અવાળુ-શોથ (gingivitis) : ચેપને કારણે આવતો પેઢાંનો સોજો. ભારતમાં 80% લોકોમાં આ રોગ જણાય છે. શરૂઆતમાં પીડાકારક ન હોવાને કારણે તેનું નિદાન મોડું થાય છે. સમય જતાં તેમાંથી પાયોરિયા (પરિદંતશોફ, periodontosis) થાય છે. પરુવાળાં પ્રવાહી જ્યારે અવાળુની આસપાસ જોવામાં આવે ત્યારે  તેને સપૂયસ્રાવ (pyorrhoea) કહે છે.

દાંત અને મોઢાની અપૂરતી કાળજીને કારણે ખોરાકના કણો, જીવાણુઓ (bacteria) અને લાળના ક્ષારો છારી (tartar) કે પથરી (calculis) રૂપે અવાળુ ગર્તમાં જામે છે. તેથી અવાળુ લાલ, ફૂલેલું અને પીડાકારક બને છે. દાતણ કરતી વખતે લોહી પણ નીકળે છે.

ખૂબ ચઢેલો તાવ, ‘સી’ અથવા ‘બી’ વિટામિનની ઊણપ, મોં વડે શ્વાસ લેવાની ટેવ, અસ્વચ્છ રહેતા વાંકાચૂકા દાંત વગેરે અવાળુશોથ ઉત્પન્ન કરે છે. મધુપ્રમેહના દર્દીમાં અવાળુશોથનું પ્રમાણ વધારે હોય છે. અંત:સ્રાવી (hormonal) અસંતુલન થાય ત્યારે પણ અવાળુશોથ થાય છે; દા.ત., યૌવનારંભ (puberty), ઋતુસ્રાવ(menstrual)-ચક્ર, સગર્ભતા, ઋતુસ્રાવ-નિવૃત્તિકાળ (menopause) અને સતત લેવાતી ગર્ભનિરોધક ગોળીઓ.

તબીબી સલાહ મુજબ સારવારમાં ઍન્ટિબાયૉટિક (પ્રતિજૈવ) ઔષધો અને પ્રતિશોથ (anti-inflammatory) ઔષધો અપાય છે. વારંવાર કોગળા કરી મોં સાફ રાખવું, ગળપણવાળી વાનગીઓ કે પીણાં પછી મોઢું અંદરથી સાફ કરવું. તકલીફ શમે તે પછી દંતખોતરણ વડે છારી તથા પથરી કઢાવી નાખવી, નિયમિત અવાળાને માલિશ કરવું, દાતણ અને કોગળા કરવા વગેરે પ્રક્રિયા આ રોગને અટકાવે છે.

રુદ્રેશ ભટ્ટ

શિલીન નં. શુક્લ