અવન્તીપુર : કાશ્મીરના રાજા અવન્તિવર્માએ શ્રીનગરના અગ્નિખૂણે આશરે 29 કિમી. દૂર જેલમ નદીને કિનારે બાંધેલી રાજધાની. આ રાજધાનીના ભગ્નાવશેષોની વ્યવસ્થિત તપાસ બાકી છે. તેમાં દેખાતા અવન્તેશ્વરના શિવમંદિર તથા અવન્તીસ્વામીના વૈષ્ણવ મંદિરના ભગ્નાવશેષોને લીધે આ સ્થળ જાણીતું છે. અવન્તેશ્વરનું શિવાલય ઘણું તૂટી ગયું છે. તે મૂળ શિવપંચાયતન હોવાનું સમજાય છે. તેના બહારના પ્રાંગણનું માપ આશરે 72 મી. × 66 મી. છે, અને મંદિર આશરે 17 × 17 મી. જેટલું હતું. અવન્તીસ્વામીનું વૈષ્ણવ મંદિર તેના પ્રમાણમાં નાનું, પણ વધુ સારી રીતે સચવાયેલું પંચાયતનમંદિર છે.

ર. ના. મહેતા