અસ્પૃશ્યતા : હિન્દુ સમાજમાં સદીઓથી ચાલી આવેલી અમુક વર્ણના લોકોને અસ્પૃશ્ય ગણવાની પ્રથા. સવર્ણ હિન્દુઓએ અમુક જ્ઞાતિઓને અસ્પૃશ્ય ગણી તેને નાગરિક તરીકેના સામાન્ય હક્કોથી પણ વંચિત રાખી. વૈદિક યુગમાં અસ્પૃશ્યતા ન હતી. પરંતુ તેનાં મૂળ વર્ણ અને જ્ઞાતિવ્યવસ્થામાં છે. અસ્પૃશ્યોને પંચમ વર્ણ તરીકે ઓળખવામાં આવતા. બૌદ્ધ ધર્મના પતન પછી અસ્પૃશ્યતા શરૂ થઈ તેવું મનાય છે. હિન્દુ સમાજની જ પેટાવ્યવસ્થા તરીકે અસ્પૃશ્યોમાં પણ અસ્પૃશ્યતાની પ્રથા છે.

આ પ્રથા સામાજિક અસમાનતાનું આત્યંતિક સ્વરૂપ છે. પૌરાણિક માન્યતા, ધાર્મિક અંધશ્રદ્ધાઓ, હલકા ગણાતા વ્યવસાયોમાં અસ્પૃશ્યોને રોકી રાખવામાં સવર્ણોનાં સ્થાપિત હિતો, અસ્પૃશ્યોની આર્થિક લાચારી,  સામાજિક અને આર્થિક ગતિશીલતા સામેના પ્રતિબંધો તથા લઘુતાગ્રંથિ જેવાં પરિબળોએ અસ્પૃશ્યતાને  ટકાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

ગઈ સદીમાં કેટલાક ધાર્મિક-સામાજિક સુધારકોએ અસ્પૃશ્યતા-નિવારણનો પ્રયાસ કર્યો હતો. વીસમી સદીમાં મહાત્મા ગાંધી અને ડૉ. આંબેડકરનો અસ્પૃશ્યતાનિવારણમાં નોંધપાત્ર ફાળો છે. સ્વતંત્ર ભારતના બંધારણમાં અસ્પૃશ્યતાની નાબૂદી ફરમાવવામાં આવી છે. અસ્પૃશ્યતાની નાબૂદી માટે ‘નાગરિક હક્ક રક્ષણ અધિનિયમ : 1955’ ઘડવામાં આવ્યો છે. તેમાં અસ્પૃશ્યતાને પોષે તેવો વ્યવહાર કરનારને માટે દંડ અને સજાની જોગવાઈ છે. ઉદ્યોગીકરણ, શહેરીકરણ અને લોકશાહી શાસનપ્રથા જેવાં પરિબળોને લીધે અસ્પૃશ્યતાની પ્રથામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમ છતાં, તે અંગેના અભ્યાસો સૂચવે છે કે વાસ્તવિક વ્યવહારનાં ક્ષેત્રોમાં અસ્પૃશ્યતા આજે વ્યાપક છે. અસ્પૃશ્યોનો ઘણો મોટોભાગ આજે પણ ગામડાંમાં રહે છે, જે હલકા ગણાતા ઓછા વળતરવાળા વ્યવસાયોમાં રોકાયેલો હોય છે. અસ્પૃશ્યતા ટકાવવામાં આવાં પરિબળો તેમજ સવર્ણોના પૂર્વગ્રહોએ મહત્વનો ભાગ ભજવ્યો છે.

અસ્પૃશ્યો માટે મહાત્મા ગાંધીએ ‘હરિજન’ શબ્દ પ્રયોજ્યો હતો. બંધારણમાં તેમને અનુસૂચિત જાતિઓ ગણી તેમનાં હિતોની સુરક્ષા માટે કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.

સમગ્ર ભારતમાં અસ્પૃશ્યોની વસ્તી 16.32 ટકા છે. ગુજરાતમાં 7.41 ટકા છે. ગુજરાતમાં તેઓની 42 જેટલી જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓ છે, જેમાં મુખ્યત્વે વણકર, ગરોડા, ચમાર, ભંગી, મેઘવાળ, સેનમા, તુરી, માહ્યાવંશી વગેરેનો સમાવેશ થાય છે. અસ્પૃશ્યોના 7૦થી 75 ટકા લોકો ગરીબાઈની રેખા નીચે જીવે છે. તેમનું શિક્ષણનું પ્રમાણ પણ નીચું છે. પરિણામે સરકારી નોકરીઓમાં તેમની અનામત જગ્યાઓ હોવા છતાં તેઓ તેનો લાભ પૂરતા પ્રમાણમાં લઈ શકતા નથી.

સ્વતંત્ર ભારતમાં પુખ્તવયમતાધિકાર પ્રાપ્ત થતાં અન્ય પછાત જ્ઞાતિઓ અને કોમોની માફક અસ્પૃશ્યોમાં પણ જાગૃતિ આવી અને ચૂંટણી દ્વારા રાજકીય અને સામાજિક લાભ લેવાની સભાનતા વધી છે. રાજકીય પક્ષો પણ તેમનું પીઠબળ મેળવવા ઉત્સુક હોવાથી રાજકીયીકરણ-(politicising)ની પ્રક્રિયાને વેગ મળ્યો છે.

લોકશાહી રીતરસમ અને ચૂંટણીનું રાજકારણ અસ્પૃશ્યોને માટે એકંદરે લાભદાયક પુરવાર થયું છે.

પરંતુ અસ્પૃશ્યતાનું દૂષણ એક બહુમુખી સમસ્યા છે અને તેનાં મૂળ સામાજિક પૂર્વગ્રહ અને પરંપરાગ્રસ્ત માનસમાં રહેલાં છે. અસ્પૃશ્યોની  પ્રગતિ અને તેમના વિકાસની આડે હજુ પણ તે કામ કરી રહ્યાં છે.

અરુણ સોમાભાઈ પટેલ

ઊર્મિલાબહેન પટેલ