અસાઇત સાહિત્યસભા : ગુજરાતના લોકનાટ્ય ભવાઈના સર્જક અસાઇત ઠાકરની સ્મૃતિમાં તા. 9 ડિસેમ્બર 1973ના રોજ સાહિત્ય અને નાટ્ય આદિ કલાઓના પ્રસાર માટે સ્થપાયેલી સંસ્થા. સ્થાપક વિનાયક રાવળ. ગુજરાતમાં મહેસાણા જિલ્લાના ઊંઝા નગરમાં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. 1983માં સંસ્થાનું કાર્યફલક વિસ્તારવાની યોજના ઘડવામાં આવી, જેના પરિણામે નૃત્ય, નાટ્ય, સંગીત જેવી મંચનકલાઓ તથા સાહિત્યના પ્રચાર-પ્રસારના આશય સાથે સંસ્થાના એકમો મહેસાણા, વિસનગર, મોડાસા, કલોલ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સૂરત જેવાં નગરોમાં સ્થાપવામાં આવ્યા છે. સ્વ. વસંતરાય બ્રહ્મભટ્ટ સંગીતવિદ્યાલય દ્વારા ગાયન-વાદનની તાલીમ, ચિલ્ડ્રન થિયેટર (બાળરંગભૂમિ) દ્વારા બાળકોના વ્યક્તિત્વવિકાસની પ્રવૃત્તિ, ‘સ્વરાંજલિ’ જેવા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો, ગીત-ગઝલ ગુંજારવના કાર્યક્રમો અને ઉત્તર ગુજરાતની કૉલેજોમાં ‘પ્રત્યાયનનો પ્રયત્ન’ જેવા કાર્યક્રમોની પ્રતિવર્ષ ચાલતી શૃંખલા, ભવાઈના જૂના વેશોના સંશોધન-સંપાદનની પ્રવૃત્તિ એમ અનેકવિધ સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ આ સંસ્થા દ્વારા ચાલે છે. ગુજરાતી મૌલિક નાટકોનું પ્રકાશન, બાળસાહિત્યનું પ્રકાશન, લોકસાહિત્યનું પ્રકાશન, મૉનોગ્રાફ પ્રકાશનશ્રેણી અંતર્ગત વિખ્યાત નટ, સર્જક કે સંગીતકારના ચરિત્રનું પ્રકાશન અને ગુજરાતી રંગભૂમિના વિકાસ માટેના પરિસંવાદો તથા નાટ્યમહોત્સવોનું આયોજન કરીને આ સંસ્થા ઉત્તર ગુજરાતમાં મહત્વનું સાંસ્કૃતિક પ્રદાન આપી રહી છે. એ સાહિત્યિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરી રહી છે.

વિનાયક રાવલ