અલ્-બિરૂની (જ. 5 સપ્ટેમ્બર 973, કાથ, ઉઝબેકિસ્તાન; અ. 13 ડિસેમ્બર 1048, ગઝની, અફઘાનિસ્તાન) : આરબ ખગોળશાસ્ત્રી, ઇતિહાસકાર અને બહુશ્રુત વિદ્વાન. મૂળ નામ અબૂરેહાન મુહંમદ. પિતાનું નામ અહમદ. અર્વાચીન ઉઝબેકિસ્તાનના કાથ(કાસ) (= ખીવ)ના ઉપનગર(બિરૂન)માં જન્મ. તેથી અલ-બિરૂની કહેવાયો.
વતનમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. પછી બુખારા, જુર્જાન, રે (Rayy) વગેરે સ્થળોએ ફરીને ખગોળશાસ્ત્ર, ગણિત, ભૌતિકશાસ્ત્ર, ભૂગોળ, ભૂસ્તરશાસ્ત્ર, ઇતિહાસ, કાલગણનાશાસ્ત્ર (chronology), ઔષધવિજ્ઞાન ઉપરાંત ભાષા, માનવજાતિઓ તથા કાવ્ય, કથાસાહિત્ય ને ફિલસૂફી જેવા અનેકવિધ વિષયોની તેણે જાણકારી મેળવી હતી. કાથમાં મનસૂર નામે ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રીના હાથ નીચે તાલીમ લઈ એણે યુક્લિડની ભૂમિતિ અને ટૉલેમીના ખગોળનું જ્ઞાન સંપાદન કર્યું. એ પછી એક ગ્રીક પ્રકૃતિશાસ્ત્રીના પરિચયમાં આવતાં આ વિદ્યાનું જ્ઞાન પણ અર્જિત કર્યું. સત્તર વર્ષની વયે તો એણે આઠ મીટર મોટા એવા એક વલય ઉપર અંશોની નિશાનીઓ આંકીને સૂર્યના યામ્યોત્તર-ઉન્નતાંશ (meridian altitude) માપેલા. એ જ અરસામાં, એટલે કે ઈ. સ. 995માં ખ્વારિઝ્મમાં આંતરવિગ્રહ થતાં બાવીસ વર્ષના અલ-બિરૂનીને છુપાઈને દેશ છોડી ભાગી જવું પડ્યું. બે વર્ષે પુન: શાંતિ સ્થપાતાં તે વતન પાછો ફર્યો. એનું જીવન મુખ્યત્વે અવારનવાર ચાલેલી સત્તા માટેની લડાઈઓ વચ્ચે અને વિવિધ રાજ્યાશ્રયે વીત્યું, તે છતાંય એની જ્ઞાનસાધનામાં ઓટ આવી નહોતી. આ બે વર્ષો દરમિયાન અલ-બિરૂની કાસ્પિયન સમુદ્રની દક્ષિણે આવેલી પહાડીમાં વસેલા બોવેહિંદ રાજ્યમાં રહ્યો હતો. ત્યાંના સુલતાન ફખ્ર-અલ-દૌલાના કહેવાથી અલ-ખોજાન્દીએ રે નજીક પહાડ ઉપર એક વેધશાળા સ્થાપી હતી. પહાડ ઉપરની આ વેધશાળામાં અલ-બિરૂનીએ ખગોળની તાલીમ લઈને પોતે પણ અનેક વેધો લીધા. અહીં આવેલા એક મોટા ષડંશ (sextant) અંગે પણ અલ-બિરૂનીએ નોંધ લીધી છે. આ ઉપકરણથી કોઈ પણ અવકાશી પિંડ(જ્યોતિ)નો ક્ષિતિજથી ઉન્તાંશ કેટલો છે તે માપીને સહેલાઈથી જાણી શકાય છે. આ પછી થોડો સમય તેણે રેની પાસે આવેલા અને કાસ્પિયન સમુદ્રની નૈર્ઋત્યે આવેલા ગિલન (કે જિલન) પ્રાંતમાં વિતાવ્યો હોવો જોઈએ, કારણ કે એનું પુસ્તક સંભવત: અહીં લખાયું છે અને તે ત્યાંના એક શાસક અમલદારને અર્પણ કરાયું છે.
24મી મે 1997નાં રોજ અગાઉથી નક્કી કર્યા મુજબ એણે કાસમાંથી, અને અબુ ઇ-વફા નામના પ્રખ્યાત ગણિતશાસ્ત્રીએ બગદાદમાંથી, એક જ સમયે ચંદ્રગ્રહણનું નિરીક્ષણ કરીને બંને નગરોના રેખાંશનો તફાવત કાઢ્યો હતો.
અલ-બિરૂની બુખારામાં તથા ગુરગંજમાં પણ રહ્યો હોય તેમ જણાય છે. અહીં રહીને જ કદાચ એણે ‘અથ-હરલ બકીયાહ’ અર્થાત્ પ્રાચીન રાષ્ટ્રોની સાલવરી નામનો મહાગ્રંથ લખ્યો હોવો જોઈએ. આઠમી સદીના આરંભમાં સોધદીઅન દસ્તાવેજોની તારીખો ઉકેલવામાં ઉપયોગી એવું સોધદીય પંચાંગ; અરબી, ગ્રીક ને ફારસી પંચાંગો; દશાંશ સંખ્યાઓ, ખગોળ-નિરીક્ષણો, અનેક ઉપકરણો વગેરે સંખ્યાબંધ વિષયો અંગે આ ગ્રંથમાંથી આધારભૂત માહિતી મળે છે. તે કાળ સુધીમાં જ્ઞાત એવી સાંસ્કૃતિક, ઐતિહાસિક, વૈજ્ઞાનિક ઘટનાઓ અને વ્યક્તિઓ સંબંધી જે કંઈ જાણવા યોગ્ય હોય તે બધું જ તેણે આ ગ્રંથમાં ઠાંસ્યું છે. અહીં બુખારામાં જ તેને વિખ્યાત હકીમ અને તત્વજ્ઞ ઇબ્નસીના સાથે પરિચય થયો. આ બંને વચ્ચે ઉષ્ણતા અને પ્રકાશના ગુણધર્મો, આકાશ અને વિશ્વની રચના, નીચે પડતા પદાર્થના નિયમો અને અવિભાજ્ય કણો (અણુ) વગેરે જેવા ગંભીર વિષયો ઉપર જ્ઞાનની આપલે થયેલી. એમનો પત્રવ્યવહાર અલ-બિરૂનીએ નોંધ્યો છે. આ વખતે અલ-બિરૂનીની ઉંમર ત્રીસેક વર્ષની હતી. ઇબ્નસીના તો એનાથી પણ સાતેક વર્ષ નાનો હતો !
કાસની પાસે આજે જ્યાં ઉરગેન્ચ છે, ત્યાં એ જમાનામાં જુર્જાનિયા નામનું નગર હતું. અહીં અલ-બિરૂનીની વેધશાળા હોવી જોઈએ. અહીં રહીને જ એણે ઈ. સ. 1016ના જૂન સુધીમાં સૂર્યના અનેક વેધો લીધા છે. કેટલાંક ઉપકરણો પણ એણે અહીં રહીને બનાવ્યાની નોંધ મળે છે. એ જમાનામાં ખ્વારિઝ્મ એક સ્વતંત્ર અરબ સલ્તનત હતી. એક બળવામાં ત્યાંના શાહ મા’મૂનની હત્યા થતાં ગઝનીના સુલતાન મોહમ્મદે ચઢાઈ કરી ખ્વારિઝ્મ કબજે કર્યું હતું અને અનેક વિદ્વાનોને પોતાની સાથે સીજિસ્તાન (અફઘાનિસ્તાન) લઈ ગયો હતો. આ રીતે અલ-બિરૂનીને પણ ઇચ્છાવિરુદ્ધ જવું પડ્યું. ઈ. સ. 1000થી 1027ની વચ્ચેના ગાળામાં મોહમ્મદ ગઝનીએ ભારત ઉપર આક્રમણોની પરંપરા ચાલુ કરી, જેમાં ઈ. સ. 1025માં એ ગુજરાતના સોમનાથની સમૃદ્ધિ લૂંટી ગયો તે ઘટના ઇતિહાસપ્રસિદ્ધ છે. આમાંનાં સંભવત: 1017 પછીનાં લગભગ બધાં જ આક્રમણો વખતે લશ્કરની સાથે અલ-બિરૂનીને ભારત આવવાનું થયું હતું. આ તકનો લાભ લઈ એણે માનસિક તંગદિલી વચ્ચે પણ તત્કાલીન ભારત વિશે જેટલી જાણકારી મેળવાય તેટલી મેળવી લીધી હતી. સંસ્કૃત ભાષા શીખવા અનેક સંસ્કૃત ગ્રંથો ઉથલાવ્યા. ક્યારેક તે માટે જાતને આફતમાં પણ મૂકી હતી. આમ હિંદુઓમાં મુક્તપણે ભળીને સાંપ્રદાયિકતાથી પર રહીને અલ-બિરૂની સંસ્કૃત ભાષા શીખનાર પ્રથમ મુસ્લિમનું માન પામ્યો છે. આ બધાંના પરિપાક રૂપે એણે ‘તારીખ-ઉલ-હિંદ’ (હિંદનો ઇતિહાસ) નામનો મહાગ્રંથ લખ્યો. આ ગ્રંથમાં ભારતનાં વેદ-પુરાણો, યોગશાસ્ત્ર, ગીતા-વિજ્ઞાન, અન્ય સંસ્કૃત સાહિત્ય તથા અનેકવિધ હિંદુ વિદ્યાઓનો તેમજ ભારતીય પ્રજા, તેના રીતરિવાજો અને તેની સંસ્કૃતિનો પરિચય ન્યાયયુક્ત તાટસ્થ્ય જાળવીને આલેખ્યો છે. એવું કહેવાય છે કે એેના આ ગ્રંથ પરથી પ્રેરણા લઈને જ અકબરના સમયમાં અબુલ ફઝલે ‘આઇને અકબરી’ની રચના કરેલી.
ઈ. સ.1024માં વૉલ્ગા તરફના તુર્ક શાહે પોતાના રાજદૂતો ગઝન મોકલેલા. આ તુર્કોને છેક ઉત્તર ધ્રુવ પ્રદેશના લોકો સાથે વ્યાપાર-વિનિમય રહેતો. એમની પાસેથી પણ અલ-બિરૂનીએ ઉત્તર ધ્રુવ પ્રદેશ સંબંધી ઘણી માહિતી મેળવી. ત્યાં દિવસો સુધી સૂર્ય વગર આથમ્યે કેમ દેખાતો તેનું સચોટ કારણ પણ એણે આપ્યું છે. આવી જ રીતે ઈ. સ. 1027માં ચીન અન્ય દેશોમાંથી આવેલા પ્રતિનિધિઓ પાસેથી દૂર પૂર્વના દેશો વિશે પણ એણે ઘણું જાણી લીધેલું. ઈ. સ. 1030મોહમ્મદનું અવસાન થતાં શાહજાદો મસૂદ (મસઉદ) ગાદી ઉપર આવ્યો એટલે અલ-બિરૂનીનું રાજદરબારમાં માન વધ્યું. ખગોળ અંગેનું મહત્વનું પુસ્તક ‘અલ-કાનૂન-અલ-મસઉદી’ (મસઉદીનો ફતવો) આ ગાળામાં લખાયું, જે તેણે આ મસૂદને અર્પણ કર્યું છે. સુલતાન મસૂદ પછી એના શાહજાદા મોદુદના શાસન (1040-1048) દરમિયાન ખનિજવિદ્યાનું સંકલન કરતું પુસ્તક લખ્યું (‘The Book of the multitude of knowledge of precious stones’). આ ગ્રંથમાં એણે વિવિધ જાતનાં 18 જેટલાં રત્નો અને ધાતુઓનાં વિશિષ્ટ વજન (specific weight) બહુ ચોકસાઈથી નિર્ધારિત કર્યાં છે. પચાસની ઉંમરે પહોંચેલા અલ-બિરૂનીની તબિયત લથડી. વળી આંખો નબળી પડતાં એક ગ્રીક સહાયકને રાખી કામ આગળ વધાર્યું. એનો છેલ્લો ગ્રંથ ઔષધશાસ્ત્ર (Meteria Medica) અંગેનો છે. ‘કિતાબ-અસ્-સૈયદાલ્હ’ નામના આ ગ્રંથમાં એણે વનસ્પતિઓ, પ્રાણીઓ અને ખનિજોનું વિસ્તૃત વર્ણન કર્યું છે, નશાકારક તેમજ ઔષધીય ગુણોવાળી વનસ્પતિઓ અંગે લખ્યું છે. ઔષધીય વનસ્પતિઓનું વર્ગીકરણ કરી એ દરેકના ફારસી, ગ્રીક, સીરિયન ને હિંદુસ્તાની પર્યાયો પણ મળ્યા તેટલા આપ્યા છે. જોકે આ ગ્રંથ અધૂરો રહ્યો હોય તેમ લાગે છે, પણ એમાં જે કાંઈ છે તે બધું વૈજ્ઞાનિક સૂઝબૂઝથી અપાયું છે. અરબી ઉપરાંત ફારસી (પર્શિયન), તુર્કી, હિબ્રૂ, સીરિયેક (પ્રાચીન સીરિયાની ભાષા) તથા સંસ્કૃત ઉપર તેનું પ્રભુત્વ હતું. એણે પૃથ્વીનો પરિઘ માપેલો અને તે માપવાની સહેલી રીતો શોધેલી, જે અદ્યતન સાધનોથી નીકળેલાં માપ કરતાં માત્ર 110 કિલોમીટરનો જ ફરક ધરાવે છે ! પૃથ્વી પોતાની ધરી ઉપર ભ્રમણ કરે છે એવી માન્યતાને તેણે અનુમોદન આપ્યું છે. સૂર્ય અને ચંદ્રનાં નિરીક્ષણો ઉપરાંત ચંદ્રગ્રહણોનાં તો એણે સંખ્યાબંધ અવલોકનો કર્યાં છે. ગ્રહો અને તારાઓને અલગ તારવવા સાથે તારાઓની દેખીતી તેજસ્વિતા પ્રમાણે એના વિભાગ પણ એણે કરેલા. ધ્રુવ આસપાસના તારાઓનું ભ્રમણ પણ એણે નોંધ્યું છે. નરી આંખે દૃષ્ટિગોચર થતા આશરે 1029 જેટલા તારાઓની નોંધો એણે કરી છે. ભારતમાંથી ત્રિકોણમિતિ શીખી, એને ખગોળથી અલગ પાડી, એક આગવા વિષય તરીકે તેણે પ્રસ્થાપિત કરી. વર્તુળની ત્રિજ્યાનો એક એકમ તરીકે ઉપયોગ કરી એણે ભૂમિતિની અનેક ગણતરીઓ સરળ કરી આપી. ભારતીય ગણિતનો પ્રચાર કરીને ઘનમૂળ કાઢવાની રીતનો પણ પ્રસાર કર્યો. ઇસ્લામી જગતના 600 જેટલાં વિવિધ સ્થળોનાં અક્ષાંશ-રેખાંશ એણે કાઢ્યા હતા. આને આધારે જ જુદાં જુદાં સ્થળળોએથી મક્કા તરફ મોં રાખીને નમાજ પઢવા કઈ દિશામાં બેસવું તે નક્કી થઈ શકેલું. વળી એ પછી બંધાયેલી નવી મસ્જિદોના મહેરાબની દિશા પણ નક્કી થઈ શકેલી. જ્યોતિષને એ ખગોળશાસ્ત્રના અભ્યાસમાં સહાયક ગણતો, પણ ફલજ્યોતિષનો એ વિરોધી હતો. ભૂસ્તરવિષયક અવલોકનો કરી એમાં થતા ફેરફારોની નોંધો એણે કરી છે; જેમ કે, સિંધુ (ખીણ) એક કાળે સમુદ્રનો તટપ્રદેશ (sea-basin) હોવાનું વિધાન એણે કર્યું છે. દ્રવસ્થિતિશાસ્ત્ર(hydrostatics)ને આધારે કુદરતી ઝરણાનું રહસ્ય એણે સમજાવ્યું છે. કેટલાક અશ્મીભૂત અવશેષો પણ એણે શોધ્યા છે. સાપેક્ષ ઘનતા, શૂન્યાવકાશ, ઉષ્ણતાનું પ્રસારણ, પ્રકાશનું વક્રીભવન, પ્રકાશ અને અવાજની ગતિનો તફાવત વગેરે અંગે પણ એણે પ્રયોગો કરીને તારણો લખ્યાં છે. ભૂમધ્ય અને રાતા સમુદ્રને જોડતી નહેરની કલ્પના તથા ખારા પાણીને મીઠું કરવાનો વિચાર એણે આપ્યો છે. અલ-બિરૂનીની મળી આવેલી એક હસ્તલિખિત પોથીમાં શસ્ત્રક્રિયા દ્વારા (caesarian operation) પ્રસૂતિ કરાવતા વૈદ્યનું ચિત્રાંકન પણ જોવા મળે છે.
એણે 150 થી 180 જેટલા ગ્રંથો લખ્યા હોવાનું માનવામાં આવે છે, પરંતુ આજે તો એમાંથી માંડ 27 જેટલા જ ઉપલબ્ધ છે, જે પૈકી આટલા મુખ્ય ગણી શકાય :
(1) જ્યોતિષશાસ્ત્રમાં ‘કિતાબુત્-તફહીમ લેઅવાઇલે સનાઅતિત્-તન્જીમ’; (2) ખગોળવિદ્યામાં ‘અલ-કાનૂનુલ-મસઉદી ફિલ્-હૈઅત વન્-નુજૂમ’; (3) ખનિજશાસ્ત્રમાં ‘કિતાબુલ્ જમાહિર ફી મઅરિ ફતિલ્-જવાહિર’; (4) ઔષધવિદ્યા પર ‘કિતાબુસ્-સૈદના ફિત્-તિબ્’; (5) ખગોળવિદ્યા તેમજ ગણિતશાસ્ત્રમાં ચાર રિસાલા; અને (6) ભારત વિશે ભૌગોલિક, સામાજિક રીતિરિવાજો, ધર્મ, ધાર્મિક માન્યતાઓ, ઇત્યાદિ વિવિધ પ્રકારની સર્વગ્રાહી માહિતી પૂરી પાડતું પુસ્તક ‘તહકીક માલિલ્-હિંદ,’ જે પ્રાચીન ભારતના ઇતિહાસનું એક અતિમૂલ્યવાન સાધન ગણાય છે. અલ્-બિરૂનીની ઈ. સ. 1973માં 1000મી જન્મજંયતી નિમિત્તે અનેક દેશોએ અંજલિ આપતી ટપાલટિકિટો બહાર પાડેલી. ઉરગેન્ચની બાજુમાં, અને પ્રાચીન કાસ(જે આજે તો સંપૂર્ણ નષ્ટ થઈ ચૂક્યું છે)ના સ્થાનની પાસે જ હવે જે નવું નગર વસ્યું છે, તેને અલ્-બિરૂનીના માનમાં ‘બિરૂની’ નામ અપાયું છે.
સુશ્રુત પટેલ