અસ્તી (1966) : આધુનિક ગુજરાતી પ્રયોગશીલ લઘુનવલ. લેખક શ્રીકાન્ત શાહ. ઘટનાવિહીન અને અસંબદ્ધ વસ્તુગૂંથણીવાળી લાગતી એંશી પાનાંની આ રચનામાં શેરીને નાકે ઊભેલો વાર્તાનો નાયક ‘તે’, પાસેથી પસાર થતી સૃષ્ટિને જોઈને અંધકાર, એકલતા અને શૂન્યતાની સંવેદના સાથે મૃત્યુ ભણી પોતે ગતિ કરી રહ્યાનો અનુભવ કરે છે. આ નિર્ભ્રાન્ત જીવનદૃષ્ટિમાં અસ્તિત્વવાદનો પડઘો છે. દાદાજી, ચીની, શીળી દાક્તર, ઘડિયાળી, કોલસાવાળો, પાકેલા શિંગડાવાળી ગાય અને પીળી ફીત નાખેલી છોકરી ઍબ્સર્ડ લાગતા વક્તવ્યમાં રસ પૂરનારાં પ્રતીકો છે. લેખકની ભાષામાં કવિની કુમાશ અને અર્થપૂર્ણ ચિત્રો ઉપસાવવાની શક્તિ છે. જોડણી વિશે સર્વત્ર હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈનો ઉપયોગ કરવાનો વિચિત્ર નિયમ રાખ્યો છે તે પણ કૃતિની એક નવીનતા છે.

ધીરુભાઈ ઠાકર