અવમૂલ્યન (devaluation) : દેશના ચલણના બાહ્ય મૂલ્યમાં સત્તાવાર રીતે કરવામાં આવતો ઘટાડો (devaluation). 1973 પહેલાં દુનિયાના મોટા ભાગના દેશો પોતાના ચલણનું મૂલ્ય સોનામાં અને અમેરિકાના ડૉલર જેવા વિદેશી ચલણમાં સત્તાવાર રીતે નક્કી કરતા. આ રીતે નક્કી કરવામાં આવતા ચલણના મૂલ્યમાં અવમૂલ્યનને પરિણામે દેશના ચલણના એક એકમનું મૂલ્ય સોના અને વિદેશી ચલણની તુલનામાં ઘટે છે.
1973 પછી દેશના ચલણના બાહ્ય મૂલ્યને કેટલાક દેશો માંગ અને પુરવઠાનાં બજારનાં પરિબળો દ્વારા નક્કી થવા દે છે. બજારનાં આવાં પરિબળોને પરિણામે પણ દેશના ચલણના બાહ્ય મૂલ્યમાં વધારો કે ઘટાડો થાય છે. તેને લીધે ચલણનું બાહ્ય મૂલ્ય ઘટે એ ઘટના માટે મૂલ્યહ્રાસ (depreciation) શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. અલબત્ત, પરિણામોની દૃષ્ટિએ અવમૂલ્યન અને મૂલ્યહ્રાસ વચ્ચે કોઈ તફાવત નથી.
દેશના લેણદેણના સરવૈયા પરની ખાધની ગંભીર સ્થિતિમાં સામાન્ય રીતે દેશના ચલણનું બાહ્ય મૂલ્ય અવમૂલ્યન કે મૂલ્યહ્રાસની પ્રક્રિયા દ્વારા ઘટે છે. ચલણનું બાહ્ય મૂલ્ય ઘટવાથી દેશના લેણદેણના સરવૈયા પરની ખાધ ઘટવાની કે નાબૂદ થવાની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ આ અપેક્ષા હમેશાં સંતોષાતી નથી.
અવમૂલ્યન રૂપિયાનું : આઝાદી પછી ભારતના રૂપિયાનું બે વખત અવમૂલ્યન કરવામાં આવ્યું હતું. પ્રથમ અવમૂલ્યન સપ્ટેમ્બર 1949માં કરવામાં આવ્યું હતું. એ સમયે ભારત ઇંગ્લૅન્ડ સાથે ગાઢ વ્યાપારી તેમજ નાણાકીય સંબંધો ધરાવતું હતું. ઉપરાંત તે એ સમયે ‘સ્ટર્લિંગ-વિસ્તાર’(Sterling Area)નું સભ્ય હતું. ઇંગ્લૅન્ડે પોતાના ચલણ પાઉન્ડ સ્ટર્લિંગનું સપ્ટેમ્બર 1949માં 3૦.5 ટકા અવમૂલ્યન કર્યું હતું. પાકિસ્તાનનો અપવાદ બાદ કરતાં સ્ટર્લિંગ વિસ્તારના બધા જ દેશોએ ઇંગ્લૅન્ડને અનુસરીને પોતાના ચલણનું અવમૂલ્યન કર્યું હતું. ભારતે પણ રૂપિયાનું અવમૂલ્યન કર્યું હતું. અવમૂલ્યન પહેલાં રૂ. 1 = ૦.268601 ગ્રામ શુદ્ધ સોનું હતું, તે અવમૂલ્યન પછી ઘટીને રૂ. 1 = ૦.18621૦ ગ્રામ શુદ્ધ સોનું થયું. એ જ રીતે અમેરિકાના ડૉલરમાં અવમૂલ્યન પહેલાં રૂ. 1 = 3૦.225 સેન્ટ હતા, તે ઘટીને 21.૦ સેન્ટ થયા; પરંતુ પાઉન્ડ સ્ટર્લિગમાં રૂપિયાનું મૂલ્ય પૂર્વવત્ (રૂ. 1 = 1 શિ. 6 પે.) રહ્યું.
રૂપિયાનું બીજું અવમૂલ્યન જૂન 1966માં કરવામાં આવ્યું હતું. 1956-57થી દેશમાં વિદેશી ચલણની કટોકટીનો પ્રારંભ થયો હતો. નિકાસો વધારવાના અને આયાતો ઘટાડવાના પ્રયાસો છતાં એ કટોકટીમાં રાહત સાંપડી ન હતી. તેથી જૂન 1966માં રૂપિયાનું મૂલ્ય ૦.186-21૦ ગ્રામ સોનાથી ઘટાડીને ૦.118-489 ગ્રામ સોનું કરવામાં આવ્યું. એ જ રીતે અમેરિકાના ડૉલરમાં રૂપિયાનું મૂલ્ય 21.૦ સેન્ટથી ઘટાડીને 13.33 સેન્ટ કરવામાં આવ્યું હતું. આમ સેન્ટમાં ગણતાં રૂપિયાનું 36.5 ટકા જેટલું અવમૂલ્યન કરવામાં આવ્યું હતું.
1973 પછી અપનાવવામાં આવેલી હૂંડિયામણના દર અંગેની પદ્ધતિમાં રૂપિયાના મૂલ્યને સોનામાં દર્શાવવામાં આવતું નથી, તેને માત્ર વિદેશી ચલણના એક એકમની રૂપિયામાં કિંમત દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. 1973 પછી રૂપિયાના બાહ્ય મૂલ્યમાં સમયાંતરે નિયંત્રિત રીતે ઘટાડો કરવામાં આવ્યો હતો. તેમાં 18 ટકા જેવો મોટો ઘટાડો નવી આર્થિક નીતિના એક ભાગ રૂપે 1991ના જુલાઈમાં (પહેલી અને ત્રીજી તારીખે) કરવામાં આવ્યો; જોકે તેને અવમૂલ્યન કહેવાને બદલે ‘સમાયોજન’ કહેવામાં આવ્યું હતું. હૂંડિયામણના દર અંગેની નીતિમાં એક મોટું પરિવર્તન 1993-94ના નાણાકીય વર્ષમાં કરવામાં આવ્યું. દેશના લેણદેણના સરવૈયાના ચાલુ વિભાગ પર રૂપિયાને રૂપાંતરીય બનાવવામાં આવ્યો અને રૂપિયાના બાહ્ય મૂલ્યને મહદંશે બજારનાં પરિબળો પર છોડવામાં આવ્યું. 1991 પછી બજારનાં પરિબળો નીચે રૂપિયાનું મૂલ્ય વિદેશી ચલણમાં ઘટતું રહ્યું છે. (હૂંડિયામણનો દર વધતો રહ્યો છે.) 1990-91માં અમેરિકાના એક ડૉલરની કિંમત રૂ. 17.94 હતી, 1991ના જુલાઈમાં ‘સમાયોજન’ પછી તે વધીને રૂ. 24.47 થઈ; માર્ચ 1993 સુધીમાં તે રૂ. 31.52 પર પહોંચી. એ પછી લગભગ બે વર્ષ રૂપિયાનું બાહ્ય મૂલ્ય જળવાઈ રહ્યું હતું પરંતુ 1995ના ઉત્તરાર્ધમાં ફરીથી રૂપિયાના મૂલ્યમાં ડૉલરની કિંમત વધીને રૂ. 35.૦7 થઈ હતી. 1997ના ઉત્તરાર્ધમાં થાઇલૅન્ડ, દ. કોરિયા, ઇન્ડોનેશિયા વગેરે પૂર્વ એશિયાના દેશોનાં ચલણોનું બાહ્ય મૂલ્ય ઘટતાં રૂપિયાના મૂલ્યમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો અને જાન્યુઆરી 1998માં એક તબક્કે ડૉલરની કિંમત રૂપિયામાં 4૦.25 જેવી ઊંચી સપાટી પર પહોંચી હતી. એ પછી રિઝર્વ બૅંકના કડક પગલાંના પરિણામે ડૉલરની કિંમત ઘટીને રૂ. 39ની આસપાસ થઈ હતી. એ પછીના સમયમાં ડૉલરની કિંમત રૂપિયામાં વધતી રહી છે. સપ્ટેમ્બર, 2૦૦૦માં ડૉલરની કિંમત રૂ. 46થી અધિક થવા પામી હતી.
અવમૂલ્યન ડૉલરનું : બીજા વિશ્વયુદ્ધ પછી જે આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી તેનાં બેત્રણ લક્ષણો નોંધપાત્ર હતાં : (1) આંતરરાષ્ટ્રીય નાણાભંડોળના સભ્ય દેશો તેમના ચલણનું બાહ્ય મૂલ્ય સોનામાં તેમજ અમેરિકાના ડૉલરમાં મુકરર કરતા હતા. (2) ચલણના આ બાહ્ય મૂલ્યને સામાન્ય રીતે સ્થિર રાખવામાં આવતું હતું. (3) જુદા જુદા દેશો વચ્ચેની ચુકવણીઓ મહદંશે અમેરિકાના ડૉલરમાં કરવામાં આવતી હતી અને આજે પણ કરવામાં આવે છે; તેથી દુનિયાના દેશો તેમની વિદેશી ચલણની અનામતોમાં મોટા પ્રમાણમાં ડૉલરનો સંગ્રહ કરતા હતા અને કરે છે. આની સામે અમેરિકાએ વિદેશોની નાણાકીય સત્તા (મધ્યસ્થ બૅંકો) પાસે રહેલા ડૉલરના બદલામાં, એક ઔંસ સોનાના 35 ડૉલરના ભાવે, સોનું આપવાની બાંયધરી આપી હતી. સોનાનું આ ડૉલરમૂલ્ય 1934માં નક્કી કરવામાં આવ્યું હતું. આ પ્રથામાં ડૉલર દુનિયાના અન્ય દેશોનાં ચલણોના બાહ્ય મૂલ્યનો માપદંડ હોઈ, ડૉલરનું પોતાનું મૂલ્ય સોનામાં સ્થિર રહે તે અપેક્ષિત હતું.
196૦ પછી અમેરિકાના લેણદેણના સરવૈયા પરની ખાધ વધતી ચાલી અને એને પરિણામે વિદેશોની મધ્યસ્થ બૅંકો તેમજ બીજી સંસ્થાઓ પાસે રહેલા ડૉલર વધતા ગયા. બીજી બાજુ ડૉલરના બદલામાં ચૂકવવા માટેનું સોનું અમેરિકા પાસે ઘટતું ગયું. આ પરિસ્થિતિમાં સોનામાં ડૉલરનું મૂલ્ય ટકાવી રાખવાની તેમજ ડૉલરના બદલામાં સોનું ચૂકવવાની અમેરિકાની શક્તિમાં અવિશ્વાસ વધતો ચાલ્યો. છેવટે ઑગસ્ટ 1971માં અમેરિકાએ વિદેશી મધ્યસ્થ બૅંકોને ડૉલરના બદલામાં સોનું ચૂકવવાની બાંયધરીનો ત્યાગ કર્યો અને 1971ના ડિસેમ્બરમાં ડૉલરનું અવમૂલ્યન કરવામાં આવ્યું. એક ઔંસ સોનાનું મૂલ્ય 35 ડૉલરથી વધારીને 38 ડૉલર (8.57 ટકા વધારો) કરવામાં આવ્યું.
જે સંજોગોએ 1971માં અમેરિકાને ડૉલરનું અવમૂલ્યન કરવાની ફરજ પાડી હતી તે એ પછી પણ ચાલુ જ રહી. સંજોગોના દબાણ હેઠળ ફરીથી અમેરિકાને ફેબ્રુઆરી 1973માં ડૉલરનું 1૦ ટકા અવમૂલ્યન કરવાની ફરજ પડી. એ સાથે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળના ઉપક્રમે બીજા વિશ્વયુદ્ધ પછી ઉદભવેલી આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાના એક પ્રમુખ લક્ષણનો અંત આવ્યો. હૂંડિયામણનો સત્તાવાર દર મુકરર કરીને તેને ટકાવી રાખવાની પ્રથાનો અંત આવ્યો. આજે અમેરિકા અને બીજા અનેક ઔદ્યોગિક દેશો પોતાના ચલણના બાહ્ય મૂલ્યને અંશત: બજારનાં પરિબળો દ્વારા નક્કી થવા દે છે. આ નીતિ હેઠળ ડૉલરનું મૂલ્ય પરિસ્થિતિ પ્રમાણે વધે-ઘટે છે.
રમેશ ભા. શાહ