અવન્તિસુન્દરીકથા (ઈ. સ. 65૦ની આસપાસ) : સંસ્કૃત કથા. આ કૃતિના લેખક મહાકવિ દંડી હોવાનું મનાય છે. દંડીની ત્રણ રચનાઓ ‘કાવ્યાદર્શ’ (અલંકારશાસ્ત્રની કૃતિ), ‘દશકુમારચરિત’ અને ‘અવન્તિસુન્દરીકથા’ છે; જોકે ‘અવન્તિસુન્દરીકથા’ના કર્તુત્વ વિશે વિવાદ ચાલુ છે, કારણ કે અત્યારે તે ઉપલબ્ધ નથી.
ગદ્યપદ્યાત્મક આ ‘કથા’માં સાત પરિચ્છેદ છે. મુખ્યત: ગદ્યમાં લખાયેલ આ કથામાં આરંભમાં પ્રાચીન કવિઓનું અનુષ્ટુપ છન્દમાં વર્ણન અને પછી સમસ્ત ‘કાદંબરી’નો સારાંશ, તથા વરરુચિ, શૂદ્રક મયૂર આદિની ઉપકથાઓનું વર્ણન છે.
‘દશકુમારચરિત’ દંડીનો સ્વતંત્ર ગ્રંથ નથી, પણ મૂળમાં તો ‘અવન્તિસુન્દરીકથા’નો ઉત્તર ભાગ છે એમ કેટલાક વિદ્વાનો માને છે. આ માન્યતાનો આધાર બંને ગદ્યકૃતિઓના કથાનકની અભિન્નતા તથા તે બંનેનો પૂર્વાપર સંદર્ભ છે. ‘અવન્તિસુન્દરીકથા’ કથાનકના પૂર્વભાગરૂપ, તો ‘દશકુમારચરિત’ ઉત્તરભાગરૂપ ગણાય છે.
ભગવતીપ્રસાદ પંડ્યા