અસ્થિરોગ, પૅજેટનો

January, 2001

અસ્થિરોગ, પૅજેટનો : વધારે પ્રમાણમાં બનતા નવા અસ્થિને કારણે થતી હાડકાંની ઘટ્ટતાનો રોગ. સર જેમ્સ પૅજેટ (1812–99) નામના લંડનના સર્જ્યનના નામ પરથી આ રોગનું નામકરણ થયું છે.

પૅજેટના અસ્થિરોગથી પીડાતો દર્દી (જુઓ તેનાં બેડોળ હાડકાં)

ખાસ કરીને 4૦ વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓના કરોડના મણકા, નિતંબ, જાંઘ તથા પગનાં હાડકાંમાં તેની વધુ અસર જણાય છે. અસ્થિભક્ષી કોષ (osteoclast) દ્વારા થયેલ હાડકાંના શોષણના સ્થાને અસ્થિબીજકોષ (osteoblast) દ્વારા વધુ પ્રમાણમાં અસ્થિ-નવસર્જનથી હાડકાંનું બહિ:સ્તર (cortex) જાડું અને ઘટ્ટ થઈ જાય છે. હાડકાંની નસો વધે છે. તે કમાનની માફક વળીને બેડોળ થઈ જાય છે. તેમના અસ્થિરેસા (trabeculae) જાડા થાય છે અને લાંબે ગાળે ૫% કિસ્સામાં તેમાંથી અસ્થિકૅન્સર (osteogenic sarcoma) પણ થાય છે. ક્યારેક પગના હાડકામાં આડછેદી (transverse) અસ્થિભંગ પણ થાય છે. એક્સ-રે ચિત્રણ ઉપરનાં બધાં જ ચિહનો દર્શાવે છે. ક્યારેક બંને પગનો લકવો થાય, બહેરાશ આવે, અથવા હૃદયનું ડાબું ક્ષેપક તેનું કાર્ય કરવામાં નિષ્ફળ જાય. લોહીમાં વધેલું આલ્કેલાઇન ફૉસ્ફેટેઝ અને સમસ્થાની વિકિરણચિત્ર (isotope scan) એ તેની નિદાનોપયોગી તપાસો છે. કૅલ્સિટોનિન નામનો ગલગ્રંથિ(thyroid)નો અંત:સ્રાવ (hormone) ચિકિત્સામાં ઉપયોગી છે.

રાજહંસ ઈ. દવે