અવધાનવિદ્યા : ધ્યાન અને એકાગ્રતા વિશેની પ્રાચીન ભારતમાં ઉદભવેલી અઘરી વિદ્યા. મનુષ્યનું મન કે સ્મૃતિ એવાં છે કે મનુષ્ય એક જ ક્ષણે એક જ વસ્તુ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. ઘણું કરીને તે એક વસ્તુ યાદ કરે તે જ ક્ષણે તેની સાથે બીજી વસ્તુ યાદ કરી શકતો નથી, પરંતુ વારાફરતી વસ્તુઓ યાદ કરી શકે છે. બુદ્ધિશાળી અને મનનો વિકાસ ઇચ્છનારા મનુષ્યોએ પોતાનાં ધ્યાન અને એકાગ્રતાને અર્થાત્ અવધાનને વિકસાવવા પ્રયત્નો આદરી અવધાનની વિસ્મય પમાડે તેવી સિદ્ધિ મેળવી, તેથી તેવા મનુષ્યો અવધાની કે અવધાનવાળા કહેવાયા. આ અવધાન માણસમાં રહેલી કુદરતી એકાગ્રતાથી અનોખી છે. અવધાન એક જ ક્ષણે અનેક વસ્તુઓમાં માનવમનને જોડતી અદભુત શક્તિ કે કરામત છે. આવી કરામતને કેળવતી વિદ્યા અવધાનવિદ્યા છે. પ્રાચીન ભારતના ઋષિમુનિઓએ સિદ્ધ કરેલી આ વિદ્યા આજે પણ જળવાઈ રહી છે.

અવધાની જેટલી સંખ્યા સુધી અવધાન રાખી શકે તે મુજબ તેમને ઓળખવામાં આવે છે. પાંચ, સાત, દસ અને સો સુધી વસ્તુઓ એક જ ક્ષણે યાદ રાખી શકે તેમને અનુક્રમે ‘પંચાવધાની’, ‘સપ્તાવધાની’, ‘દશાવધાની’ અને ‘શતાવધાની’ એવા નામથી ઓળખવામાં આવે છે.

એમાં અવધાનીને બરડા પર એક જણ ટકોરા લગાવે, એ જ સમયે બીજો આંકનો ઘડિયો બોલે, ત્રીજો કોઈ કાવ્યના શ્ર્લોકો બોલે, ચોથો માથે હાથ ફેરવે, પાંચમો એક દાખલો બોલીને ગણતો હોય તે બધાને અમુક ક્ષણે એકસાથે અટકાવી દેવામાં આવે અને તે પછી બરડા પર કેટલા ટકોરા માર્યા, આંકના ઘડિયામાં તેને હવે શું બોલવાનું આવે, હવે પછી કયો શ્ર્લોક બોલવાનો છે, માથા પર કેટલી વાર હાથ ફેરવવામાં આવ્યો અને દાખલાનો જવાબ શો આવે તે અવધાની એક પછી એક સાચું કહી આપે તે ‘પંચાવધાની’ કહેવાય.

સામાન્ય માણસને આમાં જાદુ લાગે, પરંતુ તેમાં સતત અભ્યાસ કરીને પહેલાં બે અવધાન સિદ્ધ કરે, પછી ત્રણ, ચાર એમ ધીરે ધીરે વધારતા જવાનું હોય છે. છેલ્લે, ‘શતાવધાની’ બનવા માટે તો મનને ખૂબ જ કેળવવું આવશ્યક હોય છે. નળમાંથી સતત ટપકતું પાણી છેવટે પથ્થરમાં પણ ખાડો પાડી નાખે છે તેમ સતત અભ્યાસ એટલે એકની એક ક્રિયા વારંવાર કરતાં જ રહેવાથી મનુષ્ય અવધાની બની શકે.

આધુનિક મનોવિજ્ઞાનમાં પણ સો માણસોને એક પછી એક તેમનાં નામો પહેલાં બોલાવીને તે પછી તે બધાં જ ક્રમે ક્રમે સાચાં નામો કહી બતાવે છે એ પણ એકાગ્રતા અને યાદશક્તિનો એક પ્રકાર છે; પરંતુ અવધાનમાં તો એક જ ક્ષણે બધી ક્રિયાઓ શરૂ થાય અને એક જ સમયે બંધ થઈ જાય, એ પછી તે બધી વસ્તુઓનો અંતિમ પરિણામનો ભાગ કે ભાવિ ભાગ કહી આપવામાં આવે છે.

અવધાન યોગદર્શનની ક્રિયા છે. ચિત્તવૃત્તિ પરના નિરોધને મહર્ષિ પતંજલિએ યોગ કહ્યો છે. ચિત્તવૃત્તિ પર નિરોધ વૈરાગ્ય અને અભ્યાસ અર્થાત્ પુન: પુન: પ્રવૃત્તિ વડે થાય છે એમ પણ પતંજલિએ પોતે જ તેની પ્રાપ્તિના ઉપાયો બતાવ્યા છે. આઠ અંગોવાળા યોગનાં ધ્યાન અને સમાધિ એ બે અંગો ચિત્તવૃત્તિના નિરોધ વડે જ સિદ્ધ થાય છે. તેથી અભ્યાસ વડે અવધાન પ્રાપ્ત કરવાની સિદ્ધિ યોગી મનુષ્ય મેળવી શકે છે. ભગવદગીતા પણ ચંચળ અને મથી નાખનારા મનનો નિગ્રહ અભ્યાસ અને વૈરાગ્ય વડે થઈ શકે છે એમ પતંજલિ મહર્ષિને અનુસરીને પ્રબોધે છે. તેથી અવધાનવિદ્યા ભારતીય યોગી દાર્શનિકોની દેણ છે.

પ્ર. ઉ. શાસ્ત્રી