અવકાશ સંબંધી કાયદો : બાહ્યાવકાશમાંની પ્રવૃત્તિનું નિયમન કરતો આંતરરાષ્ટ્રીય કાયદો. આ પ્રકારના કાયદાનો પ્રારંભ વીસમી સદીની શરૂઆતમાં થયો. પ્રથમ વિશ્વયુદ્ધ (1914-1918) પહેલાં રાજ્યોનું પ્રાદેશિક સાર્વભૌમત્વ આકાશથી પાતાળ સુધી ગણાતું. આ સિદ્ધાંત 1919ના પૅરિસ સંધિનામામાં સ્વીકારાયો હતો; જોકે કેટલાંક રાજ્યો તેમાં સંમત નહોતાં. વિમાનવ્યવહારની બાબતમાં 1944માં શિકાગોમાં ‘બે સ્વાતંત્ર્યો’નાં તથા ‘પાંચ સ્વાતંત્ર્યો’નાં સંધિનામાં થયાં હતાં; જેમાં અન્ય રાજ્ય પરથી સતત ઉડ્ડયન તથા માલવહનનું તથા બિનવ્યાપારી હેતુસર કોઈક વખત ઉતરાણનું – એમ બે સ્વાતંત્ર્યો મુખ્ય ગણાયાં. બાકીનાં ત્રણ સ્વાતંત્ર્યો માલવહન માટેનાં હતાં. તેમાં દરેક રાજ્યનો વિમાનવ્યવહારના માર્ગો નક્કી કરવાનો, યોગ્ય વ્યાપારી સેવા લેવાનો તથા મંજૂરી પાછી ખેંચવાનો અધિકાર સ્વીકારાયો હતો.
1961માં સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાએ નીચેના સિદ્ધાંતો સર્વાનુમતે સ્વીકાર્યા : (1) સંયુક્ત રાષ્ટ્રોના હક્કનામા સહિતનો આંતરરાષ્ટ્રીય કાયદો બાહ્યાવકાશ તથા અવકાશી પદાર્થોને લાગુ પડે છે. (2) બાહ્યાવકાશ તથા અવકાશી પદાર્થો કોઈની માલિકીને પાત્ર નથી. તેમનો ઉપયોગ તથા તેમનું સંશોધન સમગ્ર માનવજાતના લાભાર્થે કરવા બધાં રાજ્યો મુક્ત છે.
બાહ્યાવકાશમાંની પ્રવૃત્તિને લગતા નિયમો, સંધિઓ વગેરેનું કાર્ય સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાની ‘બાહ્યાવકાશના શાંતિમય ઉપયોગો પરની સમિતિ’ (Committee on the Peaceful Uses of Outer Space) કરે છે. ઉપગ્રહ છોડતાં પહેલાં તેની વિગતો આ સમિતિને આપવી આવશ્યક હોય છે. ઉપગ્રહની નોંધણી રાષ્ટ્ર સંઘના સેક્રેટરી જનરલ કરે છે. 1967ની ‘અવકાશ સંધિ’ અન્વયે અવકાશી પ્રવૃત્તિની સૂચના રાજ્યોએ સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ તથા જનતાને આપવાની અને બીજાં રાજ્યોને નુકસાન ન થાય તેની તકેદારી રાખવાની હોય છે. ઉપગ્રહો પરથી થતાં પ્રસારણોનું નિયંત્રણ ‘આંતરરાષ્ટ્રીય દૂરસંચાર ઉપગ્રહ સંગઠન’ (International Telecommunications Satellite Consortium) કરે છે. દરેક રાજ્યને ‘વિશ્વસંચાર ઉપગ્રહ પદ્ધતિ’ (Global Communication Satellite System)નો પક્ષપાતરહિત ઉપયોગ કરવાનો હક્ક છે તથા પોતાના હવાઈ અવકાશમાં નુકસાનકારક રેડિયોતરંગોનું પ્રસારણ અટકાવવાનો પણ હક્ક છે. વળી બીજાં રાજ્યોને નુકસાનકારક હોય તેવા રેડિયોતરંગોના પ્રસારણ માટે પોતાના પ્રદેશનો ઉપયોગ અટકાવવાની જે તે રાજ્યની ફરજ છે.
1963ની ‘મૉસ્કો સંધિ’ અન્વયે વાતાવરણમાં બાહ્યાવકાશમાં કે પાણી નીચે અણુશસ્ત્રના અખતરા કરવાની મનાઈ છે.
1967ની ‘બાહ્યાવકાશ સંધિ’ અથવા ‘ચંદ્ર અને બીજા અવકાશી પદાર્થો સહિત બાહ્યાવકાશના સંશોધન અને વપરાશ પરની સંધિ’ મુજબ એવું નક્કી થયું છે કે બાહ્યાવકાશ બધાં રાજ્યો માટે સંશોધન તથા ઉપયોગ માટે મુક્ત રહેશે. તેમાંની પ્રવૃત્તિઓ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી માટે હશે. ત્યાં અણુશસ્ત્રવાળી કોઈ વસ્તુ રખાશે નહિ. ત્યાં લશ્કરી થાણાં, કિલ્લા, શસ્ત્રપરીક્ષણ કે લશ્કરી હિલચાલો થશે નહિ. અંતરીક્ષયાત્રીઓને માનવજાતના દૂતો ગણેલા હોવાથી તેમને અકસ્માત કે કટોકટીમાં ફરજિયાત ઉતરાણ વખતે શક્ય તેટલી બધી મદદ કરવાની રહેશે. અવકાશી પ્રવૃત્તિઓથી બીજાં રાજ્યોને થયેલ નુકસાન માટે પ્રવૃત્તિકર્તા રાજ્ય જવાબદાર રહેશે અને ચંદ્ર તથા અવકાશી પદાર્થો પરનાં યાનો સંધિકર્તા દેશોની તપાસને પાત્ર રહેશે.
વિમાનો પર થતા ગુનાઓ બાબતમાં 1963ના ટોકિયો સંધિનામાથી નક્કી થયું કે ગુનેગારોને શિક્ષા થવી જ જોઈએ. આવા ગુના પ્રત્યર્પણ(extradition)ને પાત્ર છે. 1971ના હેગ સંધિનામા મુજબ નાગરિક વિમાનનો ગેરકાયદેસર કબજો કે અપહરણ કરનાર જ્યાં પકડાય ત્યાં તેને શિક્ષા થાય અથવા તેનું પ્રત્યર્પણ હકૂમતવાળા દેશમાં થાય.
હજી રાજ્યોના અવકાશી સાર્વભૌમત્વની હદ બાબતમાં સર્વસંમતિ સધાઈ નથી. સામાન્ય રીતે જેટ વિમાનની ગુરુતમ ઊંચાઈની હદ અને ઉપગ્રહની સળગ્યા વગરની લઘુતમ પરિભ્રમણની હદ વચ્ચે ક્યાંક સાર્વભૌમત્વની સીમા રહેલી હોય છે અને તે જમીન પરથી 80.50થી 483 કિમી.ની ઊંચાઈ સુધીની ગણાય છે. 1982ના સંયુક્ત રાષ્ટ્રોના ‘બાહ્યાવકાશ સંશોધન અને ઉપયોગ’ પરના ‘વિયેના સંમેલન’ના અભિપ્રાય મુજબ બાહ્યાવકાશમાંની બધી પ્રવૃત્તિઓ પર કાયદાકીય નિયંત્રણો શક્ય નથી.
બાહ્યાવકાશમાંની પ્રવૃત્તિઓનું સંકલન મુખ્યત્વે નીચેની સંસ્થાઓ કરે છે :
1. બાહ્યાવકાશના શાંતિમય ઉપયોગની સમિતિ (Committee on the Peaceful Uses of Outer Space)
2. આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘ (International Telecommunication Union)
3. આંતરરાષ્ટ્રીય દૂરસંચાર ઉપગ્રહ સંઘ (International Telecommunications Satellite Organisation)
4. અવકાશસંચારની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ અને સંઘ (International System and Organisation of Space Communication)
છોટાલાલ છગનલાલ ત્રિવેદી