અલ્તાઈ પર્વતમાળા : મધ્ય એશિયામાં રશિયા, મોંગોલિયા અને ચીનમાં પથરાયેલી લગભગ 1,600 કિમી. લાંબી પર્વતમાળા. પશ્ચિમ સાઇબીરિયાના ગોબી રણથી તે શરૂ થાય છે. તુર્ક-મોંગોલિયન ભાષાના ‘અલ્તાન’ (સોનેરી) શબ્દ પરથી આ પર્વતમાળાનું નામ પડ્યું છે. રશિયાના મધ્ય અને પૂર્વ ભાગમાં અલ્તાઈ પર્વતમાળા સૌથી ઊંચી છે. ત્યાં સૌથી ઊંચું શિખર બેલુખા (4496 મીટર) આવેલું છે. કાતુન, બુખ્તાર્મા અને બિયા તેમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. પર્વતમાળામાં નાનાં-મોટાં 3,500 જેટલાં તળાવો અને રશિયન અલ્તાઈ પર્વતમાળાનો 70 ટકા ભાગ જંગલો છે. મોંગોલ અને ગોબી અલ્તાઈમાં હવે જંગલો રહ્યાં નથી. લોખંડ, સોનું, મૅંગેનીઝ અને ટંગસ્ટનની અનામતો ઘણા મોટા પ્રમાણમાં આ પર્વતમાળામાં છે. પ્રવાસન-ઉદ્યોગનો વિકાસ પણ ખાણકેન્દ્રો તથા તળાવો અને શિખરોની આસપાસ થઈ રહ્યો છે.
હેમન્તકુમાર શાહ