અસ્થિમજ્જા (bone marrow) : હાડકાના પોલાણમાં આવેલી લોહીના કોષો બનાવતી મૃદુ પેશી. લોહીના કોષો ઉત્પન્ન કરવાની ક્રિયાને રુધિરપ્રસર્જન (haemopoiesis) કહે છે. જન્મ પછી ધડનાં હાડકાંમાં તથા ઢીંચણના સાંધાનાં હાડકાંમાં આવેલી અસ્થિમજ્જા, લોહીના કોષો ઉત્પન્ન કરે છે. હાડકાના પોલાણમાં તનુતન્ત્વી (reticulum) કોષો આવેલા છે, જે પોતાના કોષ-તરલ(cytoplasm)ના રેસા વડે તંતુઓ બનાવે છે. આ તંતુઓ એક માળખું રચે છે, જેમાં લોહીની નસો, વિવરાભ (sinusoids), અસ્થિમજ્જાના રુધિરપ્રસર્જન અને મેદ(fat)કોષો આવેલા છે. અસ્થિમજ્જામાં રોગો સામે પ્રતિકાર કરતા પ્રતિરક્ષા-(immunity)તંત્રના કોષો પણ ઉત્પન્ન થાય છે. રુધિરપ્રસર્જનપેશી ઘણા બધા કોષોની બનેલી હોય છે. લોહીના જુદા જુદા પ્રકારના કોષો એક આદિકોષ(stem cell)માંથી ઉત્પન્ન થાય છે. આદિકોષ અનેક પ્રકારના પુખ્ત કોષો ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે, માટે તેને બહુક્ષમ (pluripotent) કહે છે. આદિકોષો થોડા છે પરંતુ તે અમર્યાદિત સ્વસર્જન (auto-regeneration) કરી શકે છે.
તેમના બે પ્રકાર છે : (1) પ્રતિરક્ષાતંત્રના કોષો ઉત્પન્ન કરતો લસિકાકોષપ્રસર્જી (lympho poietic) આદિકોષ અને (2) લોહીના અન્ય કોષો ઉત્પન્ન કરતો સામાન્ય રુધિરકોષપ્રસર્જી (common haemopoietic) આદિકોષ. અંત:સ્રાવી (hormonal) ઘટકોની અસર હેઠળ આ કોષો ચોક્કસ પ્રકારના રુધિરકોષ બનાવવા માટે પ્રતિબદ્ધ (committed) બને છે. આવા પ્રતિબદ્ધ કોષોને પૂર્વજ (progenitor) કોષ કહે છે. આદિકોષ તથા પૂર્વજ કોષને પૂર્વજકોષોના સામાન્ય નામથી પણ ક્યારેક ઓળખવામાં આવે છે. પૂર્વજકોષોમાંથી જુદા જુદા સ્વરૂપગુણ(morphology)વાળા કોષો ઉત્પન્ન થાય છે. આ કોષોને પૂર્વગ (precursor) કોષ પણ કહે છે. દરેક પૂર્વગ કોષમાંથી કોઈ એક ચોક્કસ પ્રકારના રુધિરકોષનું પ્રસર્જન થાય છે. તેમનામાં આવેલી આ ગુણની વિશેષતાને કારણે પૂર્વકોષોને વિશિષ્ટગુણી અથવા વિભેદિત (differentiated) કહે છે. પૂર્વગકોષો સંખ્યા-વૃદ્ધિ કરવા અને પાકટતા કેળવવા માટે જુદા જુદા તબક્કાના કોષો ઉત્પન્ન કરે છે. વિવિધ તબક્કાના કોષોની જે તે શ્રેણી (series) છેવટે લોહીના કોઈ એક પ્રકારનો પુખ્ત કોષ ઉત્પન્ન કરે છે. પૂર્વગકોષ અને પુખ્તકોષની વચમાં આવતી શ્રેણીના વિવિધ તબક્કા દર્શાવતા કોષોને આંતરક્રમિક (intermediate) કોષો કહે છે. આમ આદિકોષો, પૂર્વજકોષો, પૂર્વગ કોષો, આંતરક્રમિક કોષો, અને લોહીના પુખ્ત કોષો મળીને અસ્થિમજ્જાની રુધિરપ્રસર્જન-પેશી બને છે.
લસિકાકોષપ્રસર્જી આદિકોષમાંથી ‘બી’ અને ‘ટી’ પ્રકારના લસિકાકોષો (lymphocytes) અને પ્લાઝ્માકોષો (plasmacytes) ઉત્પન્ન થાય છે. સમાન રુધિરકોષપ્રસર્જી આદિકોષોમાંથી રક્તકોષ (red cell), ગંઠકકોષ (thrombocyte, platelet), એકકેન્દ્રી કોષ(monocyte) તથા ત્રણે પ્રકારના સકણ શ્વેતકોષો (granulocytes) બને છે. લસિકાકોષ, એકકેન્દ્રી કોષો અને સકણ શ્વેતકોષોને લોહીના શ્વેતકોષો (white cells) તરીકે પણ ઓળખવામાં આવે છે. તટસ્થ (neutrophil), બેઝોરાગી (basophil) અને ઇઓસિનરાગી (eosinophil) એમ ત્રણ પ્રકારના સકણ શ્વેતકોષો છે. પુખ્ત રક્ત અને શ્વેતકોષો લોહીમાં જાતે પ્રવેશે છે. ગઠનકોષોને વિવરાભમાં છોડવામાં આવે છે. લોહીમાંની પુખ્તકોષોની સંખ્યા અને જરૂરિયાત રુધિરકોષપ્રસર્જનનું નિયમન કરે છે. આ નિયમનને, પાછી આવતી માહિતીને આધારે થતું હોવાને કારણે, તેને પ્રતિપોષી નિયમન (feedback regulation) કહે છે. અસ્થિમજ્જાની રુધિરકોષપ્રસર્જન પેશીના ચોથા ભાગના (25.9 %) કોષો રક્તકોષશ્રેણીના, અર્ધાથી વધુ એક પૂર્વકોષમાંથી 8 રક્તકોષો 5 દિવસમાં તૈયાર થાય છે. તાત્કાલિક જરૂરિયાતના સમયે આ ગાળો બે દિવસનો થાય છે. તટસ્થ શ્વેતકોષ બનતાં 10–15 દિવસ લાગે છે. દરરોજ લોહીમાં પ્રવેશતા કોષોનું પ્રમાણ તેમના નાશના પ્રમાણને અનુરૂપ હોય છે, તેથી દરરોજ 2૦,૦૦૦થી 50,૦૦૦/ઘમિમી. જેટલા રક્તકોષો, અને તેટલી જ સંખ્યામાં શ્વેતકોષો અને ગઠનકોષો લોહીમાં પ્રવેશે છે. લસિકાકોષો લાંબું જીવે છે. તેથી તેમનો પ્રસર્જન-દર ઘણો જ ઓછો હોય છે. લોહીના કોષોની સંખ્યા, તનુતન્ત્વાંત:કોષ(reticulocyte)નું પ્રમાણ, લોહીમાં પ્રવેશેલા અર્ધપક્વ આંતરક્રમિક કોષોનું પ્રમાણ તથા અસ્થિમજ્જાનું જીવપેશીપરીક્ષણ (biopsy) અસ્થિમજ્જાની કાર્યશીલતા અંગે નિદાન માટેની માહિતી આપે છે. જીવપેશીપરીક્ષણ માટે છાતીના મધ્યના હાડકા, વક્ષાસ્થિ(sternum)માંથી કે નિતંબના હાડકાની ઉપલી ધાર(iliac crest)માંથી અથવા નળાસ્થિ(tibia)ના ગંડક(tuberosity)માંથી, ઉપરની ચામડી અને પેશીને બહેરી કરીને, અસ્થિમજ્જાના કણો શોષી લેવામાં આવે છે. સમગ્ર અસ્થિમજ્જાના પરીક્ષણની જરૂર પડે ત્યારે નિતંબના હાડકાની ઉપલી ધારમાંથી હાડકાનો ટુકડો કાઢી લેવામાં આવે છે. અભિરંજિત (stained) પેશીને સૂક્ષ્મદર્શક વડે તપાસવામાં આવે છે. આ પરીક્ષણ લોહીના ઘણા રોગોનું નિદાન કરવા માટે ઉપયોગી છે.
શિલીન નં. શુક્લ