અવિભાગાદ્વૈત : ભારતીય તત્વજ્ઞાનમાં વિજ્ઞાનભિક્ષુનો અદ્વૈત સિદ્ધાંત. આ જગતમાં અંતિમ પારમાર્થિક તત્વની દૃષ્ટિએ એકત્વ છે કે અનેકત્વ, એવા પ્રશ્નોનું સમાધાન આપતા સઘળા મતોનું ખંડન કરીને આચાર્ય વિજ્ઞાનભિક્ષુ પોતાના ‘બ્રહ્મસૂત્રવિજ્ઞાનામૃતભાષ્ય’માં અવિભાગાદ્વૈતનું પ્રતિપાદન નીચે મુજબ કરે છે :

બ્રહ્મ એક છે; અને આ દૃશ્યમાન સકળ સચરાચર જગત એ બ્રહ્મથી ભિન્ન છે, તેમજ અભિન્ન પણ છે. આધારતાસંબંધની માફક જ એક સંયોગવિશેષ કે સ્વરૂપસંબંધ કે જેનું સ્વરૂપ અત્યંત સંમિશ્રિત હોય તે જ અભેદ કે અવિભાગ છે. આ અભેદતા કે અવિભાગને કારણે જ દહીં તેમજ જળની તથા લવણ તેમજ સમુદ્રની વચ્ચે ઐક્યની પ્રતીતિ થાય છે (બ્ર.સૂ.વિ.ભા., 1.1.2.). આમ વિકારકારણ સાથે જો એનું વિકારરૂપી કાર્ય સમવાયસંબંધે સંબંધિત હોય તો તે કારણ અને કાર્યનો અવિભાગસંબંધ કહેવાય છે, તેમજ અધિષ્ઠાનકારણથી કાર્ય વિવિક્ત ન હોય તોપણ તે કારણ અને તે કાર્યનો અવિભાગસંબંધ કહેવામાં આવે છે. આ સિદ્ધાંત જોઈએ તો બ્રહ્મ એ અંશી છે અને પુરુષ એ તેના અંશરૂપ છે તેમજ તેની અંતર્લીન શક્તિ પણ છે. ઉપરાંત પ્રકૃતિ પણ બ્રહ્મથી વિભક્ત રહીને પ્રવૃત્ત થઈ શકે નહિ, આથી પુરુષ અને પ્રકૃતિ એ બંનેનો બ્રહ્મથી અવિભાગસંબંધ છે. આમ, બ્રહ્મની અંતર્લીન શક્તિઓનો અને પ્રકૃતિનો બ્રહ્મથી સિદ્ધ થતો અવિભાગ તે જ અભેદ છે; કારણ કે આચાર્ય વિજ્ઞાનભિક્ષુ સ્વયં કહે છે કે ‘ભિદ્’ ધાતુનો અર્થ ‘વિદારવું’, ‘તોડવું’ એવો હોવાથી તેનું તાત્પર્ય ‘વિભાગ’ના અર્થમાં જ માનવું જોઈએ (બ્ર.સૂ.વિ.ભા., 1.1.2.) અને આ રીતે જોતાં વિભાગ અથવા ભેદ એ ભિન્નત્વપ્રત્યયનો નિયામક છે; જ્યારે અવિભાગ અથવા અભેદ એ આકાશવાયુવત્, દધિજલવત્ કે લવણસમુદ્રવત્ અભિન્નત્વપ્રત્યયનો નિયામક છે અને બ્રહ્મમીમાંસાશાસ્ત્રમાં જીવ તથા બ્રહ્મની વચ્ચે અગ્નિસ્ફુલ્લિગંની જેમ અંશાંશિ-અભેદનું પણ અવિભાગલક્ષણવાળા અભેદ તરીકે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, અથવા પ્રકાશ અને તેના આશ્રયની જેમ (બ્ર.સૂ.વિ.ભા., 1.1.1. 47.; બ્ર.સૂ., 3.2.28.; બ્ર.સૂ., 4.4.4.) ‘આ સર્વ આત્માના સ્વરૂપનું(જ) છે’ (બૃહ. ઉપ. 2.4.6.) – એ શ્રુતિ દ્વારા તો માત્ર જીવોનો જ નહિ, પરંતુ સકળ જડવર્ગનો પણ બ્રહ્મની સાથે અવિભાગલક્ષણ અભેદ પ્રતિપાદિત કરવામાં આવેલો છે. જો આ પ્રમાણે સ્વીકારવામાં ન આવે તો અર્ધજરતીયન્યાયનો દોષ સંભવે. (બ્ર.સૂ.વિ.ભા., 1.1.2.).

વિજ્ઞાનભિક્ષુના મંતવ્ય અનુસાર બ્રહ્મ અને આ દૃશ્યમાન જગત વચ્ચેનો ભેદ તો સુસ્પષ્ટ જ છે. આથી બ્રહ્મ અને જગત વચ્ચે ભેદ પણ છે અને જગત બ્રહ્મથી વિભક્ત રહી શકે નહિ તેથી અભેદ પણ છે. એ રીતે વેદાન્તમાં અવિભાગાદ્વૈત સ્વરૂપનો ભેદાભેદભાવ જ યોગ્ય ઠરે છે. પ્રકૃતિ જગતનું વિકારી-કારણ છે જ્યારે બ્રહ્મ જગતનું આધાર-કારણ છે. આ અર્થમાં વિજ્ઞાનભિક્ષુનો મત અવિભાગાદ્વૈત છે. તેમના  મતમાં પ્રકૃતિ અને પુરુષની માન્યતા સાંખ્યના જેવી જ છે. તેમણે સાંખ્ય અને વેદાન્તનો સમન્વય કર્યો છે, અને ઉપનિષદો અને વેદાન્ત-સૂત્રનો અર્થ અવિભાગાદ્વૈતપરક કર્યો છે.

કોકિલાબહેન શાહ