અસાકિર, ઇબ્ન (જ. 13 સપ્ટેમ્બર 1105, દમાસ્કસ, સીરિયા; અ. 25 જાન્યુારી 1176, દમાસ્કસ, સીરિયા) : વિદ્વાન અરબ ઇતિહાસકાર. આખું નામ અલી બિન હસન, અટક અબુલ કાસિમ. ઇબ્ન અસાકિરના નામથી પ્રસિદ્ધ છે. તેમણે પયગંબરસાહેબનાં સુવચનો (હદીસ) એકઠાં કરેલાં હોવાથી ‘હાફિઝ ઇબ્ન અસાકિર’ કહેવાયા. સીરિયાના એક આધારભૂત (શાફિઈ) કાયદાશાસ્ત્રી તરીકે તેમની ગણના થાય છે. સુલતાન નૂરુદ્દીને ઈ. સ. 1154માં દમાસ્કસ પર કબજો કરી ઇબ્ન અસાકિર માટે પ્રથમ ‘દારુલ હદીસ’ બંધાવ્યો, જે ‘દારુલ સુન્ના’ના નામથી પ્રસિદ્ધ છે. તેણે ‘મદ્રેસ-એ નૂરિયા દિમિશ્ક’માં લાંબા સમય સુધી શિક્ષણ આપ્યું હતું.

‘તારીખે દિમિશ્ક’ (‘અત્તારીખુલ કબીર અલ દિમિશ્ક’, 8૦ વિભાગોમાં) અને ‘અલ મુસ્તકસી ફી ફઝાઇલ અલ મસ્જિદ અલ અકસા’ તેની પ્રખ્યાત કૃતિઓ છે.

મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ