અવર ટાઉન (1938) : અંગ્રેજી ત્રિઅંકી નાટક. મૂળે નવલકથાકાર થૉન્ર્ટન વાઇલ્ડરના આ બહુચર્ચિત નાટકે લેખકને બીજી વાર પુલિત્ઝર પારિતોષિક મેળવી આપેલું. ‘રોજિંદું જીવન’ નામના પહેલા અંકમાં તત્કાલીન ઇંગ્લૅન્ડના તાલુકામથક જેવા એક નાના નગરના લોકો રોજિંદું જીવન જીવી રહ્યા છે, જ્યારે પ્રોફેસર વિલાર્ડ અને તંત્રી વેબ એમના વિશે તાટસ્થ્યપૂર્ણ ટિપ્પણી કરે છે. નાટકના પ્રારંભમાં જ જોકે સ્ટેજ-મૅનેજરે પ્રેક્ષકો સાથે સીધો સંવાદ કરી આ શૈલીથી પ્રેક્ષકોને પરિચિત કરી દીધા હોય છે. ‘પ્રણય અને પરિણય’ નામના બીજા અંકમાં તંત્રીની પુત્રી એમિલી અને ડૉક્ટર મિલ્ઝનો પુત્ર જ્યૉર્જ પ્રણયથી પરિણયનો પંથ કાપે છે. ‘મૃત્યુ’ નામના ત્રીજા અંકમાં બાળકને જન્મ આપતાં એમિલી મૃત્યુ પામે છે અને એને નગરના કબ્રસ્તાનમાં દાટવામાં આવે છે. કબ્રસ્તાનમાં અગાઉ દટાયેલાં પૂર્વજો પોતપોતાને સાંપડેલી શાંતિની અને બ્રહ્માંડના સનાતન સંવાદ વિશેની સમજ એમિલીને આપે છે. કેટલાકના મતે આ નાટકમાં ભારતીય નાટ્યપ્રણાલીનો પ્રયોગ થયો છે. માનવજીવનની ઘટમાળ અને જીવનમૃત્યુ તથા કર્મના સિદ્ધાંતના ભારતીય ખ્યાલોની બહુ મોટી અસર આ નાટકમાં જણાય છે. જૅક હૅરી હૅરિસ દ્વારા આ નાટકની નાટ્યધર્મી રજૂઆતે અમેરિકન જીવનમૂલ્યોમાં પુન: શ્રદ્ધા સ્થાપી આપી હતી.

હસમુખ બારાડી