અવમંદન (damping) : દોલાયમાન (oscillating) વસ્તુ કે પ્રણાલીની કંપનગતિનું લુપ્ત કે શાંત થઈ જવું તે. કંપનો કે દોલનો અટકી જવાનું કારણ પ્રણાલીની ઊર્જાનો અપવ્યયકારી બળો મારફત થતો હ્રાસ છે; દાખલા તરીકે, ગતિમાં મૂકેલ લોલક છેવટે અટકી જાય છે; વસ્તુનાં કંપનો અટકી જતાં અવાજ શમી જાય છે અને પગની ઠેસથી ઊર્જા ઉમેરવામાં ન આવે તો ઝૂલતો હીંચકો રોકાઈ જાય છે. કંપાયમાન પ્રણાલી યાંત્રિક, ધ્વનિરૂપ કે એ.સી. વિદ્યુતપ્રવાહરૂપ વગેરે પ્રકારની હોઈ શકે. યાંત્રિક દોલનોનું અવમંદન ત્રણ રીતે શક્ય છે : (1) શ્યાનતા અવમંદન (ઘર્ષણ) : ગતિમાન વસ્તુ ઉપર આસપાસની પરિસ્થિતિ આ અવમંદન લાદે છે. અવમંદન કરનાર બળની માત્રા તરલમાં ગતિ કરતી વસ્તુની ગતિના વર્ગના સમપ્રમાણમાં હોય છે. (2) કુલોમ્બ અવમંદન : બે શુષ્ક સરકતી સપાટી વચ્ચેનું ઘર્ષણ અવમંદન પેદા કરે છે. (3) બંધારણીય અવમંદન : પ્રણાલીનું આંતરિક ઘર્ષણ અવમંદનની અસર ઉપજાવે છે.

વિદ્યુતપ્રણાલીમાં, દોલાયમાન વિદ્યુતપ્રવાહ પરિપથમાંના પ્રતિરોધકોમાં ઉષ્મા પેદા કરતાં ઊર્જાનો અપવ્યય થાય છે. યંત્રોની ધ્રુજારી ઘટાડવા, વૈજ્ઞાનિક ઉપકરણોના દર્શકો ત્વરિત સ્થિર કરવા, ગતિમાન વાહનોમાં વપરાતા આઘાતશોષકો વગેરે અવમંદનનાં અગત્યનાં ઉદાહરણો છે. સ્વયં બંધ થતાં બારણાં માટે વપરાતી યાંત્રિક પ્રયુક્તિ (mechanical device) અતિ-અવમંદનનો ઉપયોગ કરે છે. અવમંદનનો સિદ્ધાંત ઇલેક્ટ્રૉનિક્સમાં વ્યાપક ઉપયોગમાં છે.

સુરેશ ર. શાહ