અશ્ક, ઉપેન્દ્રનાથ

January, 2001

અશ્ક, ઉપેન્દ્રનાથ (જ. 14 ડિસેમ્બર 1910, જલંદર, પંજાબ; અ. 19 જાન્યુઆરી 1996, પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ) : આધુનિક હિન્દી નાટ્યકાર, નવલકથાકાર તથા વાર્તાકાર. જલંદરની ડી. એ. વી. કૉલેજમાં બી. એ. સુધીનું શિક્ષણ લીધું. પછી બે વર્ષ અધ્યાપન કર્યું. ત્યારબાદ ‘ભૂચાલ’ નામના સામયિકનું એક વર્ષ તંત્રીપદ સંભાળ્યા પછી 1936માં એલએલ.બી.ની પરીક્ષા પસાર કરી. એ જ વર્ષે એમનાં પત્નીનું અવસાન થયું, જે એમના લેખકજીવનમાં અત્યંત મહત્વની ઘટના બની. તે આઘાતે તેમને સર્જન પ્રત્યે વાળ્યા. એ પછી એમણે આકાશવાણીમાં નોકરી કરી. પણ પછી તો લેખન એ જ એમનો વ્યવસાય રહ્યો. શરૂઆતમાં કેટલુંક લેખન પંજાબી અને ઉર્દૂ ભાષામાં કર્યા પછી તેમણે હિન્દીમાં લેખનકાર્ય શરૂ કર્યું (1936). એમણે કવિતા, નવલકથા તથા નાટકો લખ્યાં છે; પણ એમને સવિશેષ પ્રતિષ્ઠા તથા સિદ્ધિ નાટકકાર તરીકે મળી છે. રંગભૂમિના પ્રત્યક્ષ અનુભવને કારણે, તથા નાટ્યકલા વિશે આંતરસૂઝ હોવાને કારણે, એમનાં નાટકો સુઅભિનેય રહ્યાં છે, અને જયશંકર પ્રસાદ પછીના બે મહાન હિન્દી નાટકકારોમાં તેમની ગણના થઈ છે. ‘છટા બેટા’ (1940); ‘અંજોદીદી’ (1953-54) અને ‘કૈદ’ (1943-45) – એ એમની ઉત્તમ નાટ્યકૃતિઓ છે. ચોટદાર સંવાદોથી પાત્રનું વ્યક્તિત્વ ઉપસાવવાની તેમને ફાવટ છે. પ્રયોગશીલતાની અને નાટ્યશિલ્પની દૃષ્ટિએ એમનાં નાટકો હિન્દી નાટ્યસાહિત્યમાં અગ્રિમ સ્થાનનાં અધિકારી છે. એમણે એકાંકી પણ લખ્યાં છે.  ‘તૂફાન સે પહલે’, ‘દેવતાઓં કી છાયા મેં’, ‘પર્દા ઉઠાઓ, પર્દા ગિરાઓ’ – એ એમના એકાંકીસંગ્રહો છે, જેમાં 50 એકાંકીઓ સંગૃહીત થયેલાં છે. એકાંકીઓમાં સાંપ્રત જીવનની વિવિધ સમસ્યાઓનું નિરૂપણ, સમાજના જુદા જુદા સ્તરની પ્રતિનિધિરૂપ પાત્રસૃષ્ટિ, પાત્રના માનસ પર પ્રકાશ પાડે એવો પાત્રનો વ્યવહાર, તથા અભિનયની દૃષ્ટિએ સફળ થઈ શકે એવી દૃશ્યયોજના – એમનાં એકાંકીઓની વિશિષ્ટતા ગણાય.

એમની નવલકથાઓમાં ‘ગિરતી દીવારેં’ (1945), ‘ગર્મ રાખ’ (1952), ‘શહર મેં ઘૂમતા આઈના’ (1963), ‘એક નન્હી કિન્દીલ’ (1969) વગેરે વાસ્તવવાદી પરંપરાની નવલકથાઓ છે. એમની નવલકથાઓમાં મધ્યમ વર્ગની સમસ્યાઓનું તાદૃશ નિરૂપણ હોય છે. વસ્તુગૂંથણી, પાત્રાલેખન વગેરેમાં એમની કલાનો સુભગ પરિચય મળે છે. એમની વાર્તાઓમાં બે પ્રવાહો દૃષ્ટિએ પડે છે : એક પ્રવાહમાં નરી વાસ્તવિકતાનું નિરૂપણ છે, તો બીજા પ્રવાહમાં આદર્શનિરૂપણ થયું છે. એમની લગભગ બસ્સો નવલિકાઓ ‘છીંટે’, ‘ચટ્ટાન’, ‘બૈંગન કા પૌધા’, ‘જુદાઈ કી શામ કા ગીત’, ‘કાલે સાહબ’, ‘દો ધારા’, ‘કહાનીલેખિકા’ તથા ‘જેલમ કે સાત પુલ’ ઇત્યાદિ સંગ્રહોમાં સમાવાઈ છે. આ ઉપરાંત નિબંધ, રેખાચિત્ર, સમીક્ષા, સંસ્મરણો વગેરે ક્ષેત્રોમાં પણ એમણે વિપુલ લેખન કર્યું છે. હિન્દી સાહિત્યમાં યથાર્થવાદી પરંપરાને સમૃદ્ધ કરવાનો યશ એમને ફાળે જાય છે. પરિવર્તન પામતી સાહિત્યિક વિભાવનાઓ જોડે તેઓ કદમ મિલાવતા રહ્યા છે. 1965માં લલિત કલા અકાદમીએ એમને શ્રેષ્ઠ નાટકકારનું પારિતોષિક આપીને એમનું ગૌરવ કર્યું હતું.

ચન્દ્રકાન્ત મહેતા