અસાના, જહાંગીરજી જામસજી (જ. 189૦; અ. 16 ડિસેમ્બર 1954, પુણે) : પ્રાણીશાસ્ત્રના ઉત્તમ કોટિના સંશોધક. ગુજરાત કૉલેજ, અમદાવાદના ભૂતપૂર્વ પ્રાધ્યાપક. વડોદરાની કૉલેજમાંથી એમ.એ.ની પદવી મેળવીને તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત 1915માં ગુજરાત કૉલેજમાં પ્રાણીશાસ્ત્રના સહાયક પ્રાધ્યાપક તરીકે કરી હતી. ત્યાં પ્રાણીશાસ્ત્રની પ્રયોગશાળા તેમજ સંગ્રહાલય સ્થાપવા ઉપરાંત પોતાના પ્રાણીચર્મવિદ્યા(taxidermy)ના કૌશલ્યનો ઉપયોગ તેમણે કૉલેજના જીવવિજ્ઞાન સંગ્રહાલયના વિકાસમાં કર્યો હતો. ઇંગ્લૅન્ડમાં કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરીને 1924માં પ્રાણીશાસ્ત્રમાં ટ્રાયપૉસ મેળવ્યું. સ્વદેશ આવ્યા પછી કોષવિદ્યાની અદ્યતન પ્રયોગશાળાની સ્થાપના કરી અને સંશોધનકાર્યમાં ક્રિયાશીલ રહ્યા.
અસાનાએ સરીસૃપોનું જીવનવૃત્તાંત અને વિકાસ, તેમજ વનસ્પતિઓ, સરીસૃપો ને સરળ પક્ષ (Homoptera) શ્રેણીના કીટકોનાં રંગસૂત્રો જેવા વિષયોમાં શાસ્ત્રીય સંશોધન કરેલું છે. તેમનાં કીટકો પર કરેલાં સંશોધનોનું પરામર્શન પ્રો. ડેમરીના ગ્રંથ ‘જનીનવિદ્યામાં પ્રગતિ’માં કરવામાં આવ્યું હતું. તેમની સંશોધન વિશેની લગનીએ અનેક વિદ્યાર્થીઓ તેમજ સહાધ્યાયીઓને પ્રેરણા આપેલી. અથાગ જહેમત ઉઠાવીને તેમણે કોષવિદ્યાનાં પ્રયોગસાધનો બનાવ્યાં હતાં. તેમના આ પ્રયાસોથી અમેરિકા તેમજ જાપાનના આ વિષયના સહકાર્યકરો અત્યંત પ્રભાવિત થયા હતા.
સંશોધનનું ક્ષેત્ર વધુ વ્યાપક બનાવવાના ઉદ્દેશથી વિદેશી નિષ્ણાતો અને સંશોધકો સાથે તેઓ સતત સંપર્કમાં રહેતા. તેમણે ઈ. સ. 1937માં જાપાનનો ટૂંકો પ્રવાસ ખેડીને અનેક સંશોધનસંસ્થાઓ તેમજ વિશ્વવિદ્યાલયોની મુલાકાત લીધી હતી.
અસાના સત્યના નિ:સ્વાર્થ અને તત્પર શોધક રહેવા ઉપરાંત બધા પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર, અત્યંત લાગણીશીલ તેમજ વિનયશીલ સ્વભાવના હતા. તેમણે પોતાનાં પુસ્તકો તેમજ શાસ્ત્રીય સામયિકોનો સંગ્રહ ‘ધ મહારાષ્ટ્ર એસોસિયેશન ફૉર ધી કલ્ટિવેશન ઑવ્ સાયન્સ’, પુણેને આપેલાં છે.
આર. ડી. અસાના
સરોજા કોલાપ્પન