અષ્ટસખા : ગોપાલકૃષ્ણના સમાનવય, સમાનશીલ અને સમાન-પ્રવૃત્તિ ધરાવતા સખાઓ. પુષ્ટિમાર્ગમાં કૃષ્ણ, તોક, અર્જુન, ઋષભ, સુબલ, શ્રીદામા, વિશાલ અને ભોજને અષ્ટસખા માનવામાં આવે છે. સાધારણ રીતે ગોપીભાવની ભક્તિ પોતાને સખીરૂપે કલ્પીને કરવામાં આવે છે, જ્યારે સખાભાવની ભક્તિમાં ભક્ત પોતાને શ્રીકૃષ્ણના ગોપસખારૂપે કલ્પે છે. શ્રીકૃષ્ણના બાલ્ય અને કિશોરલીલાના સંગી ગોપ સખાઓમાંના બળરામ વગેરે વયમાં મોટા સખાઓ વાત્સલ્યમિશ્રિત સખ્યપ્રેમ ધરાવે છે અને જેમાં શ્રીકૃષ્ણનું પરાક્રમ પ્રગટતું હોય તેમજ દુષ્ટોનો સંહાર કરી સખાઓનું રક્ષણ કરવામાં આવતું હોય તેવી લીલાઓમાં તેઓ ભાગ લે છે, પરંતુ રાધા અને ગોપીઓને લગતી નિકુંજલીલામાં ભાગ લેતા નથી. શ્રીકૃષ્ણથી વયમાં નાના સખાઓ તેમના પ્રત્યે મૈત્રીની સાથોસાથ શ્રદ્ધા અને અહોભાવ ધરાવે છે. તેઓ ગોકુળલીલા, ગોચારણ, કંદુકક્રીડા, છાક (વનભોજન), માખણચોરી જેવી વિનોદપૂર્ણ ક્રીડાઓમાં સામેલ થાય છે, પરંતુ ગોપીઓની પ્રેમક્રીડામાં તેમનો કોઈ સંપર્ક રહેતો નથી. ત્રીજા પ્રકારના શ્રીકૃષ્ણના સમાન વય, સમાનશીલ અને સમાન વ્યસન ધરાવતા અંતરંગ સખાઓ એમની પ્રત્યેક લીલામાં સાથ આપે છે. તેમને રાધા અને શ્યામના અનુરાગનો પરિચય છે. તેઓ પનઘટ, દધિદાન. તેમજ નિકુંજલીલાઓમાં પ્રણયભાવથી મુગ્ધ ગોપીઓને પરિતૃપ્ત કરવા માટે પોતાના પ્રિય સખાને સહાય કરે છે. આવા સખાઓ સંયોગ અને વિયોગ બંને અવસ્થાઓમાં અનન્યભાવે ક્રિયાશીલ હોય છે.
ગોપસખાઓ પૈકી કેટલાકનાં નામ વિષ્ણુપુરાણ અને ભાગવતપુરાણમાં મળે છે. પદ્મપુરાણ અને બ્રહ્મવૈવર્તપુરાણમાં પણ ઘણાં નામ પ્રયોજાયાં છે. પુષ્ટિમાર્ગીય સાહિત્ય – ખાસ કરીને ‘સૂરસાગર’માં પણ અનેક મોટા, નાના અને સમાનવય ધરાવતા સખાઓનાં નામ મળે છે. ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયના સાહિત્યમાં તો તે નામોની સાથે તેમનું વર્ગીકરણ અને વિવેચન પણ અપાયું છે. આવા આત્મીય સખાઓમાં આઠ વિશિષ્ટ સખાઓને પુષ્ટિમાર્ગમાં અષ્ટસખાને નામે ઓળખવામાં આવે છે. તેમના ભાવનું સાદૃશ્ય અષ્ટછાપના કવિઓમાં જોવામાં આવે છે. અષ્ટછાપના કવિઓ સખાભાવે શ્રીનાથજી (શ્રીકૃષ્ણના પુષ્ટિમાર્ગીય વિગ્રહ)ની ભક્તિ કરતા હતા. ભક્તિભાવની ઉચ્ચતાને કારણે તેમને અષ્ટસખા માની લેવામાં આવ્યા છે. તદનુસાર સૂરદાસને કૃષ્ણ, પરમાનંદદાસને તોક, કુંભનદાસને અર્જુન, કૃષ્ણદાસને ઋષભ, છીતસ્વામીને સુબલ, ગોવિંદસ્વામીને શ્રીદામા, ચતુર્ભુજદાસને વિશાખ અને નંદદાસને ભોજનું સ્વરૂપ માનવામાં આવેલ છે.
પ્રવીણચંદ્ર પરીખ