અસ્થિસંધિશોથ (osteoarthritis) : ઘસારાને કારણે થતો હાડકાનો પીડાકારક સોજો. સાંધામાં પાસ-પાસે આવેલાં હાડકાંના છેડાઓ પર કાસ્થિ (cartilage) હોય છે. આ કાસ્થિ હાડકાંની સંધિસપાટી (articular surface) બનાવે છે. કાસ્થિ દેખાવમાં કાચ જેવું લીસું અને સફેદ હોય છે. સુંવાળું હોવાથી હલનચલનમાં અનુકૂળ રહે છે. કાસ્થિના ઘસારાથી તેને સ્થાને નવું હાડકું બને છે. અસ્થિસંધિશોથને રોગ ન કહી શકાય. તે એક કુદરતી ક્રમ છે. ઉંમર વધવાની સાથે મનુષ્યના શરીરમાં થતા ઘસારાનું તે એક ઉદાહરણ છે. દર્દીને તકલીફ પડે ત્યારે તેને રોગ તરીકે ઓળખાવવામાં આવે છે. ચાલીસ વર્ષની ઉંમરના લગભગ 4૦ % માણસોના પગના સાંધાઓમાં તેની અસર વરતાય છે.

અસ્થિસંધિશોથના તબક્કા : (1) સાંધાના છેડા પરની કાસ્થિમાં હાડકાંનું નિર્માણ; (2) અસ્થિશૂળ (osteophyte) રૂપે નવું વિકસતું હાડકું જેથી સાંધાનો તે ભાગ ઊપસી આવે; (3) અસ્થિશૂળને કારણે હાડકાંના સાંધાનું ઘટેલું ચલન અને સાંધાનો સોજો. નોંધ : (ક) કાસ્થિના છેડા પર નવું અસ્થીકરણ, (ખ) અસ્થિશૂળ, (ગ) અસ્થિશૂળને કારણે ઘટેલી જગ્યા, (ઘ) હાડકાંમાં કોષ્ઠ(cysts)નું બનવું, (ચ) ઘસાયેલ કાસ્થિને કારણે ઉઘાડું પડેલું હાડકું
ઘૂંટણ, નિતંબ, પગની ઘૂંટી અને હાથના નાના સાંધાઓ પર તેની અસર વધુ પડે છે. તેના મુખ્ય બે પ્રકારો છે : (1) ઉંમર વધવાની સાથે જોવા મળતા ઘસારાને પ્રાથમિક અસ્થિસંધિશોથ કહે છે. (2) હાડકું ભાંગવાથી, હાડકું ખસી જવાથી, અવાહિક અસ્થિનાશ થવાથી કે ચેપને કારણે આનુષંગિક અસ્થિસંધિશોથ પણ થાય છે. છતાં આ બધી પરિસ્થિતિઓમાં અસ્થિસંધિશોથનું કારણ નક્કી કરી શકાયું નથી. નીચેની અવસ્થાઓ ઘસારાની પ્રક્રિયામાં ભાગ ભજવે છે. 4૦ વર્ષથી વધુ ઉંમર, વધુ પડતું વજન (દા.ત., ઘૂંટણ) અને કદાચ વારસાગત કારણો. સંધિશોથ (arthritis), નજલો (gout), સાંધામાં સ્ટીરૉઇડનું વારંવાર ઇન્જેક્શન, માતૃલક્ષી રુધિરસ્રાવતા (haemophilia) અથવા સાંધાની અંદરના હાડકાનું તૂટવું પણ અસ્થિસંધિશોથની પ્રક્રિયાને વેગ આપે છે.
કાસ્થિબીજકોષો (chondroblasts) : કાસ્થિમાં કોલેજન તથા કૉન્ડ્રૉઇટિન–4–સલ્ફેટ અને કૉન્ડ્રૉઇટિન–6–સલ્ફેટ અને કેરેટિન સલ્ફેટ નામના ગ્લાયકોએમાઇનો ગ્લાયકોન દ્રવ્યો બનાવે છે.
ઉંમર વધવાની સાથે આ પેશીઓમાંથી કૉન્ડ્રૉઇટિન-4-અને 6-સલ્ફેટ અને પાણીનું પ્રમાણ ઘટી જાય છે. પરિણામે કાસ્થિની મજબૂતાઈ ઘટે છે. ઘસારો વધવાની સાથે કાસ્થિની મજબૂતાઈ ઘટે છે. ઘસારો વધવાની સાથે કાસ્થિના ઝીણા ઝીણા ટુકડાઓ સાંધાની અંદર પડવા લાગે છે. શરીરમાં સમારકામની પ્રક્રિયા આને સુધારવાનો પ્રયત્ન કરે છે. સાંધાની આજુબાજુના ભાગમાં લોહીનો પ્રવાહ વધી જાય છે, પરિણામે કાસ્થિના નીચેના ભાગનું હાડકું પોચું પડીને દબાય છે. સાંધાના છેડાની ઉપર, આને પરિણામે નવું હાડકું બને છે. ઘસારો વધવાની સાથે આખું કાસ્થિ તેની અસર નીચે આવે છે. આમ, સાંધાના ઘણાખરા ભાગોને ઘસારાની અસર પહોંચે છે. (જુઓ આકૃતિ.)
શરૂઆતના તબક્કાઓમાં દર્દીને સાંધામાં થોડો દુખાવો થાય છે. પરંતુ ઘસારો વધવાની સાથે દુખાવો પણ વધે છે. દર્દી સાંધો જકડાઈ જવાની ફરિયાદ કરે છે. દર્દીને ઊભા પગે બેસતાં ખૂબ તકલીફ પડે છે. સાંધામાં સોજો પણ આવે છે. કોઈકને કોઈક વાર સાંધામાં પાણી પણ ભરાય છે. પીડાનાશક દવાથી દુખાવામાં ફેર પડે છે, પરંતુ તેને કારણે દર્દી વધુ પડતું ચાલે છે, દોડે છે અને તેથી રોગ ફરીથી ઊથલો મારે છે. એક્સ-રે ચિત્રણમાં સાંધાની અંદરની ઘટેલી જગ્યા અને હાડકાંના છેડા ઉપરની ખરબચડી સપાટી દેખાય છે.
આ રોગની સારવાર કરવાનો પ્રસંગ આવે તે પહેલાં અટકાવવો એ વધુ સલાહભર્યું છે. શરીરના કુદરતી ઘસારાને સુધારી ન શકાય, પરંતુ તેની પ્રક્રિયાને ધીમી બનાવી શકાય. વધારે પડતું વજન હોય તેમણે કસરત અને આહારનિયમનથી વજન ઘટાડવા પ્રયત્ન કરવાનો હોય છે. સાંધાને આરામ આપવાથી સાંધાનો પણ દુખાવો ઝડપથી ઘટે છે. દર્દીને પગે વજન લટકાવવાથી પણ દુખાવો ઝડપથી ઘટે છે. દર્દીને ગરમ પાણીની કોથળીનો કે અધોરક્ત (infrared) કિરણો વડે શેક આપવામાં આવે છે. દુખાવાને પરિણામે જો દર્દી સાંધાનું હલનચલન ન કરે તો સાંધો વળી જાય છે, વિકૃત બને છે અને સ્નાયુઓ નબળા પડે છે. કસરતથી સાંધાનું હલનચલન સારું રહે છે. સ્નાયુઓ મજબૂત બનતાં દુખાવો પણ ઘટે છે. માટે ઘૂંટણના સાંધાના ઘસારામાં જાંઘના સ્નાયુઓની કસરત કરવાની સલાહ અપાય છે. સાંધાનો દુખાવો અને સોજો ઓછો કરવા ઍસ્પિરિન, આઇબુપ્રોફેન, ઇન્ડોમિથાસીન, ડાકિલૉ ફેન, પાયરોક્સિ કામ, નેમુસેલાઇડ વગેરે ઘણી જાતની દવાઓ વપરાય છે. હાલમાં ઘણાં પ્રતિશોથ ઔષધો ઉપલબ્ધ છે.
ઘણાં દર્દીઓમાં અસ્થિસંધિશોથ માટે ક્યારેક શસ્ત્રક્રિયાની જરૂર પડે છે. દુખાવો મટાડવા, સાંધાની વિકૃતિ ઘટાડવા અને યોગ્ય રીતનું હલનચલન કરવા માટે તે ઉપયોગી બને છે. સાંધાનો કેટલો ભાગ ઘસાયો છે અને રોગ કઈ કક્ષાએ પહોંચ્યો છે તેની ઉપર શસ્ત્રક્રિયાના પ્રકારનો આધાર હોય છે. મુખ્યત્વે નીચેના પ્રકારની શસ્ત્રક્રિયાઓ કરવામાં આવે છે : (1) સાંધાની સાફસૂફી; (2) અસ્થિવિચ્છેદન (osteotomy). (3) સંધિસંધાણ (arthrodesis); (4) સાંધો બદલવો (total joint replacement). ખૂબ જ આગળ વધી ગયેલા ઘસારા માટે ઘૂંટણ, નિતંબનો સાંધો, ઘૂંટીનો સાંધો, હાથના નાના સાંધા વગેરે આખા કે થોડા ભાગમાં બદલી શકાય છે; (5) સંધિનિરીક્ષા (arthroscopy) નામની એક અત્યંત આધુનિક પદ્ધતિથી સાંધાનું અવલોકન કરી જરૂરી સારવાર કરી શકાય છે.
દિવ્યાંગ દવે
શિલીન નં. શુક્લ