અલ ગ્રેકો (El Greco) (જ. 1541, ક્રીટ; અ. 1641, સ્પેન) : સોળમી અને સત્તરમી સદી દરમિયાનના સ્પેનના સૌથી વધુ મહત્ત્વના ચિત્રકાર તથા સ્પેનમાં મૅનરિઝમ શૈલીના પ્રખર પુરસ્કર્તા. મૂળ નામ ડૉમેનિકોસ થિયૉટોકોપુલી. ગ્રીસની દક્ષિણે આવેલા ક્રીટ ટાપુ પર તેમણે બાયઝેન્ટાઇન પરંપરામાં ચિત્રકળાની તાલીમ લીધી હતી. આ તાલીમ બાદ ઇટાલીના વેનિસ નગરમાં જઈ પ્રખ્યાત ચિત્રકાર ટિશ્યોં (Titian) પાસે વધુ તાલીમ લીધી. 1570 પછી તે રોમ ગયા. અહીં સિસ્ટાઈન ચૅપલની છત પર માઇકલૅન્જેલોના ચિત્ર ‘લાસ્ટ જજમેન્ટ’ ઉપર ફરીથી ચિત્રણા કરવાની દરખાસ્ત મૂકતાં તે ઇટાલિયન સમાજમાં અપ્રિય થઈ પડ્યા અને સ્પેન ચાલ્યા ગયા. અહીં તેઓ ટૉલેડો નગરમાં સ્થિર થયા અને ઇટાલીનિવાસ દરમિયાન આત્મસાત્ કરેલ ટિશ્યોં, ટિન્ટોરેટો, માઇકલૅન્જેલો અને જૅકૉપો બાસાનોની શૈલીઓના મિશ્રણમાં ચિત્રો સર્જવાં શરૂ કર્યાં. અલ ગ્રેકોનાં ચિત્રોની મુખ્ય લાક્ષણિકતાઓમાં વેનેશિયન રેનેસાંની શૈલીથી વિપરીત કૃત્રિમ વાતાવરણ, ઝબકારા મારતો અને ચમકતો પ્રકાશ, વધુ પડતી લંબીકૃત (elongated) માનવ આકૃતિઓ, તથા વધુ પડતા ઘેરા-તીવ્ર રંગોનો સમાવેશ થાય છે.

El greco

અલ ગ્રેકો

સૌ. "El greco" | CC BY-SA 3.0

અલ ગ્રેકોનાં ચિત્રોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય : 1 . ધાર્મિક અને પૌરાણિક કથાઓ પર આધારિત, તથા 2 . વ્યક્તિચિત્રો (portraits). પ્રથમ ભાગનાં ચિત્રોમાં ‘ધ ડિસ્રોબિંગ ઓવ્ ક્રાઇસ્ટ’, ‘ધ પ્યુરિફિકેશન ઑવ્ ધ ટેમ્પલ’, ‘વિઝન ઑવ્ સેંટ જૉન’, અને ‘લાઓકૂન’ જેવાં ચિત્રો સમાવેશ પામે છે. અલ ગ્રેકોનાં ચિત્રો તીવ્ર મનોભાવો અને આધ્યાત્મિક વાતાવરણને કારણે વિરલ ગણાય છે. તેમને ટોલેડોનાં ચર્ચો અને ધાર્મિક સંગઠનો દ્વારા ચિત્રો સર્જવાનું કામ સતત મળતું રહ્યું. પરંતુ તેમના કોઈ શિષ્યો ન હતા કે ન તો તેમણે સર્જેલી પ્રણાલી આગળ ધપાવનાર કોઈ ચિત્રકાર હતો. મૃત્યુ પછી અલ ગ્રેકો પૂરી અઢી સદી સુધી ભુલાઈ ગયા. છેક 19મી સદીના અંતમાં અને 20મી સદીના આરંભમાં આધુનિક કલાકારો અને વિશેષ તો અભિવ્યક્તિવાદીઓએ તેમની કલામાં લાગણી અને મનોભાવોની અભિવ્યક્તિની પ્રચંડ શક્તિ, આકૃતિઓનું વિકૃતીકરણ (distortion) તથા અમૂર્તતા તરફનો ઝોક જોઈ તેમને જગતમાં ફરીથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી.

અમિતાભ મડિયા