અલ્લાહાબાદ : ઉત્તરપ્રદેશ રાજ્યના અગ્નિભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લાનું મુખ્ય મથક. જે પ્રયાગરાજ તરીકે પણ ઓળખાય છે. ભૌ. સ્થાન : 250 27´ ઉ. અ. અને 810 51´ પૂ. રે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 5,482 ચોકિમી. અને વસ્તી 59,59,798 (2011) છે. આ જિલ્લાની ઉત્તરે પ્રતાપગઢ, ઈશાને જૌનપુર, પૂર્વે વારાણસી, અગ્નિએ મિરઝાપુર, નૈઋત્યે ચિત્રકુટ અને પશ્ચિમે કૌસંબી જિલ્લા આવેલાં છે. વિંધ્ય હારમાળાના તળેટી ભાગને બાદ કરતાં આ આખોય જિલ્લો ગંગાના ફળદ્રૂપ મેદાનમાં પથરાયેલો છે. ડાંગર, ઘઉં, જવ અને ચણા અહીંના મુખ્ય પાક છે.
ગંગા-યમુનાના ફળદ્રૂપ વિસ્તારમાં આવેલા પ્રાચીન પ્રયાગ શહેરના સ્થળે વસેલું શહેર. પ્રાચીન પ્રયાગ પાસે સમ્રાટ અશોકના સ્તંભ (ઈ.પૂ. 232-233) પર તેની નીચેની ખાલી જગ્યામાં ચોથી સદીના સમ્રાટ સમુદ્રગુપ્તના વિજયોની માહિતી આપતો, કવિ હરિષેણનો લખેલો લેખ છે. સાતમી સદીમાં પ્રયાગમાં સમ્રાટ હર્ષનું સામ્રાજ્ય હતું. આ સમ્રાટ દર પાંચ વર્ષે પ્રયાગમાં દાન-મહોત્સવ યોજતો અને તે દ્વારા ગરીબોને પોતાની સર્વ સંપત્તિનું દાન કરતો. પ્રયાગમાં ગંગા, યમુના તથા સરસ્વતી (ગુપ્ત) આ ત્રણેય પવિત્ર નદીઓનો સંગમ થતો હોઈ તેને પ્રયાગરાજ તરીકે ઓળખવામાં આવે છે. ત્રિવેણીસંગમને લીધે પ્રયાગ એ પ્રાચીન કાળથી હિંદુ ધર્મનું અત્યંત પવિત્ર સ્થળ મનાય છે. દર બાર વર્ષે અહીં મોટો કુંભમેળો ભરાય છે. તે પ્રસંગે સમગ્ર ભારતમાંથી લાખો શ્રદ્ધાળુઓ ત્યાં પવિત્ર સ્નાન કરવા માટે ભેગા થાય છે. રામજીની ભક્તિનો પ્રચાર કરનાર સંત રામાનંદ આ સ્થળે જન્મ્યા હતા.
1583માં આ શહેર ઇલાહાબાદ નામથી વસેલું. ‘ઇલાહાબાદ’નો અર્થ ‘અલ્લાહનું શહેર’ થાય છે. સમ્રાટ અકબરે તેને ‘અલ્લાહ-આબાદ’ એટલે ખુદાનું શહેર એવું નામ આપેલું. આ શહેરની પાસે અકબરે કિલ્લો બાંધ્યો. મુઘલ સમયમાં અલ્લાહાબાદ તે વખતના પ્રાંતની રાજધાની બન્યું હતું. 1801માં તે અંગ્રેજોની સત્તા હેઠળ ગયું. 1857માં અંગ્રેજી રાજ વિરુદ્ધ ત્યાં બળવો થયો અને તેથી ભારતની આઝાદીની લડતના ઇતિહાસમાં અલ્લાહાબાદ શહેરને પણ અગ્રસ્થાન પ્રાપ્ત થયું. અનેક ક્રાંતિવીરોને અંગ્રેજોએ ત્યાં ફાંસી આપેલી અને એ રીતે હત્યાકાંડ સર્જેલો. 1858માં ઇંગ્લૅન્ડની રાણી વિક્ટોરિયાએ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી હિંદનો વહીવટ સંભાળી લીધાની જાહેરાત તે વખતના વાઇસરૉય લૉર્ડ કેનિંગે અલ્લાહાબાદમાં દરબાર ભરીને કરી હતી. 1866માં અંગ્રેજોએ ત્યાં વડી અદાલત સ્થાપી હતી. 1887માં અલ્લાહાબાદ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. 1901થી 1949 સુધી આ શહેર તે વખતના સંયુક્ત પ્રાંતનું પાટનગર હતું.
આ શહેર ગંગા-યમુનાના ફળદ્રૂપ વિસ્તારમાં તથા નહેરોની સિંચાઈવાળા પ્રદેશમાં આવેલું હોઈ તે એક મોટું વ્યાપારી મથક છે. આ શહેરમાં ખાંડના, ચામડાના તથા કાચના ઉદ્યોગો વિકસ્યા છે. આ શહેરની વસ્તી 15,36,218 (2011) છે. જેનો વિસ્તાર 365 ચોકિમી છે.
ભારતની આઝાદીની લડતમાં અલ્લાહાબાદ શહેરનું પ્રદાન ઘણું મોટું છે. નેહરુ કુટુંબનું તે વતન હોવાથી સ્વતંત્રતાની ચળવળનું મહત્વનું કેન્દ્ર બન્યું હતું. ‘આનંદભવન’ નામનું નેહરુ કુટુંબનું ભવ્ય મકાન આ જ શહેરમાં આવેલું છે, જે હવે રાષ્ટ્રીય સ્મારક છે. ભારતનાં ભૂતપૂર્વ વડાંપ્રધાન ઇંદિરા ગાંધીનો જન્મ આનંદભવનમાં થયો હતો.
ત્રિવેણીસંગમ અને આનંદભવન ઉપરાંત અલ્લાહાબાદ શહેરમાં આવેલું અજાયબઘર (મ્યુઝિયમ) જોવાલાયક સ્થળ છે.
ભારત આઝાદ થયા બાદ ઉત્તરપ્રદેશ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું અને ત્યારથી આ રાજ્યનું પાટનગર લખનૌ છે. છતાં રાજ્યની વડી અદાલતનું મથક અલ્લાહાબાદમાં જ છે. અલ્લાહાબાદ શહેર હિંદી સાહિત્ય અને સંસ્કૃતિનું પિયર ગણાય છે. આ શહેરે સ્વાધીન ભારતને અત્યાર સુધી ત્રણ વડાપ્રધાનો (જવાહરલાલ નેહરુ, લાલબહાદુર શાસ્ત્રી તથા ઇંદિરા ગાંધી) બક્ષ્યા છે.
જયકુમાર ર. શુક્લ