પાસેથી કબજે કર્યો. 1756માં અબ્દાલીએ ભારત પર ચોથું આક્રમણ કરીને દિલ્હી અને તેની દક્ષિણે જાટ પ્રદેશમાં લૂંટ કરી પુષ્કળ સંપત્તિ મેળવી. 1758માં મરાઠા સરદાર રઘુનાથરાવે પંજાબમાંથી અફઘાનોને હાંકી કાઢ્યા, તેનું વેર વાળવા અહમદશાહ અબ્દાલીએ ઑક્ટોબર 1759માં ભારત પર પાંચમું આક્રમણ કરી પંજાબ જીતી લીધું. 1961માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં અબ્દાલીએ મરાઠાઓને સખત પરાજય આપ્યો, પરંતુ બળવો થવાથી તેને સ્વદેશ પાછા ફરવું પડ્યું. શીખોએ તેનો પીછો પકડ્યો અને તેને હેરાન કર્યો. અબ્દાલીના પંજાબમાંના લશ્કર પર હુમલા કરી શીખોએ લાહોર કબજે કર્યું. એપ્રિલ 1767માં અબ્દાલીએ 5૦,૦૦૦ ઘોડેસવારો સાથે ચડાઈ કરી. પાણીપત પાસે શીખોને હરાવીને તે પાછો ફર્યો.
જયકુમાર ર. શુક્લ