અસ્તિત્વવાદી મનોવિજ્ઞાન : વીસમી સદીના મનોવિજ્ઞાનમાં પ્રથમ પરિબળ તરીકે ફ્રૉઇડના મનોવિશ્લેષણને અને બીજા પરિબળ તરીકે અમેરિકન મનોવિજ્ઞાનીઓના વર્તનવાદ(behaviourism)ને ગણાવવામાં આવે છે. તે સંદર્ભમાં અસ્તિત્વવાદી મનોવિજ્ઞાન (existential psychology) ત્રીજા પરિબળના મનોવિજ્ઞાન (third force psychology) તરીકે ઓળખાય છે. મનોવિજ્ઞાનના આ ત્રીજા પ્રભાવક અભિગમમાં અસ્તિત્વલક્ષી મનોવિજ્ઞાન ઉપરાંત પ્રતિભાસમીમાંસાલક્ષી મનોવિજ્ઞાન (phenomenological psychology) અને માનવવાદી મનોવિજ્ઞાન(humanistic psychology)નો સમાવેશ થાય છે.
અમેરિકન મનોવિજ્ઞાનમાં વર્તનવાદી અભિગમ ભૌતિકવાદ(materialism)નો સ્વીકાર કરે છે એટલે કે ભૌતિક દ્રવ્ય (matter) એકમાત્ર સદવસ્તુ કે સત્તા (reality) છે અને તેથી તમામ માનસિક પ્રક્રિયાઓનું સ્પષ્ટીકરણ ભૌતિક પ્રક્રિયાઓ દ્વારા જ કરી શકાય છે. વર્તનવાદીઓ ભૌતિકવાદ સાથે એકતત્વવાદ(monism)નો પણ સ્વીકાર કરે છે, એટલે જ માનસિક દ્રવ્ય કે તેની સક્રિયતાની કોઈ પણ ધારણાનો તેઓ સ્વીકાર કરતા નથી. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના અવલોકી શકાય તેવા પ્રગટ અને અપ્રગટ શારીરિક વર્તનનું જ વિજ્ઞાન છે અને તેથી તેમાં અંતર્નિરીક્ષણ(introspection)ની પદ્ધતિને કોઈ સ્થાન નથી, તેમજ માનસિક વ્યાપારોને લગતાં વિધાનોનું તેને સહસંબદ્ધ એવા શારીરિક વ્યાપારોને લગતાં વિધાનોમાં રૂપાંતર કરવું જોઈએ તેમ વર્તનવાદીઓ સ્વીકારે છે. વર્તનવાદીઓ પ્રત્યક્ષવાદ (positivism), નિયતિવાદ (determinism), યંત્રવાદ (mechanism) અને પ્રકૃતિવાદ(naturalism)ના તત્વજ્ઞાનના અભિગમો સ્વીકારે છે, કારણ કે તેમના મતે પ્રત્યક્ષ અવલોકન એ જ વૈજ્ઞાનિક જ્ઞાનનો આધાર છે (પ્રત્યક્ષવાદ), મનુષ્ય એક પ્રાકૃતિક પદાર્થ છે (પ્રકૃતિવાદ), તેને યંત્રની જેમ જ સમજી શકાય છે (યંત્રવાદ), અને તેનું વર્તન આંતરિક, શારીરિક અને બાહ્ય ભૌતિક પર્યાવરણથી કાર્યકારણનિયમને આધારે નિયંત્રિત થાય છે (નિયતિવાદ).
મનોવિશ્લેષણ અને અસ્તિત્વવાદી – માનવવાદી મનોવિજ્ઞાનમાં વર્તનવાદની કેટલીક મુખ્ય તાત્વિક ધારણાઓ પડતી મૂકવામાં આવે છે. મનોવિશ્લેષણ અને અસ્તિત્વવાદી – માનવવાદી મનોવિજ્ઞાન (ત્રીજા પરિબળનું મનોવિજ્ઞાન) ભૌતિકવાદનો સ્વીકાર કરતું નથી અને તેથી માનસિક પ્રક્રિયાઓ કે વ્યાપારોનું મનોવિજ્ઞાનમાં મહત્વનું સ્થાન છે તેમ સ્વીકારે છે. તેટલે અંશે તેઓ મનવાદી (mentalist) અભિગમ અપનાવે છે. જર્મન તત્વજ્ઞાનની પરંપરા મુજબ મન શરીર કરતાં ભિન્ન તત્વ છે; મન સક્રિય અને ગતિશીલ છે અને તેનું કાર્ય કેવળ પર્યાવરણનાં ઉદ્દીપનો પ્રત્યે પ્રતિક્રિયા આપવાનું જ નથી, પણ સક્રિય રીતે જ્ઞાનના ઘડતરની પ્રક્રિયા પ્રદાન કરવાનું પણ છે. આમ, મનોવિશ્લેષણ તેમજ અસ્તિત્વવાદી મનોવિજ્ઞાન એકત્વવાદી ભૌતિકવાદ(monoistic materialism)નો અસ્વીકાર કરે છે અને દ્વૈતવાદ તેમજ માનસિક ક્રિયાશીલતાનો સ્વીકાર કરે છે. તેથી વર્તનવાદથી આ બંને પ્રકારના અભિગમો મૂળભૂત તાત્વિક પૂર્વધારણાઓમાં જુદા પડે છે.
અસ્તિત્વલક્ષી મનોવિજ્ઞાન (અને તેના જૂથના બીજા અભિગમો) વર્તનવાદથી અત્યંત સ્પષ્ટ રીતે ભિન્ન છે તે ખરું, પણ આ અભિગમ મનોવિશ્લેષણથી પણ કેટલીક મહત્વની બાબતોમાં ભિન્ન છે તે પણ સ્પષ્ટ છે. દા.ત., ફ્રૉઇડનું મનોવિશ્લેષણ નિયતિવાદ(determinism)નો સ્વીકાર તો અવશ્ય કરે જ છે. વર્તનવાદીઓ મનુષ્યના વર્તનને આંતરિક અને બાહ્ય પર્યાવરણનાં પરિબળોથી નિયત થયેલું ગણે છે, જ્યારે ફ્રૉઇડ મનુષ્યની સભાન અવસ્થાઓ અને તેના પ્રગટ વર્તનને અચેતન માનસવ્યાપારોથી નિયત થયેલું ગણે છે. એટલે બંને સંપ્રદાયોમાં મનુષ્યના પસંદગીના સ્વાતંત્ર્યને કોઈ જ સ્થાન નથી. જ્યારે અસ્તિત્વવાદી–માનવવાદી મનોવિજ્ઞાનમાં મનુષ્યનું પસંદગીનું સ્વાતંત્ર્ય (freedom of choice) સ્વીકારવામાં આવે છે. આ ઉપરાંત અસ્તિત્વવાદીઓ, મનોવિજ્ઞાનમાં ફ્રૉઇડે અચેતન વ્યાપારોની ક્રિયાશીલતાને જે મહત્વ આપ્યું છે તેનો પણ સ્વીકાર કરતા નથી. જોકે અસ્તિત્વવાદી મનોવિજ્ઞાનીઓ ફ્રૉઇડના મનોવિશ્લેષણની કેટલીક મનોપચાર-ટૅકનિકનો સ્વીકાર કરે છે, પરંતુ તેમનો મુખ્ય વિરોધ મનુષ્યના સ્વરૂપ (nature of man) અંગેના ફ્રૉઇડના અભિગમ સામે છે. મનુષ્ય વિશેનો ફ્રૉઇડનો અભિગમ પણ પ્રકૃતિવાદી (naturalistic) અને નિયતિવાદી પરંપરામાં જ પ્રવર્તે છે, તેથી મનુષ્યના અસ્તિત્વની લાક્ષણિકતાઓને તે ન્યાય આપી શકે તેમ નથી તેવું અસ્તિત્વવાદી અને માનવવાદી વિજ્ઞાનીઓ માને છે.
અસ્તિત્વવાદી મનોવિજ્ઞાનનું મૂળ આધુનિક તત્વજ્ઞાનના અસ્તિત્વવાદ (existentialism) તરીકે ઓળખાતા અભિગમમાં રહેલું છે. અસ્તિત્વ, ચેતના અને સંકલ્પસ્વાતંત્ર્ય – આ ત્રણ બાબતોને કેન્દ્રમાં રાખીને તે ચિંતન કરે છે.
અસ્તિત્વવાદી મનોવિજ્ઞાનનો સામાન્ય અભિગમ, ખાસ કરીને હાઇડેગરના તત્વજ્ઞાનથી ઘડાયેલો છે. આ સંદર્ભમાં અસ્તિત્વલક્ષી માનસોપચાર(existential psychotherapy)નો પણ ઉલ્લેખ કરવો આવશ્યક છે. વિયેનામાં આ સદીમાં વિક્ટર ફ્રકલે ‘લોગોથેરેપી’ એટલે કે અર્થબોધાત્મક માનસોપચારનો અભિગમ સ્થાપ્યો હતો. સ્વિટ્ઝર્લૅન્ડના લૂડવિક બિનસ્વાંગરે ‘અસ્તિત્વલક્ષી વિશ્લેષણ’નો અભિગમ રજૂ કર્યો અને હાઇડેગરથી પ્રભાવિત થયેલા મેડાર્ડ બૉસે પોતાના અભિગમને ‘ડાઝાઇન એનાલિસિસ’ તરીકે ઓળખાવ્યો છે. અમેરિકન મનોવિજ્ઞાની રોલો મે કિર્કગાર્ડ અને હાઇડેગરથી પ્રભાવિત થયા છે. બિનસ્વાંગર હાઇડેગર અને માર્ટિન બૂબરના તત્વજ્ઞાનનો આધાર લે છે. આમ, અસ્તિત્વલક્ષી માનસોપચારના ક્ષેત્રે યુરોપિયન મનશ્ચિકિત્સકો દ્વારા અસ્તિત્વવાદી તત્વજ્ઞાનને આધારે માનસોપચાર પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. આ માનસોપચારકો એમ નથી માનતા કે અન્ય ઉપચારની ટૅકનિકોની જેમ અસ્તિત્વવાદી માનસોપચાર માત્ર એક આગવી ટૅકનિક જ છે. ખરેખર તો અસ્તિત્વવાદી તત્વજ્ઞાનમાં મનુષ્યનું જે સ્વરૂપ નિરૂપાયેલું છે તેને આધારે ચિકિત્સકદર્દીના સંબંધો ઘડાય તે અસ્તિત્વવાદી માનસોપચારમાં મહત્વનું છે.
અસ્તિત્વલક્ષી માનસોપચાર અને અસ્તિત્વલક્ષી મનોવિજ્ઞાનમાં મનુષ્યના સ્વરૂપ અંગેની તેમજ અન્ય કેટલીક મૂળભૂત સ્વીકૃતિઓ નીચે મુજબ છે :
(1) મનુષ્ય અસ્તિત્વસભાનતા ધરાવતો એક જ્ઞાતા કે વિષયી છે અને અન્ય પ્રાકૃતિક પદાર્થોથી તે આ રીતે ભિન્ન છે, કારણ કે પોતાના ભિન્ન પ્રકારના હોવાપણાના અર્થ અંગે તે મૂળભૂત પ્રશ્નો પૂછે છે. મનુષ્ય સત્ (being) પ્રત્યે અભિમુખ થતું એક સત્ છે.
(2) તેને પસંદગીનું સ્વાતંત્ર્ય છે.
(3) નિર્ણયોની અને પસંદગીઓની જવાબદારી તેની પોતાની જ છે.
(4) પસંદગીનું સ્વાતંત્ર્ય વ્યક્તિમાં અસ્તિત્વલક્ષી ચિંતા ઉપજાવે છે.
(5) વ્યક્તિ પોતાની સંભાવનાઓને મૂર્ત કરવામાં નિષ્ફળ જાય ત્યારે તે અસ્તિત્વલક્ષી અપરાધભાન (guilt) અનુભવે છે.
(6) મૃત્યુના પડછાયામાં દરેક મનુષ્ય જીવતો હોવાથી તેને પોતાના ન હોવાપણા અંગે પણ વ્યગ્રતા કે અસ્તિત્વલક્ષી ચિંતાનો અનુભવ થાય છે.
(7) મનુષ્યનું અસ્તિત્વ તેનું જગતમાં હોવાપણું (being in the world) છે. તે પોતાનું હોવાપણું નહિ પણ પોતાના અસ્તિત્વની રીત કે તરેહ પસંદ કરે છે.
(8) મનુષ્યનું અસ્તિત્વ કાળબદ્ધ અને પરિમિત છે અને તેની ચેતના જગતને અર્થ પ્રદાન કરે છે. તે સંદર્ભમાં વ્યક્તિ ભાવિ લક્ષ્યોને પસંદ કરે છે. કાળનું ભવિષ્યલક્ષી પરિમાણ મનુષ્ય માટે વધુ અર્થમય અને ઉપયોગી છે. પોતાના ભૂતકાળને પણ વ્યક્તિ વર્તમાનમાં નવો અર્થ આપી શકે છે.
(9) જીવનનો અર્થ પામવાની નિષ્ફળતા, અન્ય સાથે નિખાલસ મુક્ત પારસ્પરિક સંબંધ સ્થાપવાની નિષ્ફળતા કે જગતના અંતિમ આધારો પ્રાપ્ત ન થવાથી ઉદભવતો અજંપો વગેરે અસ્તિત્વલક્ષી અકળામણો છે અને તેનો ઉપચાર માત્ર જરૂરિયાત-તૃપ્તિના સિદ્ધાંતો કે અભિસંધાનના અથવા વ્યક્તિના સામાજિકીકરણ સિદ્ધાંતોથી આપી શકાય નહિ. તેથી મનોવિજ્ઞાન સતલક્ષી (ontological) બનવું જોઈએ.
(1૦) અસ્તિત્વલક્ષી ઉપચારનો હેતુ વ્યક્તિને પોતાના અસ્તિત્વની સચ્ચાઈનો અનુભવ કરાવવાનો છે. આ ઉપચારનો હેતુ કેવળ ન્યૂરૉસિસ કે અન્ય અવસ્થાઓનાં બાહ્ય લક્ષણો નાબૂદ કરવાનો નથી. ન્યૂરૉટિક વ્યક્તિ કુસમાયોજિત (maladjusted) છે અને તેને પોતાના સમાજ સાથે ગમે તેમ કરીને અનુરૂપ બનાવવાની છે તેવો સામાન્ય ઉપચારાત્મક ખ્યાલ અસ્તિત્વવાદીઓ સ્વીકારતા નથી. પોતાનું અસ્તિત્વભાન ઓછું તીવ્ર બનાવીને, અસ્તિત્વનાં અર્થ અને મૂલ્યની ચિંતા શાંત કરીને કે પોતાનું પસંદગીનું સ્વાતંત્ર્ય છોડાવી દઈને દર્દીને સાજો કે ચિંતામુક્ત કરવાનો અસ્તિત્વવાદી ઉપચારનો હેતુ નથી. વ્યક્તિને પોતાનું સત્ શોધવામાં, તેનો અર્થ સમજવામાં, તેનું મૂલ્ય સર્જવામાં મદદરૂપ થવાનું અસ્તિત્વલક્ષી ઉપચારકનું કાર્ય છે. દર્દીને કેવળ સમજણ આપવાની નથી, પણ તેને પોતાના નિર્ણયો લેવા દેવાના છે. વ્યક્તિને પોતાના અસ્તિત્વ પ્રત્યે પ્રતિબદ્ધતા (commitment) કેળવવામાં ઉપચારક સહાય કરે છે.
(11) અસ્તિત્વલક્ષી વિશ્લેષણ મુજબ માણસનું જગત ત્રણ પરિમાણ ધરાવે છે. પહેલું તેનું ભૌતિક-જૈવિક પર્યાવરણવાળું જગત, જેને જર્મનમાં ‘ઉમવેલ્ટ’ કહે છે. બીજું, અન્ય વ્યક્તિ સાથેના તેના સંબંધોનું જગત જેને જર્મન ભાષામાં ‘મિટવેલ્ટ’ કહે છે. અને ત્રીજું પરિમાણ પોતાની જાતની કે પોતાના સ્વતત્વની દુનિયા, જેને જર્મન ભાષામાં ‘આઇગેનવેલ્ટ’ કહે છે. આ ત્રણે પરિમાણોમાંથી કોઈ પણ એકને સર્વોપરિ બનાવી દેવામાં આવે તો મનુષ્યના જગતમાં હોવાપણાની સમતુલા તૂટી જાય છે. મનોવિશ્લેષણવાદે કેવળ ‘ઉમવેલ્ટ’ને જ મહત્વ આપ્યું છે. સલિવાનના આંતરવૈયક્તિક સંબંધોના અભિગમે ‘મિટવેલ્ટ’ને મહત્વ આપ્યું છે, પણ પોતાના પોતાની જાત સાથેના સંબંધની દુનિયા(eigenwelt)ને સમજવા માટે હજી પૂરતા પ્રયત્ન થયા નથી તેવું અસ્તિત્વવાદી મનોવિજ્ઞાનીઓ માને છે. આર. ડી. લગે આ દિશામાં અસ્તિત્વલક્ષી મનોવિજ્ઞાન વિકસાવ્યું છે.
(12) મનુષ્ય એવું સત્ છે કે જે પોતાના અસ્તિત્વથી સભાન થઈ શકે છે અને તેની જવાબદારી લઈ શકે છે. વ્યક્તિ માત્ર જ્ઞાતા નથી, પણ પોતે જ્ઞાતા છે તેવું જાણે છે. આ સ્વ-સભાનતાને અસ્તિત્વવાદી મનોવિજ્ઞાનમાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે.
(13) હોવાપણાની સભાનતા સાથે જ પોતાના કે જગતના ન-હોવાપણા(non-being)ની સંભાવના પ્રત્યે વ્યક્તિ જાગ્રત થાય છે. મૃત્યુ એ આવા ન-હોવાપણાનો એક પ્રકાર છે. મૃત્યુ માત્ર જૈવીય ઘટના નથી. વ્યક્તિ પોતે જાણે છે કે પોતાનું મૃત્યુ થવાનું છે. આ મૃત્યુ-સભાનતાના સંદર્ભમાં વ્યક્તિ પોતાના જીવનને કઈ રીતે જુએ છે તે અસ્તિત્વવાદ માટે મહત્વનું છે. વ્યક્તિ પોતાના ન-હોવાપણાના સંદર્ભમાં કે પોતાની શક્તિઓ મૂર્ત કરવાની અશક્યતાના સંદર્ભમાં ચિંતા કે વ્યગ્રતા (જર્મન શબ્દ – angst) અનુભવે છે.
(14) અસ્તિત્વવાદી મનોવિજ્ઞાન આ રીતે ચિંતા, અપરાધભાન, સ્વ-ભાન વગેરે સંકલ્પનાઓને સતલક્ષી (ontological) બનાવે છે, એટલે કે મનુષ્યના સત્ કે હોવાપણા સાથે તેને જોડી દે છે. દા.ત., અમુક સામાજિક ધોરણનો ભંગ કરવાથી થતું અપરાધભાન (guilt) સામાન્ય અપરાધભાન છે. પણ વ્યક્તિ પોતે એવી હસ્તી છે કે જે સ્વતંત્ર નિર્ણય લેવામાં સફળ કે નિષ્ફળ થઈ શકે છે એ ભાન સાથે જ્યારે નિષ્ફળતાનો અનુભવ થાય ત્યારે એને સતપરક અપરાધભાન (ontological guilt) કહેવાય છે. આમ, અસ્તિત્વવાદી તત્વજ્ઞાનમાં નિરૂપાયેલી સતમીમાંસા (ontology) સાથે અસ્તિત્વલક્ષી મનોવિજ્ઞાન સંકળાયેલું રહ્યું છે.
મધુસૂદન બક્ષી