અવાળુ-મુખશોથ, ઉગ્ર (acute necrotising ulcerative gingivitis) : મોં અને અવાળુ પર વારંવાર થતો પીડાકારક ચાંદાનો રોગ. ઝેનોફોને ઈ. પૂ. ચોથી સદીમાં, ગ્રીક સૈનિકોને આ રોગ થયેલો વર્ણવ્યો છે. ફરીથી તે ઓગણીસમી સદીમાં ફ્રેન્ચ સૈનિકોમાં પણ નોંધાયો છે. 1778માં જૉન હન્ટરે તેનું વિશદ વર્ણન કર્યું. 1890માં પ્લાઉટ અને વિન્સન્ટે તેના ફ્યુઝીફૉર્મ અને સ્પાયરોકીટ જીવાણુઓને ઓળખી બતાવ્યા હતા.
શારીરિક માંદગી, શ્વસનમાર્ગનો ચેપ કે અતિશય શ્રમ પછી અચાનક શરૂ થતો આ રોગ ઉગ્ર, લાંબા સમયનો કે ફરી ફરી થતો હોય છે. અવાળું ખરબચડું થાય છે અને તેના ઉપર રાખોડી પોપડી (slough) બાઝે છે. પોપડી ઊખડતાં લાલચોળ થયેલા અવાળુમાંથી લોહી ઝમે છે, અવાળુ નાશ પામે તો દંતમૂળ દેખાય છે. દાંત છૂટા પડી ગયેલા લાગે છે. લાળ ઘટ્ટ બને અને મોંમાંથી દુર્ગંધ મારે છે. આખા મોંમાં, એક કે વધુ દાંતની પાસે કે ફક્ત તાળવામાં થતા આ રોગનો દર્દી, ગરમ-તીખા પદાર્થો ખાઈ શકતો નથી અને તે ચાવવામાં મુશ્કેલી અનુભવે છે. મોંમાં ખરાબ સ્વાદ ઉત્પન્ન થાય છે. સખત પીડા થાય છે. સ્થાનીય લસિકાગ્રંથિમાં શોથકારી વેળ ઘાલે છે. રોગની ઉગ્રતા પ્રમાણે તાવ, નાડીના ધબકારા અને લોહીના શ્ર્વેતકોષો વધે છે. દર્દી અશક્તિ, ખિન્નતા (depression), અનિદ્રા અને શિરદર્દ અનુભવે છે. મોંમાં સોજો ઉતારવા માટે કોગળા કરવા, હાઇડ્રોજન પેરૉક્સાઇડ જેવી જીવાણુનાશક દવાવાળા રૂથી પોપડી દૂર કરી, કૉર્ટિકોસ્ટીરૉઇડ અને ગ્લિસરીન લગાવવું, મેટ્રોનિડેઝોલ અને પેનિસિલિન અથવા ટેટ્રાસાઇક્લીન નામની એન્ટિબાયોટિક દવાઓ આપવા તથા રોગ મટી ગયા પછી દંતખોતરણ (scaling) અને પરિદંત(periodontal)ચિકિત્સા કરાવવી – આ બધાં આ રોગની ચિકિત્સાનાં સામાન્ય અંગો છે.
રુદ્રેશ ભટ્ટ
શિલીન નં. શુક્લ