અવસ્થી વિ. બચ્ચુલાલ

January, 2001

અવસ્થી, વિ. બચ્ચુલાલ (જ. 1918, ફરુહાઘાટ, જિ. બહરાઈચ, ઉત્તરપ્રદેશ; અ. 2005) : ઉત્તરપ્રદેશના હિંદી તથા સંસ્કૃતના વિદ્વાન કવિ અને વિવેચક. તેમને તેમના જાણીતા કાવ્ય-સંગ્રહ ‘પ્રતાનિની’ માટે 1998ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.

તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ ઉર્દૂમાં લીધા બાદ સંસ્કૃતમાં આચાર્યની પદવી મેળવી. ત્યારપછી હિંદીમાં એમ. એ., પીએચ. ડી. તથા ડી.લિટ.ની પદવી પ્રાપ્ત કરી.

હિંદી તેમજ સંસ્કૃતમાં તેમનાં 1૦ પુસ્તકો પ્રગટ થયાં છે. તેમાં કાવ્યસંગ્રહો, વિવેચનો અને કાવ્યશાસ્ત્ર સંબંધી કૃતિઓનો સમાવેશ થાય છે.

અધ્યાપન-કાર્યમાંથી સેવા-નિવૃત્ત થયા પછી તેઓ કાલિદાસ અકાદમી, ઉજ્જૈનના આચાર્યકુળના નિયામક તથા અકાદમીના સામયિક ‘કાલિદાસ’ના સંપાદક તરીકે કામગીરી કરે છે. સાહિત્યક્ષેત્રે તેમના વિશિષ્ટ પ્રદાન બદલ તેમનું ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે.

તેમના પુરસ્કૃત કાવ્યસંગ્રહ ‘પ્રતાનિની’માં અસ્ખલિત ભાષા-શૈલીમાં વિવિધ ભાવો પ્રગટ કર્યા છે. કવિએ છંદોના ઉપયોગ દ્વારા તેમની કુશળતાનું દર્શન કરાવ્યું છે. તેઓ શબ્દ અને અર્થના સુંદર સમન્વયથી ભાવસમૃદ્ધિ લાવવામાં સફળ રહ્યા હોવાથી સંસ્કૃતમાં લખેલી તેમની આ કૃતિનું આધુનિક ભારતીય કવિતામાં મહત્વનું સ્થાન લેખાય છે.

બળદેવભાઈ કનીજિયા