અલ્-હમ્-બ્રા : સ્પેનના ગ્રેનેડા શહેરમાં આવેલો કિલ્લેબંધ મહેલ. લાલ પથ્થર(હમ્બ્ર)થી બનેલો હોવાને કારણે એને અલ-હમ્-બ્રા કહે છે. સ્પેનના ઉમય્યા વંશના સુલતાન અલ્-ગાલિબે આ અત્યંત ખૂબસૂરત ઇમારત બંધાવેલી અને પછીના મૂરવંશના સુલતાનોએ તેને સજાવીને ભવ્ય બનાવી હતી. ઊંચી ટેકરી પર રચાયેલ આ ઇમારત મૂળ સ્થાપત્યનો ગણનાપાત્ર નમૂનો છે.
તેનો બાહ્ય દેખાવ ઘણો સાદો છે, પણ અંદરનો દેખાવ અનુપમ છે અને તે વૈભવી અને વિલાસી રાજાઓના રહેઠાણ અને તેના રાણીવાસનો ખ્યાલ આપે છે. કાષ્ઠ અને પ્લાસ્ટર જેવી અલ્પાયુ વસ્તુઓમાંથી તેનું સર્જન થયું છે. તેના અનેક ખંડો, દીવાનખાનાં, દરબાર, સ્નાનગૃહો અને બીજા ઉપયોગી આવાસોમાં સૌથી વિશેષ જાણીતો સાલા દ લા બાર્કા છે. આ નામ તેની છત પરથી આપવામાં આવ્યું લાગે છે. બાર્કાનો અર્થ સ્પૅનિશ ભાષામાં હોડી થાય છે અને આ છત ઊંધી પાડેલી હોડી જેવી છે. રાજદૂતો માટેનો ખંડ વિશાળ અને મનોહર છે. સિંહદરબારમાં બાર નાના સિંહોની પીઠ પરથી ઊડતો જલ-ફુવારો છે. આ સિંહો આરસપહાણમાંથી કંડારેલા છે. તેની બે બાજુએ સફેદ આરસના 124 સ્તંભો પર બાંધેલો કમાનદાર રવેશ છે. વિવિધ પ્રકારનાં સુશોભનો અને અલંકરણોથી શોભતી કમાનો અને છતો જોનારને આનંદવિભોર કરે છે. વળી ક્યુફિક અને નકસી વર્ણમાલામાં કોતરેલા લેખો આ સુશોભનમાં મોટા આકર્ષણરૂપ છે. આ લેખો મોટેભાગે સ્થાપત્ય અને સ્થપતિની પ્રશસ્તિરૂપ છે, પરંતુ તેમાં સૌથી વધુ લેખોમાં ‘અલ્લાહ જ એક માત્ર વિજેતા છે’ – એ સૂત્ર કોતરેલું હોય છે.
એહમદહુસેન નૂરમોહંમદ કુરેશી