અલ્લારખાં ઉસ્તાદ

January, 2001

અલ્લારખાં, ઉસ્તાદ (જ. 29 એપ્રિલ 1920, રતનગઢ, ગુરદાસપુર જિલ્લો, પંજાબ; અ. 3 ફેબ્રુઆરી 2000, મુંબઈ) : તબલાવાદનના પંજાબી ઘરાનાના વિખ્યાત કલાકાર. પિતા હાશિમઅલીની ઇચ્છા પુત્ર પણ ખેતી કરે એમ હતી, પરંતુ બાળપણથી જ પુત્રનો ઝુકાવ સંગીત તરફ હતો. 15–16 વર્ષની ઉંમરે તેઓ પઠાણકોટની એક નાટક કંપનીમાં જોડાયા. તેમણે તબલાવાદનની તાલીમ પ્રથમ લાહોરના કાદરબક્ષ પાસેથી અને ત્યારબાદ તેમના શાગિર્દ લાલમુહમ્મદ પાસેથી લીધી. થોડાક સમય પછી તેઓ જન્મસ્થાન રતનગઢ પાછા ફર્યા અને  ગુરદાસપુર ખાતે તેમણે સંગીત-પાઠશાળા ખોલી. સાથોસાથ આકાશવાણીનાં લાહોર, દિલ્હી અને અન્ય કેન્દ્રો પર પોતાની તબલાવાદનની કલાનું પ્રદર્શન કરતા રહ્યા. 1937માં તેઓ મુંબઈ આવ્યા; જ્યાં 1942 સુધી આકાશવાણી કેન્દ્ર પર સેવા આપી. ત્યારબાદ ફિલ્મક્ષેત્ર તરફ વળ્યા અને સનરાઇઝ પિક્ચર્સ, મોહન સ્ટુડિયો અને સાદિક પ્રૉડક્શન્સ જેવી ચલચિત્ર કંપનીઓમાં નોકરી કરી. આ અનુભવને આધારે તેમને રંગમહેલ સ્ટુડિયોમાં સંગીતનિર્દેશન કરવાની તક મળી. તેઓ એ. આર. કુરેશીના નામથી ચલચિત્રોમાં સંગીતનિર્દેશન કરતા હતા. તેમણે સંગીતનિર્દેશન કરેલાં ચલચિત્રોમાં ‘માં-બાપ’, ‘સબક’, ‘મદારી’, ‘આલમઆરા’ અને ‘જગ્ગા’ જેવાં હિંદી ચલચિત્રોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કેટલાંક પંજાબી ચલચિત્રોમાં પણ તેમણે સંગીતનિર્દેશન કર્યું છે. પંજાબી ચલચિત્રોએ તેમને ખૂબ લોકપ્રિય બનાવ્યા.

Alla Rakha

ઉસ્તાદ, અલ્લારખાં

સૌ. "Alla Rakha" | CC BY-SA 3.0

તેમણે દેશવિદેશમાં પોતાના તબલાવાદનની મહેફિલો કરી હતી તથા વિશ્વવિખ્યાત સિતારવાદક ‘ભારતરત્ન’ પંડિત રવિશંકર સાથે વિશ્વના ઘણા દેશોમાં તબલાસંગત પણ કરેલી. તેમના તબલાવાદનની રેકૉર્ડ પણ બહાર પડી છે. તબલાવાદન ઉપરાંત અલ્લારખાં ઠૂમરી અને ગઝલ જેવા ઉપશાસ્ત્રીય ગાયનમાં પણ નિપુણ હતા. અવસાન સુધી તેઓ મુંબઈમાં સંગીત વિદ્યાલય ચલાવતા હતા, જેમાં તબલાંની તાલીમ પર વિશેષ ભાર મુકાતો હતો.

1958માં ભારતીય સાંસ્કૃતિક મંડળના સભ્ય તરીકે તેમણે વિદેશયાત્રા કરી હતી. વળી 1960માં ‘યુનેસ્કો’ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહેફિલમાં તેમણે તબલાવાદન પ્રસ્તુત કરીને પ્રશંસા પ્રાપ્ત કરી હતી.

1977માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ એનાયત કર્યો હતો.

તબલાવાદનમાં તેમના ઘણા શિષ્યો છે, જેમાંથી તેમના પુત્ર ઝાકિરહુસેને  ભારતમાં તથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અસાધારણ ખ્યાતિ મેળવી છે. પિતાપુત્રની તબલા પરની જુગલબંદી માણવી એ એક અનેરો આનંદ હતો. તેમના બીજા પુત્ર ફઝલ કુરેશી પણ સારા તબલાવાદક છે. તેમના ત્રીજા પુત્ર તૌફીક કુરેશી ભારતીય તથા પાશ્ચાત્ય બંને પ્રકારના ચર્મવાદ્યોના નિષ્ણાત વાદક છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે