અલ ગીઝા : ઇજિપ્તના પાટનગર કેરોનું ઉપનગર, તે જ નામ ધરાવતો પ્રાંત તથા પ્રાંતનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 30° 01´ ઉ. અ. અને 31° 13´ પૂ. રે.. ગીઝાનો પ્રાંત 85,153.20 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વસ્તીમાં તે ઇજિપ્તના કેરો અને ઍલેક્ઝાન્ડ્રિયા પછી ત્રીજા ક્રમે આવે છે. આ શહેર કેરોથી માત્ર 5 કિમી. દૂર નાઇલ નદીના પશ્ચિમ કિનારે વસેલું છે.

અલ ગીઝાનું ભૂપૃષ્ઠ નાઇલ નદીના હેઠવાસના ખીણપ્રદેશથી બનેલું છે. અહીં મુખ્યત્વે સૂકી આબોહવા પ્રવર્તે છે. શિયાળા અને ઉનાળાનાં સરેરાશ તાપમાન અનુક્રમે 13° સે. અને 28° સે. જેટલાં રહે છે. વરસાદ ઓછો અને અનિયમિત રહે છે. અહીં વરસાદનું પ્રમાણ માત્ર 28 મિમી. જેટલું જ રહે છે.

આ શહેરમાં સુતરાઉ કાપડની મિલ, ચર્મ અને ફિલ્મ-ઉદ્યોગ વિકસેલા છે. સિગારેટનું એક મોટું કારખાનું છે તથા અનાજના વેપારનું તે અગ્રગણ્ય કેન્દ્ર છે. ગીઝાનાં કારખાનાંઓમાં ઈંટો, રસાયણો, સિગારેટ, યાંત્રિક ઓજારોનું ઉત્પાદન લેવાય છે.

અહીં પિરામિડો ઉપરાંત ઓરમાન વનસ્પતિઉદ્યાન, સંગ્રહસ્થાન, 50 એકરથી વધુ વિસ્તારમાં પથરાયેલો પ્રાણીબાગ, ખેતીવાડીનું સંગ્રહાલય તથા સ્ફિંક્સનું બાવલું વગેરે જોવાલાયક છે. કેરો યુનિવર્સિટી(1924)નો મુખ્ય વિસ્તાર ગીઝામાં આવેલો છે.

Giza Plateau - Great Sphinx with Pyramid

સ્ફિંક્સ અને પિરામિડ, ઇજિપ્ત

સૌ. "Giza Plateau - Great Sphinx with Pyramid of Khafre in background" | CC BY-SA 4.0

ગીઝા શહેરની પશ્ચિમે 8 કિમી. દૂર ત્રણ પ્રાચીન પિરામિડ અને સ્ફિંક્સનું બાવલું આવેલાં છે. પિરામિડનો રચનાકાળ ઈ. પૂ. 2613–2494 અને સ્ફિંક્સનો રચનાકાળ ઈ. પૂ. 2500ની આસપાસનો છે. પિરામિડો તેમના સમતોલ રચનાકૌશલ્ય અને બાંધણી માટે જગપ્રસિદ્ધ છે. ગીઝાના પિરામિડો અદભુત છે, તેમાં આશરે 1 ટન વજનની એક, એવી 23,00,000 પાષાણ-શિલાઓ ઉપયોગમાં લેવાયેલી છે.

ઇજિપ્તના ચોથા રાજવંશના બીજા રાજા ‘ખુફુ’(ચિયોપ્સ)ને અહીં દફનાવવામાં આવેલો છે. ખુફુ અથવા ગ્રેટ પિરામિડ નામથી ઓળખાતા આ પિરામિડની એક બાજુ 270 મીટર લાંબી છે, તેની મૂળ ઊંચાઈ 147 મીટર હતી, હવે તે 135 મીટર છે. તેમાં 20 લાખ પાષાણ-શિલાઓ (દરેકનું વજન 2.3 ટન) વપરાયેલી છે અને તેનો તળભાગ 5 હેક્ટર જેટલો વિસ્તાર આવરી લે છે. આ પિરામિડમાંથી ગ્રૅનાઇટ પાષાણની શબપેટીઓ તથા અન્ય રાચરચીલું મળી આવ્યાં છે. ખફ્રે પિરામિડની એક બાજુ 188 મીટર છે, જ્યારે તેની મૂળ ઊંચાઈ 99 મીટર હતી. ખફ્રે (સેફરન) ચોથા રાજવંશના આઠ રાજાઓ પૈકીનો ચોથો રાજા હતો. અહીં મેનકૌરે(માઇસેરિનસ)નો પણ એક પિરામિડ છે. તે ચોથા રાજવંશનો છઠ્ઠો રાજા હતો. આ પિરામિડની એક બાજુ 77 મી. લાંબી છે અને તેની ઊંચાઈ 55 મીટરની છે. કહેવાય છે કે અહીંના પિરામિડોમાંથી ઘણી વસ્તુ ચોરાઈ ગયેલી છે અથવા પરદેશી સંગ્રહસ્થાનોમાં સ્થાન પામેલી છે. બૃહત્ કેરો વિસ્તારમાં સમાવિષ્ટ થતા ગીઝાના પિરામિડો દુનિયાની સાત અજાયબીઓ પૈકીની એક ગણાય છે.

પિરામિડ, ઇજિપ્ત

સ્ફિંક્સના વિરાટકાય શિલ્પમાં મુખ મનુષ્યનું અને બાકીનું શરીર સિંહનું છે. તેની લંબાઈ 58 મી. અને ઊંચાઈ 20 મી. જેટલી છે. તે એક અખંડ ખડક-શિલામાંથી કંડારાયેલું છે. સ્ફિંક્સના બાવલાની નજીકમાં ત્રણ કિમી. વિસ્તાર ધરાવતા પ્રાચીન શહેરના અવશેષો મળી આવેલા છે. આ પ્રાચીન અવશેષોને કારણે તેનો પ્રવાસી મથક તરીકે વિકાસ થયો છે.

ગીઝા ઇજિપ્તના પાટનગર કેરોનું ઉપનગર છે. તેનું મૂળ અરબી નામ ‘અલ જિઝાહ’ છે. નાઇલ નદીના કાંઠે મકાનોની હારમાળા જોવા મળે છે. નદી પર ગીઝા તેમજ કેરો અને રોડાના ટાપુને જોડતા પુલ આવેલા છે. નદીકિનારા પરના સિલ્વર કોસ્ટ વિભાગમાં વૈભવશાળી આવાસો માટેની ઇમારતો, મોટાં મકાનો તથા વિદેશી એલચી કચેરીઓ આવેલ છે. ગીઝામાં શ્રીમંત ઇજિપ્તનિવાસીઓ, ધંધાદારીઓ અને વિદેશી રાજદ્વારીઓ વસે છે. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં નોકરીની ખોજમાં શ્રમિકો આવે છે.

1999 મુજબ ગીઝા પ્રાંતની વસ્તી  47,79,865 છે; જ્યારે શહેરની વસ્તી 1996 મુજબ 23,26,000 જેટલી છે.

શિવપ્રસાદ રાજગોર

ગિરીશભાઈ પંડ્યા