અસ્થિમૃદુતા (osteomalacia) : કૅલ્શિયમ અથવા વિટામિન-‘ડી’ની ઊણપથી પુખ્તવયે હાડકાનું પોચું પડી જવું તે. ચયાપચયી (metabolic) વિકારને કારણે કૅલ્શિયમયુક્ત હાડકામાંથી કૅલ્શિયમ સતત ઘટતું રહે છે. તેને સ્થાને અસ્થિદ્રવ્ય (osteoid) જમા થતું રહે છે. બાળકોમાં થતા આવા જ અસ્થિ અને કાસ્થિ(cartilage)ના વિકારને સુકતાન (rickets) કહે છે. અસ્થિમૃદુતાવાળા કરોડ-સ્તંભ(મેરુદંડ)ના મણકા, નિતંબ તથા પગનાં હાડકાંનો મોટો ભાગ કૅલ્શિયમરહિત અસ્થિદ્રવ્યવાળો થઈ જાય છે. તેનાં મુખ્ય કારણો નીચે મુજબ છે :
સૂર્યપ્રકાશની ખોટ કે અસંતુલિત ખોરાકને કારણે થતી વિટામિન ‘ડી’ની ઊણપ પ્રાથમિક અસ્થિમૃદુતા સર્જે છે. યકૃતકાઠિન્ય (cirrhosis of liver), મૂત્રપિંડના રોગો જેવા કે મૂત્રકનલીય અમ્લતા (renal tubular acidosis) અને દીર્ઘકાલી મૂત્રપિંડી અપર્યાપ્તતા (chronic renal failure) અથવા પરાગલગ્રંથિન્યૂનતા(hypopara-thyoidism)માં વિટામિન ‘ડી’ની ક્રિયાશીલતા ઘટે છે અને ફૉસ્ફેટનું પ્રમાણ પણ ઘટે છે. તેનાથી અસ્થિમૃદુતા થાય છે. મૂત્રપિંડજન્ય અસ્થિવિકાર(renal osteodystrophy)માં પણ અસ્થિમૃદુતા પેદા થાય છે. અપશોષણ સંલક્ષણ(malabsorption syndrome)માં વિટામિન ‘ડી’ અને/અથવા ફૉસ્ફેટનું શોષણ ઘટે છે, વિટામિન ‘ડી’નો ઉત્સર્ગ (excretion) અને અપચય (catabolism) વધે તોપણ આ બીમારી પેદા થાય છે. હાડકાંનો દુખાવો, સ્પર્શ કરવાથી થતી વેદના (tenderness) અને જલદીથી તૂટી જવાનો વિકાર અસ્થિમૃદુતાનાં લક્ષણો છે. પ્રયોગશાળાની નિદાનીય કસોટીઓ કાં તો સામાન્ય હોય છે અથવા તો તેમાં થોડું કૅલ્શિયમ, ફૉસ્ફરસ કે પરાગલગ્રંથિના અંત:સ્રાવનું લોહીમાં ઘટેલું પ્રમાણ અથવા આલ્કેલાઇન ફૉસ્ફેટેઝનું વધેલું પ્રમાણ જોવા મળે છે. બધેથી પાતળાં થયેલાં (rarefied) હાડકાં, લુઝર(Looser)ની ગંઠિકાઓ (nodules) અને મિલ્કમૅનનું સંલક્ષણ, ઍક્સ-રે ચિત્રણ દ્વારા દર્શાવી શકાય છે. હાડકાના બહિ:સ્તર(cortex)નું જીવપેશી-પરીક્ષણ (biopsy) નિદાન માટે ઉપયોગી છે. વિટામિન ‘ડી’ અને કૅલ્શિયમના ભારે માત્રામાં થતા સેવનથી અને સૂર્યપ્રકાશ તથા દૂધ અને દૂધની બનાવટોના છૂટથી થતા ઉપયોગથી અસ્થિમૃદુતા રોકી શકાય છે તેમજ મટાડી શકાય છે. સૂર્યપ્રકાશને અવરોધતા પડદાનો ઉપયોગ બંધ કરવાથી પણ ફાયદો થાય છે.
કીર્તિ મ. પટેલ
અનુ. હરિત દેરાસરી