અલ્સ્ટર

January, 2001

અલ્સ્ટર (Ulster) : આયર્લૅન્ડના ચાર પ્રાંતો પૈકીનો એક. ભૌગોલિક સ્થાન : તે 54° 35´ ઉ. અ. અને 7° 00´ પ.રે.ની આજુબાજુનો 21,778 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે નવ પરગણાંનો બનેલો છે; આ નવ પૈકીનાં છ પરગણાં યુ.કે.ના ભાગરૂપ ઉત્તર આયર્લૅન્ડનાં અને ત્રણ પરગણાં આયર્લૅન્ડ પ્રજાસત્તાકનાં છે. છ પરગણાંમાં ઍન્ટ્રિમ, આર્મેઘ, ડાઉન, ફર્માનેઘ, લંડનડેરી અને ટાઇરોન તથા ત્રણ પરગણાંમાં કૅવન, ડોનેગલ અને મોનેઘનનો સમાવેશ થાય છે. બેલફાસ્ટ એ અલ્સ્ટરનું મોટામાં મોટું શહેર છે.

અલ્સ્ટર

ભૂપૃષ્ઠ : અલ્સ્ટરની પશ્ચિમ અને ઉત્તરે ઍટલૅંટિક મહાસાગર, ઈશાન અને પૂર્વ તરફ ઉત્તરની ખાડી તેમજ આયરિશ સમુદ્ર તથા અગ્નિ, દક્ષિણ અને નૈર્ઋત્ય તરફ આયર્લૅન્ડનો ભૂમિભાગ આવેલાં છે. તેનું પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર અનુક્રમે 214 કિમી. અને 174 કિમી. જેટલું છે.

અલ્સ્ટરનો ઈશાન ભાગ બેસાલ્ટ બંધારણવાળા ઍન્ટ્રિમ ઉચ્ચપ્રદેશથી બનેલો છે. ઍન્ટ્રિમનો ઉચ્ચપ્રદેશ ઍન્ટ્રિમની ખીણોથી છેદાયેલો છે. ખીણોમાંથી ઈશાન તરફ વહી જતી નદીઓ સમુદ્રને જઈ મળે છે. ઍન્ટ્રિમના ઉત્તર કાંઠા પર જાયન્ટ્સ કૉઝ્વે તરીકે જાણીતા બનેલા, બેસાલ્ટના સ્તંભોની શ્રેણી જોવા મળે છે. ઍન્ટ્રિમ અને લંડનડેરીનો દરિયાકિનારો પર્વતોથી તેમજ બેસાલ્ટ અને ચૂનાખડકની ભેખડોથી બનેલો છે. ફર્માનેઘનું પેટાળ પણ ચૂનાખડકોથી બનેલું છે. ડોનેગલનો ઉત્તર વિભાગ ખાબડખૂબડ પર્વતોથી, જ્યારે દક્ષિણ ભાગ ઓછો અસમતળ છે અને કિનારા લાંબા રેતપટથી બનેલા છે. લંડનડેરી અને ટાઇરોનની સીમા પર સ્પેરન પર્વતો આવેલા છે. દક્ષિણ ડાઉનમાં ગ્રૅનાઇટનાં શિખરોવાળા મૉર્ન પર્વતો છે. મૉર્ન પર્વતોનું ઊંચામાં ઊંચું સ્થળ 848 મીટરની ઊંચાઈ ધરાવે છે.

ઍન્ટ્રિમના ઉચ્ચપ્રદેશીય થાળામાં, આયર્લૅન્ડનું મોટામાં મોટું ગણાતું નિયાઘ સરોવર આવેલું છે. મૉર્ન પર્વતોમાંથી નીકળતી બાન નદી નિયાઘ સરોવરમાંથી પસાર થઈને ઉત્તર તરફ વહે છે અને દરિયાને મળે છે. અન્ય નદીઓમાં ફૉયલ, અર્ન અને લાગાનનો તથા સરોવરોમાં ફૉયલ, ઉત્તર અર્ન અને દક્ષિણ અર્ન તેમજ સ્ટ્રૅન્ગફૉર્ડનો સમાવેશ થાય છે.

આબોહવા : અલ્સ્ટરનાં જુલાઈ અને જાન્યુઆરીનાં સરેરાશ વાર્ષિક તાપમાન અનુક્રમે 14.5° અને 4° સે. જેટલાં રહે છે. અલ્સ્ટરનો સરેરાશ વાર્ષિક વરસાદ 810 મિમી. જેટલો છે, જ્યારે પશ્ચિમ તરફ 2000 મિમી.થી પણ વધારે પડે છે.

અર્થતંત્ર : અલ્સ્ટરના મોટાભાગના ઉદ્યોગો તેના પૂર્વભાગમાં સંકેન્દ્રિત થયેલા છે. તેમાં લિનન અને જહાજ-બાંધકામના પરંપરાગત ઉદ્યોગોનો પણ સમાવેશ થઈ જાય છે. અલ્સ્ટરમાં તાજેતરમાં વિકસેલા ઉદ્યોગોમાં વિમાનો, ચિનાઈ માટીનાં વાસણો, હળવી યંત્રસામગ્રી, રસાયણો, પગરખાં, વીજાણુ સાધનો અને તેમના પુરજા, રાચરચીલું, દૂરતટીય ખનિજ-તેલ કાઢવા માટેનાં જરૂરી સાધનો, પ્રયોગશાળામાં વપરાતાં કાચનાં પાત્રો, પ્રકાશીય સાધનો, કાપડ, ટાઇલ્સ અને ટાયર બનાવવાના ઉદ્યોગોનો સમાવેશ થાય છે. વળી ખાદ્યપેદાશો તેમજ દૂધની પેદાશોના પીણાંના પ્રક્રમણના તથા ઇજનેરી ઉદ્યોગોના એકમો પણ છે. બેલફાસ્ટ અહીંનું મુખ્ય વિક્રય-કેન્દ્ર (shopping centre) તેમજ મુદ્રણમથક પણ છે.

દક્ષિણ અને પશ્ચિમ અલ્સ્ટરમાંના 50 % ઉદ્યોગો ડોનેગલમાં આવેલા છે. રંગીન ઊની કાપડ અને ગાલીચા માટે ડોનેગલ જાણીતું છે. મોનેઘનમાં કપડાં, રાચરચીલું અને પ્રક્રમિત ખાદ્યપેદાશો; જ્યારે કૅવાનમાં પ્રક્રમિત ખાદ્યપેદાશો, લોહપોલાદની પેદાશો તથા વીજ-ટ્રાન્સફૉર્મરોનું ઉત્પાદન થાય છે.

અલ્સ્ટરમાં જવ, ઓટ અને બટાટાની ખેતી થાય છે. અહીંના લોકો ઢોર, ડુક્કર અને મરઘાં-બતકાં પાળે છે. અલ્સ્ટરના પ્રજાસત્તાક વિભાગમાં ખેડૂતો ઘેટાંનો ઉછેર પણ કરે છે. મોનેઘન પરગણું આખા આયર્લૅન્ડનું મરઘાં-બતકાં માટેનું મુખ્ય કેન્દ્ર બની રહેલું છે. ડોનેગલમાં આવેલું કિલીબેગ્ઝ મુખ્ય મત્સ્યબંદર છે.

અલ્સ્ટરનાં મુખ્ય બંદરો (બેલફાસ્ટ અને લાર્ન) ઇંગ્લૅન્ડ, વેલ્સ અને સ્કૉટલૅન્ડનાં ઘણાં બંદરો સાથે મુસાફરોની અવરજવર તેમજ માલની હેરફેર માટે સંકળાયેલાં છે. અહીંના આલ્ડરગ્રોવ હવાઈ મથકેથી યુરોપ અને યુ.એસ. માટે ઉડાન કરાય છે. અલ્સ્ટરમાં રેલમાર્ગોની પણ સુવિધા છે.

વસ્તી–લોકો : અલ્સ્ટરની કુલ વસ્તી 2,32,300 (2000 મુજબ) જેટલી છે.  અહીંના મોટાભાગના લોકો ઇંગ્લિશ, સ્કૉટિશ કે જૂના આયરિશ-વંશજો છે. ઘણાખરા પ્રૉટેસ્ટન્ટ છે. ઉત્તર આયર્લૅન્ડમાં પ્રૉટેસ્ટંટોનું પ્રમાણ 66 % જેટલું છે. મુખ્ય પ્રૉટેસ્ટંટ પંથીઓ પ્રૅસ્બિટેરિયનો છે, બાકીના આયર્લૅન્ડ ચર્ચના અને મેથડિસ્ટ છે. આ સિવાયના બીજા રોમન કૅથલિક છે. એકમાત્ર અંગ્રેજી અહીંની ભાષા છે, તેમ છતાં કેટલીક શાળાઓમાં આયરિશ ભાષા પણ શીખવાય છે. પ્રજાસત્તાક પરગણાંઓમાં આયરિશ બોલતી વસ્તી 26,000 જેટલી છે, તેથી અહીં પણ આયરિશ ભાષાનું મહત્વ વધુ છે.

ઇતિહાસ : આજે અલ્સ્ટરમાં વસતી પ્રજા મૂળ પ્રાગ્-ઐતિહાસિક કાળની હોવાનું કહેવાય છે. પ્રારંભિક ખ્રિસ્તી કાળમાં, અહીંની લોકવાયકા મુજબ, ઉલઘનું સામ્રાજ્ય અહીં પ્રવર્તતું હતું. ચોથી સદીમાં, પશ્ચિમ નિયાલે અલ્સ્ટરનું સામ્રાજ્ય ઊભું કર્યું. તેના વંશજોનાં કુટુંબોનું મહત્વ અંકાતું રહેલું. સ્કૉટલૅન્ડના લોકોનું મૂળ અલ્સ્ટર-વિસ્તાર સાથે સંકળાયેલું છે. સેન્ટ પેટ્રિક, સેન્ટ નિનિયાન અને સેન્ટ કોલંબનસ આ વિસ્તાર સાથે સંકળાયેલાં હતાં.

આઠમી સદીના અંતિમ ગાળા વખતે વાઇકિંગોએ અહીં દરોડા પાડેલા. બારમી સદીમાં ઍંગ્લો-નૉર્મનોએ અહીં કિલ્લા બાંધેલા. સોળમી સદીમાં અહીંના લોકોએ આયર્લૅન્ડને જીતવા આવેલા ઇંગ્લિશ લોકોનો સામનો કરેલો. 1603માં અલ્સ્ટરના આયરિશ નેતા હઘ ઓ’નીલે સંઘર્ષ છોડી દીધો. 1610માં રાજા જેમ્સ પહેલાની સરકારે અલ્સ્ટરમાં વસાહતોની શરૂઆત કરી. 1641માં અલ્સ્ટરના નિવાસીઓએ બળવો કર્યો. 1689માં રોમન કૅથલિક રાજા જેમ્સ બીજાએ લંડનડેરીને ઘેરો ઘાલેલો, જેમાં તે અસફળ રહેલો. 1690ના જુલાઈની બારમીએ, જેમ્સ બીજો બૉયનની લડાઈ હારેલો. ઉત્તર આયર્લૅન્ડમાં દર વર્ષે આ તારીખે ઉજવણીના ભાગ રૂપે હજી પ્રૉટેસ્ટંટની પરેડ થાય છે.

1801માં અલ્સ્ટર સત્તાવાર રીતે યુનાઇટેડ કિંગ્ડમનો ભાગ બન્યું. 1921માં પૂર્વ અલ્સ્ટરનાં છ પરગણાંએ ઉત્તર આયર્લૅન્ડના વહીવટ હેઠળ યુનાઇટેડ કિંગ્ડમ સાથે રહેવાનું સ્વીકાર્યું. અલ્સ્ટરનાં બાકીનાં ત્રણ પરગણાં સ્વતંત્ર આયરિશ રાજ્યનો ભાગ બન્યાં.

ગિરીશભાઈ પંડ્યા