અલ્લાહ (અલ-ઇલાહ)

January, 2001

અલ્લાહ (અલ-ઇલાહ) : મક્કાવાસીઓના સર્વશ્રેષ્ઠ પૂજનીય દેવ. આ નામ ઘણું જૂનું છે. દક્ષિણ અરબસ્તાનના બે શિલાલેખોમાં એ નામ આવે છે. હિજરી સનનાં પાંચ સો વર્ષ પૂર્વે સર્ફા નામની જગ્યાના શિલાલેખમાં એ નામ ‘હલ્લાહ’ લખાયેલું છે; એવી જ રીતે ઉમ્મુલ જમીલ(સીરિયા)ના લેખમાં હિજરી સનનાં 500 વર્ષ પૂર્વે આ શબ્દનો ઉપયોગ થયો છે. મક્કાવાસીઓ અને વિશેષત: કુરૈશ કબીલાના લોકો ઇસ્લામ પહેલાં અલ્લાહને પૂજ્ય અને આદરણીય લેખતા હતા, તે કુર્આનની સૂરતો (પ્રકરણો) 31:24, 31, 6:1, 37, 1, 09; 10:23 ઉપરથી જણાઈ આવે છે.

ઇસ્લામના મત પ્રમાણે અલ્લાહ એક અને અદ્વિતીય છે. તેને કોઈ વસ્તુની લેશમાત્ર જરૂરત નથી. તે સ્વયંસંપૂર્ણ છે. એનામાંથી કોઈ જન્મ્યો નથી, કે એ કોઈમાંથી પેદા થયો નથી. તે અનુપમ છે, તેનો કોઈ સાથી નથી.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા