અવિયોજન (nondisjunction) : કોષવિભાજન દરમ્યાન રંગસૂત્રો છૂટા નહિ પડવાની ઘટના. ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓ તેમજ વનસ્પતિઓના કોષોમાં રંગસૂત્રો નિશ્ચિત સંખ્યામાં અને જોડમાં હોય છે. પ્રજનનકોષોના નિર્માણ સમયે સમજાત રંગસૂત્રોની પ્રત્યેક જોડમાં આવેલાં આ રંગસૂત્રોનું વિયોજન થતાં તેઓ અલગ અલગ પ્રજનનકોષમાં પ્રવેશે છે. પરિણામે પ્રજનનકોષોમાં રંગસૂત્રોની સંખ્યા પિતૃઓના શારીરિક (somatic) કોષો કરતાં અડધી રહે છે. આમ, પ્રજનનકોષોના નિર્માણ સમયે થતા અર્ધીકરણ નામના કોષવિભાજનને પરિણામે જ પ્રત્યેક સજીવમાં પેઢીદરપેઢી રંગસૂત્રોની નિશ્ચિત સંખ્યાનું નિયમન થાય છે. ફલન દરમિયાન આ પ્રજનનકોષો પરસ્પર સંયોજાય છે તેથી ફલિતાંડમાં રંગસૂત્રોની પૂર્ણ સંખ્યા પુન:સ્થાપિત થાય છે અને તે પુન: જોડીમાં આવી જાય છે.

કેટલીક વાર પ્રજનનકોષોના નિર્માણ-સમયે સમજાત રંગસૂત્રોની એક કે એક કરતાં વધુ જોડીનાં રંગસૂત્રો અલગ પડતાં નથી – અર્થાત્ વિયોજન પામતાં નથી. આ અવિયોજન ઘટનાના પરિણામે કોઈ એક પ્રજનનકોષમાં યથાવત્ રંગસૂત્રોની જોડી હોય છે જ્યારે બીજા પ્રજનનકોષોમાં આ જોડીમાંનું એક પણ રંગસૂત્ર હોતું નથી. આવા અસામાન્ય પ્રજનનકોષોમાં સામાન્ય પ્રજનનકોષો કરતાં રંગસૂત્રો વધુ હોય કે ઓછાં હોય. આવા પ્રજનનકોષોના સંયોજનથી ઉદભવેલા ફલિતાંડમાંથી વિકાસ પામેલાં સજીવોમાં રંગસૂત્રોની સંખ્યાકીય અનિયમિતતા સર્જાય છે અને તેથી તે સજીવમાં વિવિધ રોગો કે વિકૃતિઓ જોવા મળે છે. મનુષ્યમાં જોવા મળતાં મૉન્ગોલૉઇડ સંલક્ષણ, ટર્નરનું સંલક્ષણ વગેરે આવાં અવિયોજનનાં પરિણામો છે.

નરેન્દ્ર ઈ. દાણી