અવાળુવર્ધન (gum hypertrophy) : મોઢામાં થતી પેઢાંની વૃદ્ધિ. એક કે વધુ અથવા બધા જ દાંતની આજુબાજુ અવાળુનો સોજો આવે ત્યારે તેને અવાળુવર્ધન કહે છે. આંતરદંતીય કલિકાઓ (papillae), સીમાવર્તી (marginal) અવાળુ કે સમગ્ર અવાળુનું વર્ધન થાય છે. ક્યારેક અલગ પડેલું ગાંઠ જેવું ચોંટેલું કે લટકતું વર્ધન પણ જોવા મળે છે. મૂળ કારણને આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે.
અવાળુવર્ધનનાં કારણો
- અવાળુ-શોથ :
ક. ઉગ્ર – અવાળુ કે પરિદંત (periodontal) સપૂયગડ (abscess)
ખ. દીર્ઘકાલી – અવિશિષ્ટ (nonspecific)
- શોથરહિત અવાળુ અતિવિકસન (hyperplasia)
ક. ડાયલેન્ટિન દવાનું સેવન
ખ. કૌટુંબિક, આનુવંશિક કે અજ્ઞાત કારણસર
- મિશ્ર – 1 અને 2
- અન્ય વ્યાધિને કારણે :
ક. અંત:સ્રાવી (hormonal) અસંતુલન
– યૌવનારંભ (puberty)
– સગર્ભતા
– ગર્ભનિરોધક ગોળીઓ
ખ. રુધિરકૅન્સર
ગ. વિટામિન ‘સી’ની ઊણપ
- કૅન્સર
- કુવિકસન (maldevelopment)
વર્ધન થવાનાં કારણો ઉપર અવાળુવર્ધનની ચિકિત્સા આધારિત હોય છે. અવાળુનો ચેપ થયો હોય તો તે દંતખોતરણ, ગ્લિસરીન-ટૅનિક-ઍસિડથી અવાળુનું માલિશ અને જીવાણુનાશક દવાના કોગળા કરવાથી મટી શકે છે. ક્યારેક શસ્ત્રક્રિયા વડે વધી ગયેલા અવાળુને કાપીને કાઢી નાખવામાં આવે છે.
રુદ્રેશ ભટ્ટ
શિલીન નં. શુક્લ