અશ્વિનીકુમારો

January, 2001

અશ્વિનીકુમારો : હિન્દુ ધર્મ અનુસાર દેવોના બે ચિકિત્સકો. ભારતીય પૌરાણિક પરંપરામાં મહત્વનું સ્થાન ધરાવતું દેવતાયુગ્મ. સૂક્તસંખ્યાના આધારે ઇન્દ્ર, અગ્નિ અને સોમ પછી તરત જ સ્થાન પામતું, અવિભાજ્ય હોવાથી યમજ રહેલું આ દેવતાયુગ્મ વૈદિક પુરાકથાશાસ્ત્રમાં અનોખું મહત્વ ધરાવે છે. અશ્વિનોની પ્રતિનિધિભૂત ઘટનાની સંપૂર્ણ અનિશ્ચિતતાને કારણે તેમની મૂળભૂત પ્રકૃતિનો તથા તેમના વ્યક્તિત્વનો પરિચય પ્રાચીન-અર્વાચીન અને પૌરસ્ત્ય-પાશ્ચાત્ય સર્વ વિદ્વાનો માટે સમસ્યારૂપ રહ્યો છે.

વ્યાપક અર્થમાં લોકકલ્યાણની તત્પરતા આ દેવયુગલનું સૌથી અગ્રગણ્ય લક્ષણ છે. સહુના આધારભૂત સહાયક સન્મિત્રો, અગાધ જ્ઞાન અને ગૂઢ માયાશક્તિ ધરાવતા દિવ્ય ચિકિત્સકો અને અનેક આપદગ્રસ્તોના અચૂક સંકટ-મુક્તિદાતા,  એવી એમની પ્રશસ્તિનાં અસંખ્ય આખ્યાનો મળે છે.

સૂર્યપુત્રીના સ્વયંવૃત પતિ એવા ‘અશ્વિનૌ’નું બીજું આગવું પાસું છે, મધ સાથેનો એમનો ઘનિષ્ઠ સંબંધ. એ જ રીતે દસ્રા (‘અદભુત’) નાસત્યા (‘સત્યશીલ’) અને હિરણ્યવર્તની (‘સુવર્ણ માર્ગવાળા’)  માત્ર અશ્વિનીકુમારો માટે જ પ્રયોજાયેલાં આ વિશેષણો એમના પર્યાયરૂપ બન્યાં છે. વસ્તુત: એક અશ્વિનનું નામ નાસત્ય અને બીજાનું દસ્ર છે. અશ્વા રૂપે રહેલી સૂર્યપત્ની અરણ્યુના મળસ્કે જન્મેલા પુત્ર હોવાથી એ અશ્વિન નામે પ્રસિદ્ધ છે. પ્રભાતની દેવી ઉષા તેમની ભગિની છે. એમના ત્રિચક્ર સ્વર્ણરથને શ્યેન, ગરુડ કે હંસ વહે છે. વિશ્પલાના કપાયેલા પગને સ્થાને લોહ-પગ મૂકવો, દઘીચની ગ્રીવા પર અશ્વમસ્તક જોડવું એ એમનાં વિસ્મયકારી શસ્ત્ર કર્મ (surgery) છે. ઘોષાને કુષ્ઠમુક્ત કરવી, ઉપમન્યુને દૃષ્ટિ આપવી, વૃદ્ધ જર્જર ચ્યવનને પુન: યૌવન આપવું આદિ તેમની વૈદ્યકર્મની સિદ્ધિઓ છે.

જયાનંદ દવે