અવધૂત સંપ્રદાય : પ્રાચીન ભારતમાં વેદકાળથી જાણીતો સંપ્રદાય. અવધૂત સંપ્રદાય ઉપનિષદોમાંથી નીકળેલો છે. તેનું બીજું નામ અતીત સંપ્રદાય છે. તેનો અનુયાયી સંસારને પેલે પાર જતો રહ્યો હોવાથી અતીત અને નાતજાતનાં બંધનોને અને શાસ્ત્રના વિધિનિષેધોને દૂર કર્યાં હોવાથી અવધૂત કહેવાય છે.
અવધૂતનું વર્ણન છેક ‘હંસોપનિષદ’, ‘અવધૂતોપનિષદ’ અને ‘પરમહંસોપનિષદ’ વગેરેમાં મળે છે. આ સંપ્રદાયના અનુયાયીઓ આખા ભારતમાં ઠેર ઠેર જોવા મળે છે. ગુજરાતમાં નર્મદાકિનારે અને ગિરનાર પર્વત પર અવધૂતો જોવા મળે છે.
અવધૂત સંપ્રદાયના અનુયાયીઓ મુખ્યત્વે ભગવાન શિવના ભક્તો હોય છે. બિહાર વગેરે પ્રદેશોમાં વિષ્ણુના ભક્તો પણ હોય છે, જ્યારે બ્રહ્મમંત્રની ઉપાસના કરનારા કેટલાક બ્રહ્માના ભક્તો પણ હોય છે. આનું કારણ એ છે કે ‘અવધૂતોપનિષદ’માં અવધૂત સંપ્રદાયના પ્રબોધક દત્તાત્રેયને માનવામાં આવ્યા છે; જે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણેની સંયુક્ત મૂર્તિરૂપ છે. કેટલાક અવધૂતો દત્તાત્રેયને પણ પોતાના ઉપાસ્ય દેવ માને છે. નાથ સંપ્રદાયના અવધૂતો દત્તાત્રેયે જેમને ઉપદેશ આપેલો તે ગોરક્ષનાથને પણ પોતાના ગુરુ માને છે. વળી 14મી સદીમાં રામાનુજ સંપ્રદાયમાં રામાનંદે નવા સુધારા દાખલ કરી જાતિ અને ધર્મના ભેદો દૂર કર્યા તેથી તેમના અનુયાયી અવધૂતો રામ અને હનુમાનની ઉપાસના કરનારા હોય છે.
અવધૂત સંપ્રદાયના અનુયાયીઓ નાતજાતનાં અને સંસારનાં બંધનોનો ત્યાગ કરે છે. પ્રકૃતિના બધા વિકારોને દૂર હડસેલે છે. તેઓ ખૂબ વિરક્ત હોય છે. ઓછામાં ઓછાં કપડાંનો ઉપયોગ કરે છે, મૌન રાખે છે, ધૂણો ધખાવે છે. મહાપાતકી સિવાયના બધા માણસો પાસેથી ભિક્ષા ગ્રહણ કરે છે. તેઓ કુદરતી અને સામાજિક બંધનો તોડી નાખીને જીવે છે. સંસારની આસક્તિને દૂર કરી વૈરાગ્ય ધારણ કરી કશા નિયમની પરવા કર્યા વગર સ્વેચ્છા મુજબ નિજાનંદમાં મસ્ત રહે છે. તેઓ અજગરની જેમ પડ્યા રહી આત્મચિંતનમાં મગ્ન રહે છે.
‘બ્રહ્મનિર્વાણતંત્ર’ મુજબ અવધૂતના ચાર પ્રકારો છે તેમાં બ્રહ્માવધૂત, શૈવાવધૂત, વીરાવધૂત અને કલાવધૂતનો સમાવેશ થાય છે. ‘ ૐ તત્સત્’ અને ‘સોઽહમસ્મિ’ – એ બ્રહ્મના મંત્રોનો વિચાર અને ઉપાસના કરનારાને અને શરીર પર તે મંત્ર ધારણ કરનારને ‘બ્રહ્માવધૂત’ કહે છે. તેઓ વૈરાગ્યથી આત્માને છાજે તેવું કાર્ય અનાસક્તિથી કરી, સંસારમાં જળકમળવત્ રહીને તત્વજ્ઞાન અને વિવેકથી આત્માનો ઉદ્ધાર કરે છે. તેઓ બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે ગમે તે વર્ણના અને ગૃહસ્થ કે સંન્યાસી કોઈ પણ આશ્રમના હોઈ શકે છે. ગૃહસ્થ બ્રહ્માવધૂતને પણ યતિ કે સંન્યાસી કહે છે. તેઓ બ્રહ્મને અર્પણ કરેલું અન્ન કે જળ જ ગ્રહણ કરે છે. જેનો પૂર્ણ અભિષેક થયો હોય અને શિવની જેમ જેની પૂજા કરવામાં આવતી હોય તેને ‘શૈવાવધૂત’ કહે છે. તેઓ વિધિપૂર્વક સંન્યાસ લીધેલા હોવાથી તેમનો પૂર્ણ અભિષેક કરવામાં આવે છે. તેઓ જટા વધારી મૌન રાખે છે તથા ધૂણો રાખે છે અને ઓછામાં ઓછાં વસ્ત્રો પહેરે છે. મોટેભાગે એકલું કૌપીન ધારણ કરે છે. તેઓ ચક્રને અર્પણ કરેલું અન્ન કે જળ જ ગ્રહણ કરે છે. તેઓને દેવ, ઋષિ અને પિતૃઓનાં કર્મો કરવાનો અધિકાર રહેતો નથી. બ્રહ્માવધૂતની જેમ શૈવાવધૂત ફક્ત શાસ્ત્રમાં વિધાન કર્યા મુજબ સંન્યાસની દીક્ષા લેવી, દાન લેવું, પાન સ્વીકારવું અને પત્નીનું રક્ષણ કરવું વગેરે કરે છે. ઓગણીસમી સદીમાં રામકૃષ્ણ પરમહંસને આના ઉદાહરણ તરીકે દર્શાવી શકાય; પરંતુ ધર્મશાસ્ત્રના દેવ, ઋષિ અને પિતૃઓના વિધિ કરવાનો તેમને અધિકાર હોતો નથી. વળી જે વીરની મૂર્તિના અને તત્વના જ્ઞાની હોય તે ‘વીરાવધૂત’ કહેવાય છે. તેઓ વાળ વધારે છે, પરંતુ વાળને છૂટા અને વેરવિખેર રાખે છે. ભસ્મ કે લાલ ચંદન શરીર પર ચોપડે છે અને અસ્થિની માળા તથા રુદ્રાક્ષ શરીર પર ધારણ કરે છે. તેઓ ખટવાંગ, ખોપરી, ડમરુ અને સહેજ પિંગળું વસ્ત્ર ધારણ કરે છે. તેઓ ચંદનથી કપાળમાં ચંદ્રક કરે છે. તેઓ કદાપિ મુંડન કરાવતા નથી. તેઓ કૌપીન ધારણ કરે છે અથવા દિગંબર પણ રહે છે. આ વીરાવધૂતો બંગાળ અને તેની આસપાસના પ્રદેશોમાં જોવા મળે છે. તેઓ સાથે એકતારો (તંબૂરો) રાખીને ગાય છે. તેમના કાનને ગુરુ વીંધે છે તેથી તેઓ ‘કાનફટા’ સંપ્રદાયના પણ કહેવાય છે. તેઓ હિંદીમાં ‘ગોરખવાણી’ નામનો ગ્રંથ ગાય છે, જેમાં સંસ્કૃતમાં લખાયેલી ‘અવધૂતગીતા’ની જેમ જ ગોરક્ષનાથને દત્તાત્રેયે આપેલો ઉપદેશ રજૂ થયેલો છે. બંને ગ્રંથો અવધૂત સંપ્રદાયના ગ્રંથો તરીકે માન્યતા પામેલા છે ગૃહસ્થાશ્રમમાં રહીને કૌલમાર્ગ અથવા તંત્રમાર્ગની દીક્ષા અપનાવે તેને ‘કુલાવધૂત’ કહે છે. તેઓ કોઈ વર્ણના ગૃહસ્થ જ હોય છે અને તંત્રશાસ્ત્રના નિયમો મુજબ રહેનારા હોય છે. તેઓ કોઈ વિધવા સ્ત્રીને પોતાની ધર્મદારા તરીકે રાખે છે અને દેવદેવીને મનુષ્ય કે પશુનો બલિ આપી સ્મશાનમાં રહે છે.
પાછળથી 14મી સદી પછી થયેલા રામાનંદના અનુયાયી અવધૂતો સ્ફટિકની માળા ધારણ કરે છે. તેઓ સતત ભ્રમણ કરતા હોવાથી ‘પરિવ્રાજક’ કહેવાય છે. વળી તેઓ હાથમાં જ ભિક્ષા લઈને આરોગતા હોવાથી ‘કરપાત્રી’ કહેવાય છે. એ બધી તેમની વિશિષ્ટતાઓ છે.
દત્ત સંપ્રદાયના અવધૂતો દત્તાત્રેયની જ ઉપાસના કરે છે અને તેમને જ અવધૂત કહે છે. નાથ સંપ્રદાયના યોગીઓ અને અવધૂતો પણ દત્તાત્રેયને આદરની દૃષ્ટિથી ગણનાપાત્ર સ્થાન આપે છે.
‘મુંડમાલાતંત્ર’ અવધૂતના ઘણા પ્રકારો આપે છે. અવધૂત (1) ગૃહસ્થ હોય, (2) ચિતાનુગ એટલે સંન્યાસી હોય, (3) વસ્ત્ર ધારણ કરનાર હોય, (4) દિગંબર હોય, (5) નસીબ મુજબ ફરનારો હોય, (6) સ્ત્રી સાથે વિહાર કરનાર હોય, (7) પોતાની પત્ની સાથેનો હોય, (8) બધી સ્ત્રીઓને પત્ની માનનારો હોય, (9) ઘરમાં રહેનારો હોય, (1૦) સ્મશાનમાં રહેનારો હોય વગેરે અનેક પ્રકારો તેમાં ગણાવવામાં આવ્યા છે.
‘મહાનિર્વાણતંત્ર’ મુજબ અવધૂતનો એક મહત્વનો પ્રકાર ‘ભક્તાવધૂત’નો છે. ભક્તાવધૂતો સ્ત્રીસંગ કરતા નથી; પરિગ્રહ પણ કરતા નથી. તેઓ પ્રારબ્ધ કર્મોને ભોગવતાં વિહાર કરે છે. તેમને શાસ્ત્રના કોઈ વિધિનિષેધ હોતા નથી. તેઓ નાતજાતને છોડી દે છે અને ગૃહસ્થનાં કાર્યો બજાવતા નથી. તેઓ નિરુદ્યમી અને આત્મભાવથી સંતુષ્ટ હોય છે. તેઓ આસક્તિ કે સંગ વગરના હોય છે. તેમને શોક કે મોહ થતા નથી. તેમનું કોઈ નક્કી રહેઠાણ હોતું નથી. તેઓ નિરુપદ્રવી અને સહનશીલ હોય છે. કોઈને ખાવાપીવાનું ન આપનારા, ધ્યાન અને ધારણા ન કરનારા અને દ્વંદ્વ વગરના હોય છે તેથી તેઓ મુક્ત અર્થાત્ મોક્ષ પામેલા હોય છે. આવા ભક્તાવધૂતનાં દર્શન કરવાથી, તેમને પગે લાગવાથી તથા તેમને ખુશ રાખવાથી બધાં તીર્થો કર્યાંનું પુણ્યફળ મળે છે, કારણ કે ભક્તાવધૂત સાક્ષાત્ શિવ અને શિવા (પાર્વતી) છે. ભક્તાવધૂત જો જ્ઞાનમાં દુર્બળ હોય તો તેણે બ્રહ્મપરાયણ બની ઉત્તમ જ્ઞાન મેળવવાની ભલામણ પણ અંતે કરવામાં આવી છે.
આ ભક્તાવધૂતના બે પેટાપ્રકારો પણ પ્રસ્તુત ગ્રંથમાં આપવામાં આવ્યા છે. તેમાં (1) પૂર્ણ અને (2) અપૂર્ણ ભક્તાવધૂતનો સમાવેશ થાય છે. પૂર્ણ ભક્તાવધૂત સર્વશ્રેષ્ઠ છે અને તેને ‘પરમહંસ’ કહે છે. જ્યારે અપૂર્ણ ભક્તાવધૂત ‘હંસ’ નામથી ઓળખાય છે અને તે પોતાનું રહેઠાણ બદલતો રહે છે. ભક્તાવધૂત શિવસ્વરૂપ હોઈ શિવની જેમ તેની પૂજા કરવામાં આવે છે અને કાલી દેવી તેના પર પ્રસન્ન રહે છે.
આ ભક્તાવધૂતના બીજા પણ પેટાપ્રકારો છે; જેમાં ભારતી, ગિરિ અને પુરિનો સમાવેશ થાય છે. શાસ્ત્રજ્ઞાની, જટાધારી, એક જ સ્થળે રહેનાર, જિતેન્દ્રિય, ઇષ્ટનું ધ્યાન ધરનાર અને સ્ત્રીરૂપને દેવી માનીને પૂજા કરનાર ભક્તાવધૂત ‘ભારતી’ કહેવાય છે. જ્યારે છૂટા વાળ રાખનાર, દિગંબર, હાથ ઊંચા રાખી તપ કરનાર, બધા તરફ સમષ્ટિ રાખનાર અને ઇષ્ટદેવીનું ધ્યાન ધરનાર ભક્તાવધૂત ‘ગિરિ’ કહેવાય છે. વળી ઠેર ઠેર પરિભ્રમણ કરનાર, દેવતાનું ધ્યાન ધરનાર, ગુરુની પૂજા કરનાર અને અંતર્યાગ (માનસિક યજ્ઞ) કરનાર ભક્તાવધૂત ‘પુરિ’ કહેવાય છે. આ અવધૂતોના અખાડા પણ હોય છે, જ્યાં અનેક અવધૂતો સાથે રહે છે. પ્રત્યેક અખાડાના ચોક્કસ નિયમો હોય છે. ગુજરાતના ડાકોરમાં આવો એક અખાડો દ્વારકાપીઠના શંકરાચાર્યની અધ્યક્ષતામાં ચાલે છે એ જાણીતું છે.
છેલ્લે, કેટલીક સ્ત્રીઓ પણ પુરુષ અવધૂતનો વેશ, ભસ્મ, રુદ્રાક્ષ વગેરે ધારણ કરી રહે છે. તેને ‘અવધૂતી’ કહે છે. એનો પણ અવધૂત સંપ્રદાયમાં જ સમાવેશ થાય છે. આવી અવધૂતીઓને ગંગાવધૂતીની પરંપરામાં રહેલી ગણવામાં આવે છે.
પ્ર. ઉ. શાસ્ત્રી