અલ્પહસ્તક ઇજારો

January, 2001

અલ્પહસ્તક ઇજારો (oligopoly) : વેચનારાઓની અલ્પસંખ્યા ધરાવતું બજાર – આવા બજારને ‘અલ્પસંખ્યક વેચનારાઓ વચ્ચેની હરીફાઈ’ (competition among a few) એવું નામ આપવામાં આવે છે. પૂર્ણ હરીફાઈ અને શુદ્ધ ઇજારો – આ બે અંતિમ પરિસ્થિતિ વચ્ચે દેખાતી અપૂર્ણ હરીફાઈને તેના વિશિષ્ટ સ્વરૂપે અલ્પહસ્તક ઇજારામાં જોવા મળે છે. કુલ પુરવઠાનો મહત્વનો ભાગ ગણીગાંઠી પેઢીઓ વચ્ચે વહેંચાયેલો હોવાથી મહત્તમ નફો કમાવાની હોડમાં તેમની વચ્ચે હરીફાઈની સંભાવના પણ રહે છે. પેઢીઓની સંખ્યા ઓછી હોવાને કારણે પ્રત્યેક વેચનાર તેના પ્રતિસ્પર્ધીઓની કામગીરી તથા નીતિઓથી પ્રભાવિત થાય છે; એટલું જ નહિ, તેની પોતાની કામગીરી તથા નીતિઓની પણ તેના પ્રતિસ્પર્ધીઓ પર અસર પડતી હોય છે. તેથી પરસ્પરાવલંબન એ અલ્પહસ્તક ઇજારાનું એક મુખ્ય લક્ષણ છે, જે વસ્તુના ઉત્પાદન કે કિંમત પૂરતું મર્યાદિત રહેતું નથી; તેમની વ્યૂહરચનાઓ તથા તેમનું પ્રચારતંત્ર વેચનારની કામગીરી અને નફા પર નોંધપાત્ર અસર પાડી શકતાં હોય છે. પ્રતિસ્પર્ધીઓ વચ્ચેની સ્પર્ધાની આંતરક્રિયા સૂક્ષ્મ અને જટિલ હોય છે તથા તેમાં અનેક પરિબળો સંકળાયેલાં હોય છે. તેથી અલ્પહસ્તક ઇજારામાં ઉત્પાદન, કિંમત અને સંબંધકર્તા પરિબળો અનિર્ણીત રહે છે.

દ્વિહસ્તક ઇજારો (duopoly) અલ્પહસ્તક ઇજારાનો જ એક સાદો પ્રકાર ગણાય, જેમાં વસ્તુનું ઉત્પાદન કરનારી પેઢીઓની સંખ્યા બે પૂરતી મર્યાદિત હોય છે. દ્વિહસ્તક ઇજારો એ અલ્પહસ્તક ઇજારાનો એક ભાગ હોઈ આર્થિક વિશ્લેષણની દૃષ્ટિએ તે અલ્પહસ્તક ઇજારાની પૂર્વભૂમિકા પૂરી પાડે છે.

પરસ્પરાવલંબન એ અલ્પહસ્તક ઇજારાનું અગત્યનું લક્ષણ છે, કારણ કે એકસરખી એટલે કે સંપૂર્ણ અવેજની વસ્તુ અથવા નજીકની અવેજ વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યા જૂજ હોવાને લીધે અને પ્રત્યેક પેઢી કુલ પુરવઠાનો સારો એવો હિસ્સો ઉત્પાદિત કરતી હોવાને લીધે, તેમાંની જો કોઈ એક પેઢી પોતાની વસ્તુની કિંમત, તેની ગુણવત્તા કે વેચાણખર્ચમાં ફેરફાર દાખલ કરે તો પ્રતિસ્પર્ધી પેઢીઓના વેચાણ પર અને તે દ્વારા તેમના નફા પર સીધી અને નોંધપાત્ર અસર પડતી હોય છે, જેમાંથી પોતાનું રક્ષણ કરવા માટે આવી પેઢીઓ વળતાં પગલાં લે તેવી સંભાવના હોય છે. આવી શક્યતાને લીધે દરેક પેઢીને હરીફ પેઢીઓનાં વળતાં પગલાંનો ખ્યાલ રાખવો પડે. આમ કરવાથી જ પેઢી મહત્તમ નફાની વ્યૂહરચના ગોઠવી શકે છે.

પરસ્પરાવલંબનની આ લાક્ષણિકતામાંથી આ બજારનું એક બીજું લક્ષણ ફલિત થાય છે. તે એ કે અલ્પહસ્તક ઇજારામાં કોઈ પણ પેઢી સમક્ષ ચોક્કસ કે પૂર્વનિર્ણીત માંગરેખા હોતી નથી, ચોક્કસ માંગરેખા હોઈ પણ ન શકે. અલ્પહસ્તક ઇજારામાં કોઈ એક પેઢી પોતાની વસ્તુનું વેચાણ વધારવા માટે કિંમત-ઘટાડાની નીતિ અપનાવે તો તેના પ્રત્યાઘાત રૂપે અન્ય પેઢીઓ પણ વળતાં પગલાં લે તો કિંમત-ઘટાડાની પહેલ કરનાર પેઢીના વેચાણમાં વધારો થશે નહિ. આમ અનિર્ણીત માંગરેખા પણ આ બજારની લાક્ષણિકતા ગણાય. આ કારણસર અલ્પહસ્તક ઇજારાના બજારમાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા જટિલ બને છે.

મૉડેલોનો પરિચય : કોર્નુનું મૉડેલ (Cournot’s model) : અલ્પહસ્તક ઇજારાનું પ્રથમ નિર્ણીત મૉડેલ 1838માં ફ્રેન્ચ અર્થશાસ્ત્રી કોર્નુએ આપ્યું હતું. તેણે સરળતા ખાતર પોતાના મૉડેલમાં બે પેઢીઓનો જ સમાવેશ કરેલો હોવાથી તત્કાલીન પાઠ્યપુસ્તકોમાં તેના મૉડેલને દ્વિહસ્તક ઇજારા તરીકે લેખવામાં આવેલ. જોકે તેનું દ્વિહસ્તક ઇજારાનું વિશ્ર્લેષણ સહેલાઈથી અલ્પહસ્તક ઇજારાને પણ લાગુ પાડી શકાય તેમ છે.

પ્રતિસ્પર્ધીના ઉત્પાદનને નિશ્ચિત અને સ્થિર માનીને વેચનાર કઈ રીતે સ્વતંત્રપણે મહત્તમ નફો પ્રાપ્ત કરી શકે તે કોર્નુએ પોતાના મૉડેલમાં પ્રતિપાદિત કરેલું છે. એક વેચનાર પોતાના ઉત્પાદનમાં વધઘટ કરે તો પ્રતિસ્પર્ધીઓ પણ તેમના ઉત્પાદનમાં વધઘટ કરી આવશ્યક પ્રતિકાર કરશે જ તેવી માન્યતાથી પ્રેરાઈને કોર્નુએ અનુમાન કર્યું હતું કે અલ્પહસ્તક ઇજારામાં પ્રતિસ્પર્ધીનું ઉત્પાદન નિશ્ચિત અને સ્થિર રહેતું હોય છે.

આકૃતિ 1 : કોર્નુની પ્રત્યાઘાત રેખાઓ

આકૃતિ 1માં કોર્નુએ પ્રતિસ્પર્ધીઓ વચ્ચેના પ્રત્યાઘાતની આંતરક્રિયા સમજાવી છે. આ આકૃતિમાં પહેલી પેઢીની પ્રત્યાઘાત રેખાને m1 n1 અને બીજી પેઢીની પ્રત્યાઘાત રેખાને m2 n2 તરીકે દર્શાવેલ છે. જો બીજી પેઢી y4 જેટલું વેચાણ કરશે તો પ્રથમ પેઢી x´ જેટલું વેચાણ કરવા પ્રેરાશે. આની સામે પ્રત્યાઘાત રૂપે બીજી પેઢી y3 જેટલું વેચાણ કરવા તૈયાર થશે અને તેના પ્રત્યાઘાત રૂપે પહેલી પેઢી x´´ જેટલું પ્રમાણ રાખવા યત્ન કરશે. ફરી એક વાર બીજી પેઢી y2 તરફ જવા પ્રેરાશે ત્યારે પહેલી પેઢી x´´´ જેટલું વેચાણ કરશે. પરસ્પરની આંતરક્રિયા છેવટે પહેલી પેઢીના x અને બીજી પેઢીના y ઉત્પાદનના પ્રમાણના બિંદુએ સ્થિર થશે અને ત્યાં E ઉપર સમતુલા સ્થપાશે. અલ્પહસ્તક ઇજારામાં વેચનારાઓ વચ્ચે પરસ્પરાવલંબન અને તેને પરિણામે ઉદભવતી ક્રિયાપ્રતિક્રિયાની વિવિધ રેખાઓનું આલેખન એ કોર્નુનું મુખ્ય પ્રદાન છે.

કોર્નુના મૉડેલમાં વેચનારાઓ વચ્ચે પરસ્પરાવલંબનને લીધે અને તેમની વચ્ચે કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ સમજૂતીના અભાવે વધુ ઉત્પાદન તથા નીચી કિંમતોની પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને તેનું માનવકલ્યાણની દૃષ્ટિએ વિશેષ મહત્વ બની રહે છે.

ચેમ્બરલીનનું મૉડેલ (Chamberline’s model) : કોર્નુના મૉડેલની ટીકા કરતાં 1933માં ચેમ્બરલીને દર્શાવ્યું કે વેચનારની એક ચાલની સામે પ્રતિસ્પર્ધીઓ પણ વળતી ચાલ ચાલવાના હોય ત્યારે પ્રતિસ્પર્ધીઓના ઉત્પાદનને નિશ્ચિત અને સ્થિર માનીને સિદ્ધાંત બાંધવો નિરર્થક છે.

ચેમ્બરલીને સ્પષ્ટપણે પરસ્પરાવલંબનનો સ્વીકાર કરી એવું મંતવ્ય વ્યક્ત કર્યું કે આને પરિણામે અલ્પહસ્તક ઇજારામાં વેચનારાઓનો વ્યવહાર ઇજારદાર જેવો જ રહેશે અને આ બજારમાં ઇજારા જેવી જ કિંમત પ્રવર્તશે. કોઈ પણ વેચનાર ઇજારા-કિંમત કરતાં ઓછી કિંમત લેવા પ્રેરાશે નહિ, કારણ કે તે જાણે છે કે પ્રતિસ્પર્ધીઓ પણ કિંમત ઘટાડશે અને સરવાળે બધાંનો નફો ઘટવા પામશે.

સમયની સાથે ચેમ્બરલીનના મૉડેલની પણ મર્યાદાઓ છતી થઈ. ચેમ્બરલીને બધા જ વેચનારાઓ માટે ખર્ચ તથા બીજાં પરિબળોને એકસમાન ગણી લઈને માત્ર કિંમત તથા ઉત્પાદનનાં પરિવર્તનો પર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. વાસ્તવિક દુનિયામાં પ્રતિસ્પર્ધીઓને વિવિધ પ્રકારની ધંધાકીય નીતિઓ તથા વ્યૂહરચનાઓનો સામનો કરવો પડતો હોય છે. સ્પર્ધાત્મક લાભ પ્રાપ્ત કરવા માટે વસ્તુઓનું વિકલન, સંશોધન, પ્રચાર, ખરીદવેચાણની વિવિધ પદ્ધતિ અને કિંમત સિવાયની વ્યાપારની શરતો ઇત્યાદિ પરિબળોનો આશરો લેવામાં આવતો હોય છે. અલ્પહસ્તક ઇજારામાં વેચનારાઓ ઇજારદાર તરીકે પોતાનો વ્યવહાર કરતા હોય છે તે ચેમ્બરલીનનું મુખ્ય પ્રદાન નથી; બલકે આવા બજારમાં વેચનારાઓ કિંમતની સ્પર્ધા સિવાયની અન્ય સૂક્ષ્મ અને સચોટ વ્યૂહરચનાઓ અપનાવતા હોય છે તે હકીકત તરફનો નિર્દેશ તે તેનું મુખ્ય પ્રદાન લેખાવું જોઈએ.

રમતના સિદ્ધાંત પર આધારિત મૉડેલો : આધુનિક સમયમાં ગણિતશાસ્ત્રીઓ સ્પર્ધાની વિવિધ વ્યૂહરચનાઓને આવરી લઈને રમતના સિદ્ધાંત દ્વારા અલ્પહસ્તક ઇજારાવાળા બજાર માટે કોઈ નિર્ણીત ઉકેલ રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રમતના સિદ્ધાંતમાં જે પરિબળો પર વેચનારનો કાબૂ હોય તેને આવરી લેતી જુદી જુદી વ્યૂહરચનાઓમાં વેચનાર પોતાને અનુકૂળ વ્યૂહરચના પસંદ કરી શકે છે. બીજગણિતની મદદ વડે રજૂ થતી આ સિદ્ધાંતની સમજૂતી ભૂમિતિની મદદ વડે આકૃતિઓ દ્વારા અપાતી સિદ્ધાંતની સમજૂતી કરતાં વધુ અસરકારક સાબિત થયેલ છે.

વાસ્તવમાં રમતના સિદ્ધાંતો પર આધારિત મૉડેલો અર્થહીન પુરવાર થયા છે, કારણ કે તે ખૂબ અટપટા હોવા ઉપરાંત તેમાં સમાયેલી વ્યૂહરચનાઓની પૂરેપૂરી માહિતી ભાગ્યે જ કોઈ પ્રતિસ્પર્ધીને પ્રાપ્ત હોય છે. અલ્પહસ્તક ઇજારાની અનેકવિધતાને લીધે અને તેમાં સમાયેલી અટપટી ગૂંચોને કારણે આ બજારના પ્રતિસ્પર્ધીઓના વ્યવહારને સમજાવતો સર્વમાન્ય સિદ્ધાંત હજુ સુધી કોઈ વિકસાવી શક્યું નથી.

અલ્પહસ્તક ઇજારામાં ભાવચુસ્તતા : અલ્પહસ્તક ઇજારામાં પ્રવર્તતી કિંમતની ચુસ્તતા સમજાવવા માટે ખાંચવાળી માંગની રેખા, કિંમત-નેતૃત્વ ધરાવતી પેઢી તથા ભાવ અંગેના ગઠબંધનના ખ્યાલો પ્રચલિત બન્યા છે. 1939માં પોલ સ્વીઝી તથા ઑક્સફર્ડના અર્થશાસ્ત્રીઓ હૉલ તથા હીચે અલ્પહસ્તક ઇજારામાં ખાંચાવાળી માંગના વિશ્લેષણ દ્વારા ચુસ્ત કિંમતનો ખ્યાલ રજૂ કર્યો. આ ખ્યાલમાં એવી માન્યતા અભિપ્રેત છે કે જો કોઈ એક વેચનાર કિંમત વધારવાનો પ્રયાસ કરે તો પ્રતિસ્પર્ધીઓ તેનું અનુકરણ કરશે નહિ, પણ તે કિંમત ઘટાડવાનો પ્રયાસ કરશે તો પ્રતિસ્પર્ધીઓ તરત જ પોતાની કિંમત ઘટાડશે. પરિણામે વેચનાર કિંમત બદલવાનું જોખમ લેશે જ નહિ અને પ્રવર્તમાન કિંમત સ્થિર બની રહેશે. તે કિંમતે વેચનારની માંગમાં ખાંચ ઉદભવશે.

આકૃતિ 2 : માંગની ખાંચાવાળી રેખા

આકૃતિ 2માં D1 D2 માંગની રેખામાં P બિંદુએ ખાંચો ઉદભવે છે. Pથી ઉપરના ભાગમાં માંગ વધુ મૂલ્યસાપેક્ષ અને નીચેના ભાગમાં માંગ ઓછી મૂલ્યસાપેક્ષ હોય છે. MR-MR’ સીમાન્ત આવકની રેખા છે. તેમાં P કિંમતે સીમાન્ત આવકમાં એક મર્યાદિત અવકાશ સર્જાય છે. જે ત્રુટકરેખા દ્વારા વ્યક્ત થયેલ છે. માંગની રેખાનો આ ખાંચો સીમાન્ત આવકની રેખામાં અવકાશનો જે ગાળો સર્જે છે તે ગાળામાં સીમાન્ત ખર્ચમાં થતી વધઘટને કારણે વેચનાર પેઢીની સમતુલામાં ભંગાણ પડતું નથી.

1951માં માર્કહામે કિંમત-નેતૃત્વનો ખ્યાલ ઉપસાવ્યો. આ ખ્યાલ પ્રમાણે એક પ્રતિભાશાળી વેચનાર સામાન્ય રીતે એક મોટી પેઢી કે આંશિક ઇજારદાર વસ્તુની કિંમત નક્કી કરે છે અને બીજા બધા વેચનારાઓ તેનું નેતૃત્વ સ્વીકારી તે જ કિંમતે વેચાણ કરવા યત્ન કરે છે. કેટલીક વખત વેચનારાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમજૂતી સ્થાપી એક પ્રકારનું ગઠબંધન રચે છે અને વસ્તુની કિંમત ચુસ્તપણે સ્થિર ટકાવી રાખે છે. વળી કેટલીક વખત એક કિંમત નક્કી થઈ ગયા પછી વેચનારાઓ તેને પ્રણાલિકા રૂપે વળગી રહેતા હોય છે; પરંતુ સ્ટીગલરના મંતવ્ય મુજબ આ બધી પરિસ્થિતિઓમાં કોઈ એક વેચનારના કિંમત વધારવાના કે કિંમત ઘટાડવાના એમ બંને પ્રયાસોનો પ્રતિસ્પર્ધીઓ પ્રતિકાર કરતા હોય છે અને માંગની રેખામાં ખાંચો હોય તેવું અનુમાન વાસ્તવિક જણાતું નથી

ચુસ્ત સ્થિર કિંમતોનો ઘણી વખત ‘સંચાલિત’ કિંમતો (administered prices) તરીકે પણ નિર્દેશ કરવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ પછીના સમયમાં અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં વસ્તુની કિંમતો ઉપલી દિશામાં પરિવર્તનશીલ અને નીચલી દિશામાં અપરિવર્તનશીલ માલૂમ પડી છે. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા જેવા દેશમાં ફુગાવાને સમજાવવામાં સંચાલિત કિંમતોની વિચારસરણીએ મહત્વની કામગીરી બજાવી છે.

રજનીકાન્ત સંઘવી