અસામાન્ય કિરણ (extraordinary ray, E-ray) : કુદરતમાં મળી આવતાં ખનિજોને તેમના પ્રકાશીય ગુણધર્મોને આધારે સાવર્તિક (સમદિકધર્મી) અને અસાવર્તિક (અસમદિકધર્મી) એ પ્રમાણેના બે પ્રકારોમાં વહેંચેલાં છે. આ બે પ્રકારો પૈકી અસાવર્તિક ખનિજના છેદમાંથી સાદા પ્રકાશનું કિરણ પસાર કરવામાં આવે છે, ત્યારે તે કિરણ ખનિજમાં પ્રવેશતાની સાથે જ સામાન્ય અને અસામાન્ય કિરણોમાં વિભાજિત થાય છે. આ કારણે આવાં ખનિજો દ્વિવક્રીભવન-ખનિજો તરીકે પણ ઓળખાય છે. સામાન્ય અને અસામાન્ય કિરણોની સ્પંદન (કંપન) દિશા એકબીજાથી કાટખૂણે હોય છે અને તેમનો વેગ પણ જુદો જુદો હોય છે, જેથી આ બંને કિરણોમાં વક્રીભવનાંક પણ જુદા જુદા હોય છે.

એકાક્ષીઋણઆત્મક(-ve) ખનિજોમાં અસામાન્ય કિરણોનો વેગ સામાન્ય કિરણ કરતાં વધુ હોય છે. પરિણામે આ ખનિજોમાં અસામાન્ય કિરણનો વક્રીભવનાંક સામાન્ય કિરણના વક્રીભવનાંક કરતાં ઓછો હોય છે. દા.ત., કૅલ્સાઇટ.

કૅલ્સાઇટ સ્ફટિકમાં જોવા મળતાં સામાન્ય-અસામાન્ય કિરણોના પથ

એકાક્ષી ધનાત્મક(+ve) ખનિજોમાં અસામાન્ય કિરણનો વેગ સામાન્ય કિરણ કરતાં ઓછો હોય છે. પરિણામે આ ખનિજોમાં અસામાન્ય કિરણનો વક્રીભવનાંક સામાન્ય કિરણના વક્રીભવનાંક કરતાં વધુ હોય છે. દા.ત., ક્વાટ્ર્ઝ.

વ્રિજવિહારી દીનાનાથ દવે